ફરી વિવાદમાં આવી MS યુનિવર્સિટી (ETV Bharat Reporter) વડોદરા :પ્રસિદ્ધ MS યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદોના વમળમાં છે. યુનિવર્સિટી દ્વારા 200 વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી ફરિયાદના વિરોધમાં વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા આજે યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પોલીસે યુનિવર્સિટી ગેટ બંધ કરી રહેલા એક કાર્યકરની અટકાયત કરી હતી, આ સાથે જ યુનિવર્સિટી બંધનું એલાન નિષ્ફળ રહ્યું છે.
શું હતો મામલો ?વડોદરાની પ્રખ્યાત MS યુનિવર્સિટીમાં 10 દિવસ પહેલા મેસના ભોજનને લઇને વિવાદ ઉભો થયો છે. મેસના સંચાલકોએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એક નિર્ણય લીધો હતો. આ નિર્ણયના પગલે આગામી 10 મહિનાની 24,000 રૂપિયા જેટલી મેસ ફી એક સાથે ભરવાની થશે. જેને લઈને આજે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલના 200 જેટલા વિદ્યાર્થીઓએ ચીફ વોર્ડન ઓફિસે પહોંચી અને વોર્ડન સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે ચીફ વોર્ડને યોગ્ય જવાબ ન આપતા વિદ્યાર્થીઓએ VC બંગલા તરફ ચાલતા કૂચ કરી અને રસ્તામાં રસ્તા રોકો આંદોલન કર્યું હતું.
200 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ :MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભોજનની ફીને લઇને 28 જૂનના રોજ 200 વિદ્યાર્થીઓએ VC બંગલામાં કરેલ વિરોધ પ્રદર્શનને લઇને સત્તાધીશોએ 200 વિદ્યાર્થીઓના ટોળા સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગની ફરિયાદ નોંધાવી હતી. જેમાં IPCની કલમ 143, 147, 447 અને 427 મુજબ ગુનો દાખલ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના દરવાજાનું 2 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિદ્યાર્થીઓ રુ. 1 જમા કરી આ નુકસાનને ભરપાઈ કરવાના છે.
મેં વિદ્યાર્થીઓના હિતમાં એક રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. તમારા લાખો રૂપિયા પગાર હોવા છતાં પણ વિદ્યાર્થીઓ તમને રુ. 2,000 ની સહાય પૂરી કરવામાં તત્પર રહ્યા છે. --મેહુલ પરમાર (વિદ્યાર્થી)
1-1 રૂપિયો ઉઘરાવ્યો :ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના (AGSU) વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરો આજે ફતેગંજની M.Com બિલ્ડીંગ ખાતે પહોંચ્યા હતા. જે 200 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે તેઓને સપોર્ટ કરવા માટે વિદ્યાર્થીઓને સમજાવ્યા અને આ વિદ્યાર્થીઓ પાસેથી એક-એક રૂપિયો ઉઘરાવ્યો હતો. સાથે જ જણાવ્યું કે, તમામ ફેકલ્ટીમાં જઈને કુલ 2 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવશે. આ રૂપિયા યુનિવર્સિટી સત્તાધિશોને આપવામાં આવશે અને 200 વિદ્યાર્થીઓ સામે નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચવા માંગણી કરવામાં આવશે.
સ્ટુડન્ટ યુનિયનની માંગ :ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થી નેતા જયેશ પ્રજાપતિએ જણાવ્યું કે, યુનિવર્સિટી દ્વારા 200 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે, એ તદ્દન ખોટું છે. આ વિદ્યાર્થીઓના એડમિશનથી યુનિવર્સિટીને કરોડો રૂપિયાની આવક થાય છે. હું VC ને પૂછવા માગું છું કે, શું 2 હજાર રૂપિયાનું નુકસાન 200 વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતા મોટું છે ?
આંદોલનની ચીમકી ઉચ્ચારી :આજે અમે તમામ 14 ફેકલ્ટીમાં જવાના છીએ અને એક-એક રૂપિયો ઉઘરાવી રહ્યા છીએ. આ 2 હજાર રૂપિયા આવતીકાલે VC ને આપીશું અને તેમને વિનંતી કરીશું કે, તમે 2 હજારના નુકસાન માટે 200 વિદ્યાર્થીઓના ભવિષ્યને ખાડે પાડી રહ્યા છો, તે ખોટું છે. તમે કેસ કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું છે, તે ફરિયાદ પાછી ખેંચવામાં આવે. અમારી માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
- વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, વાઇસ ચાન્સેલર ગુમ થયાના લાગ્યા પોસ્ટર
- MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, વિદ્યાર્થીઓના પ્રશ્નો અને પ્રોફેસર્સે પ્રમોશન મામલે વિરોધ