શિકારી ટોળકી ઝડપાઈ, દીપડાના અંગો કબજે કર્યા (ETV Bharat Desk) તાપી : તાપી જિલ્લામાં ફરી એકવાર શિકારી ગેંગ ઝડપાઈ છે. જંગલી હિંસક પ્રાણીઓનો શિકાર કરતી આ ગેંગના હાલ છ આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી વન્ય પ્રાણીઓના વિવિધ અંગો કબજે કરવામાં આવ્યા છે.
છ શિકારી ઝડપાયા :ઝડપાયેલા ઈસમોમાં શ્રવણ વસાવા, કિશન ગામીત, અજિત બિલ્કુલે, નિશિકાંત સેંડે, નંદરિયા કાઠુંડ અને દેવીદાસ કાઠુંડનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ડાંગ અને તાપી જિલ્લાના અલગ અલગ ગામના વતની છે. જેઓની અટક કરીને નામદાર કોર્ટમાં હાજર કરી આ રેકેટમાં વધુ કોઈની સંડોવણી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.
શિકારી ટોળકી :તાંત્રિક વિધિમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓના દાંત, નખ અને પંજાનો ઉપયોગ કરતા હોવાનું વન વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ વન વિભાગ દ્વારા અન્ય કોઈ કારણોસર દીપડા જેવા પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
દીપડાના શારીરિક અંગ :આ સમગ્ર મામલે તાપી જિલ્લા DFO પુનિત નૈયરે જણાવ્યું હતું કે, બાતમીના આધારે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં પહેલા ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા બે આરોપીને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી દીપડાના પગ, પૂંછ, નખ અને શિકારના હથિયાર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વન વિભાગનો સંદેશ :વન વિભાગના જણાવ્યા અનુસાર ખોટી ગેરમાન્યતાને લઈ કેટલાક ઈસમો આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે. જેનો સીધો ભોગ નિર્દોષ જીવ બનતા હોય છે. આવી ગેરમાન્યતાઓથી દૂર રહેવા માટે તાપી જિલ્લા વન વિભાગના અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે આવી કોઈપણ ખોટી ગતિવિધિ નજર આવે તો વન વિભાગની કચેરીએ જાણ કરવા જણાવ્યું હતું. હાલ વન વિભાગે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ કોઈની સંડોવણી છે કે નહીં જેવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
- Morbi Nilgai Hunting : મોરબીમાં નીલગાયનો શિકાર કરતા સાત શિકારી ઝડપાયા
- Dog Attack In Kodinar: શિકારી શ્વાન, ચાર માસની બાળકીને ફાડી ખાતા બાળકીનું મોત