બે ગેમ ઝોન સીલ કર્યા, જાહેર સ્થળની તપાસ કરવા આદેશ (ETV Bharat Reporter) પોરબંદર :પોરબંદર જિલ્લા કલેક્ટર કે. ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને સેવા સદન 1 ખાતે જિલ્લામાં આવેલા ગેમ ઝોનના સંચાલન સંબંધે તકેદારી રાખવા તેમજ સલામતી બાબતે તપાસ કરવા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. પોરબંદરના બે ગેમ ઝોનમાં તપાસ કરતા ફાયર સેફટી અને NOC ન મળતા પોરબંદરમાં રિલાયન્સ મોલમાં આવેલ ગેમ બ્લાસ્ટ ગેમઝોન અને અસમાવતી રિવરફ્રન્ટમાં આવેલ ગેમ ઝોન સીલ કરી બંધ કરવામાં આવ્યા છે.
ગેમઝોન અને જાહેરસ્થળો પર તપાસ :પોરબંદર જિલ્લા કલેક્ટર કે. ડી. લાખાણીએ જિલ્લામાં આવેલા તમામ ગેમઝોન અને લોકોની ભીડ રહેતી હોય તેવા સ્થળોની ચકાસણી કરવા માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં તમામ પ્રાંત અધિકારીઓને ગેમ ઝોનની ચકાસણી માટે નોડલ અધિકારી તરીકે જવાબદારી આપવામાં આવી છે. નાયબ મામલતદાર, પોલીસ, નગરપાલિકા, PGVCL સહિતના વિવિધ વિભાગોની સંયુક્ત રીતે ટીમ બનાવવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરના આદેશ :આ ટીમ પોરબંદરમાં સ્થિતિ તમામ ગેમ ઝોન સરકારના નિયમોનુસાર છે કે નહીં તેની ચકાસણી કરીને જિલ્લા કલેક્ટર સમક્ષ અહેવાલ રજૂ કર્યો હતો. રાજ્ય સરકારની સૂચના અનુસાર અને સંબંધિત નિયમો અનુસાર આ ટીમ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કે. ડી. લાખાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર પોરબંદરમાં વહીવટી તંત્રની ટીમ દ્વારા જે સ્થળે લોકોની વધુ ભીડ હોય ત્યાં તેમજ ગેમ ઝોનમાં ફાયર NOC, બાંધકામ પરવાનગી અને ઈન્ટર વાયરીંગ સહિત બાંધકામ મંજૂરીની તપાસ કરવામાં આવશે.
બે ગેમઝોન સીલ : આ બેઠકમાં અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ફાયર NOC સહિત વિવિધ પરમિશનની બારીકાઈથી તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે. ગેમ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત બચાવ માટે ઉપલબ્ધ વ્યવસ્થા તપાસવા તાકીદ કરી હતી. નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્રસિંહ રાયજાદાએ ઉપસ્થિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને તપાસ ટીમ દ્વારા કામગીરી સુચારુ રીતે થાય તે દિશામાં યોગ્ય રીતે મોનીટરીંગ કરવા સૂચન કર્યું હતું. આથી પોરબંદરના બંને ગેમ ઝોન અધિકારીઓની હાજરીમાં સીલ મારી બંધ કરવામાં આવ્યા હતા.
- ગાંધીનગરમાં ધમધમતા ગેમ ઝોન પર તંત્ર ત્રાટકયું, 17 ગેમ ઝોન પર તપાસના આદેશ અપાયા
- રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ, સુઓમોટોને લઈને કોર્ટમાં દલીલો