અમરેલી: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટાપાયે ખેતી અને પશુપાલનનો વ્યવસાય થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પશુપાલનના વ્યવસાયમાં ગીર ગાય સૌથી મોખરે છે, ગુજરાતમાં ગીર, કાંકરેજ, દેશી અને એચએફ અને જર્સી બ્રિડની ગીર ગાય જોવા મળે છે. આ ગાયો દ્વારા દૂધ ઉત્પાદન મેળવવામાં આવે છે.
ત્યારે અમરેલી જિલ્લામાં પ્રથમ વાર વિશ્વની સૌથી નાની અને લુપ્ત થઈ રહેલી પૂંગનુર ગાયનું આગમન થયું છે. ત્યારે શું છે આ પુંગનુર ગાયની ખાસિયત અને તેને ગુજરાતમાં લાવવાનો ધ્યેય શું છે તે જાણીશું આ અહેવાલમાં..
પુંગનુર ગાયનું આગમન: અમરેલી જિલ્લા ધારી તાલુકાના ચલાલા ગામે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ એક ગીર ગાયની ગૌશાળા ચલાવવામાં આવે છે. આ ગૌશાળામાં વિશ્વમાંથી ધીરેધીરે લુપ્ત થઈ રહેલી પુંગનુર ઔલાદની ગાયનું આગમન થયું છે. જેને આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતેથી લાવવામાં આવી છે. અહીં 37 જેટલી ગીર ગાયો સાથે આ પુંગનુર ગાયને રાખવામાં આવી છે અને તેનો ખુબ સાવચેતી પૂર્વક ઉછેર અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે, ત્યાર બાદ આ ગાયની પ્રજાતિને વિકસીત કરવાના હેતુથી વેંચવામાં આવશે.
પુંગનુર ગાયની ખાસીયત: આ પુંગનુર ગાયની ખાસીયતની વાત કરીએ તો, આ ગાયના સંવર્ધન માટે આંધ્ર પ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે. આ ગાય દરરોજ 3થી 5 લીટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો જ ચારો ખાય છે. લગભગ 112 વર્ષ જૂની પ્રજાતિની આ ગાય વિશ્વની સૌથી નાની ગાયો માંથી એક છે.
દક્ષિણ ભારતમાં ખુબ પ્રસિદ્ધ છે પુંગનુર ગાય: આ ગાયની ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે. સૌથી નાની પ્રજાતિની આ પુંગનુર ગાય આંધ્રપ્રદેશના ચીતુર જિલ્લામાં જોવા મળે છે, પુંગનુર ગાય તેના કદના કારણે ખૂબ જ પ્રખ્યાત છે, તેની ઊંચાઈ માત્ર બે ફૂટ થી લઈને અઢી ફૂટ છે અને લંબાઈ ત્રણ ફૂટ થી સાડા ત્રણ ફૂટ હોય છે. તેના આ દેખાવના કારણે જ તે ખુબ જ પ્રખ્યાત છે.
પુંગનુર ગાયની કિંમત 4 લાખ રૂપિયા
પહેલી વખત આ પુંગનુર ગાયનું અમરેલી જિલ્લાના ચલાલામાં આગમન થતાં ગૌશાળામાં આ ગાયને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ગૌશાળામાં આવી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, ભારતમાં આ ગાયની કિંમત અંદાજીત 4 લાખ ગણવામાં આવે છે, જેમા ગાય નાની હોઈ છે તેમ તેના ભાવ લાખોમાં બોલાઈ છે.
લોકોના આકર્ષણનું કેન્દ્ર બની પુંગનુર ગાય: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ આ પુંગનુર ગાયની પૂજા કરે છે. અમરેલીના ચલાલા સ્થિત ગાયત્રી આશ્રમમાં આ પુંગનૂર ગાય ગીર ગાયોની વચ્ચે પોતાની અલગ જ મહેમનાગતિ માણી રહી છે. નાના કદની આ પુંગનુર ગાયને જોતા જ સૌ કોઈને વ્હાલી લાગી રહી છે અને સૌ કોઈને આકર્ષી પણ રહી છે.