સુરત : શહેરના વરાછા વિસ્તારમાંથી સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી ભાવેશકુમાર મગનભાઈ ગજેરા અને પ્રતીક કાંતિભાઈ કોલડિયા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં ચેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા. હાલ બંને આરોપીઓને વરાછા પોલીસને સોંપવામાં આવ્યા છે.
સાઇબર ક્રાઈમ સેલની કાર્યવાહી : આ બાબતે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશન ACP શ્વેતા ડેનિયલે જણાવ્યું કે, હાલ સોશિયલ મીડિયાના જમાનામાં સાયબર ક્રાઇમની ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. સુરત પોલીસ કમિશનર અને એડિશનલ CP ના માર્ગદર્શન હેઠળ આવા બનાવને રોકવા માટે સાઇબર ક્રાઈમ સેલની ટીમ સતત સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. તે ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં વર્કઆઉટ કરી રહી છે.
રેઈડ કરી બે આરોપીને દબોચ્યા : સાઇબર ક્રાઈમ સેલ ટીમને બાતમી મળી હતી કે, વરાછા વિસ્તારમાં આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તે બાતમીના આધારે વરાછાના રચના સર્કલ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં એક ઘરમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં આરોપી ભાવેશકુમાર મગનભાઈ ગજેરા અને પ્રતીક કાંતિભાઈ કોલડિયાને ઝડપી પાડ્યા હતા.
સરકારી દસ્તાવેજો સાથે ચેડા કર્યા : આરોપીઓ આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં ચેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા. બંનેની પૂછપરછમાં CSC સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતીકને 15 હજારના પગાર પર રાખ્યો હતો. બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું ભાવેશે પ્રતીકને શીખવ્યું હતું. આરોપીઓ 300 થી 500 રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેંજ કરી આપતા હતા.
કેવી રીતે કરતા હતા ગોલમાલ : બંને આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી ભાવેશકુમાર CSC સેન્ટર ધરાવે છે, એટલે આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાનું કામ કરે છે. તે તમામ પ્રકારના સરકારી ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરે છે. તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરવા માટે એક ડાઇનો ઉપયોગ કરતો હતો. જેમાં પહેલાથી એક ફ્રોમ બનાવવામાં આવેલું હોય, તેમાં ફોટો શોપથી કરતો હતો. જેને સરકારી ખોટા ડોક્યુમેન્ટ પણ કહી શકાય છે.
ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર : આ પહેલા આરોપીએ ઘણા બધા ઇલેક્શન કાર્ડ પણ બનાવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી આ કામ સાથે આરોપી ભાવેશ જોડાયો છે. તેને સરકારની CSC પરીક્ષા પણ પાસ કરી છે, જે સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે. હાલ બંને આરોપીઓને વરાછા પોલીસને સોંપવામાં આવ્યા છે. તેઓની વધુ પૂછપરછ હવે વરાછા પોલીસ દ્વારા કરવા આવી રહી છે. તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.