પોરબંદર: જેતપુર પ્રદુષિત પાણી મુદ્દે ગુજરાત ખારવા સમાજ હવે એક મંચ પર આવ્યું છે. જેતપુર 'ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ' (Deep Sea Pipeline Project) રદ કરવા ખારવા સમાજ અને પોરબંદરના નગરજનોની પ્રબળ માંગ છે. 'સેવા પોરબંદર સી' અને ખારવા સમાજની સફળ જનજાગૃતિ રેલી બાદ હવે ગુજરાત ખારવા સમાજે પોરબંદરમાં શનિવારના રોજ દરીયાઈ પટ્ટીના ગામની ઈમરજન્સી બેઠકનું આયોજન કર્યું હતું. જે માટે સૌ પ્રથમ જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અને ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાની આગેવાનીમાં પોરબંદરમાં શનિવારથી બે દિવસીય ખારવા સમાજની બેઠક શરૂ કરવામાં આવી છે. ગુજરાત ખારવા સમાજે ભાજપ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આ પ્રોજેકટ રદ નહી થાય તો ખારવા સમાજ ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરશે અને કોર્ટના દ્વાર પણ ખખડાવશે.
દરિયાઈ જીવસૃષ્ટિનાં અસ્તિત્વનો મોટો પ્રશ્ન:ગુજરાત ખારવા જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સરકાર હમેંશા સાગરખેડૂનાં હિતને અને એના સર્વાંગી વિકાસને લઈ ચિંતિત રહ્યા છે તથા તેના ઉકેલ માટે હમેંશા સતત પ્રયત્નો કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુલને ફેકટરીઓ દ્રારા ભાદર નદી તથા અમદાવાદની સાબરમતી નદીમાં કેમીકલ યુક્ત પાણી નાખવાનું બંધ કરવાનો આદેશ કર્યા હતો. પરંતુ સરકાર દ્રારા ઔદ્યોગિક કંપનીઓને આ કેમીકલ યુક્ત પાણીના યોગ્ય નિકાલ માટે રીયુઝના આદેશ આપવાના જગ્યાએ આ કેમીકલ વેસ્ટ રાજ્યનાં સમુદ્રમાં નાખવાની પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત આ કર્યા માટે “ડીપ સી ડિસ્પોઝલ પાઈપલાઈન પ્રોજેકટ'ની પણ પરવાનગી આપી છે. પરંતુ આ નિર્ણયના કારણે રાજ્યનાં માછીમાર પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિનાં અસ્તિત્વનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.