અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (સોમવાર) અમદાવાદના સાણંદ પાસે આવેલા લેખંબા સ્થિત રામકૃષ્ણ મઠના એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યુ હતું.જેમાં પીએમ મોદીએ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને ભારત અને વિદેશના મિશનના આદરણીય સંતો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ દેવી શારદા, ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને વંદન કર્યા હતા અને શ્રીમત સ્વામી પ્રેમાનંદ મહારાજની જન્મજયંતિ નિમિત્તે આજના કાર્યક્રમમાં નમન કર્યા હતાં.
PM મોદીએ રામકૃષ્ણ મઠના સેવાકાર્યોની ભરપૂર પ્રશંસા
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં રામકૃષ્ણ મઠના સેવાકાર્યોની ભરપૂર પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે,આપણે વિકસિત ભારતના સંકલ્પ સાથે અમૃત કાળની નવી યાત્રા શરૂ કરી છે, આપણે તેને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની છે, પીએમ મોદીએ કહ્યું કે,આજે આપણે આપણા યુવાનોને રાષ્ટ્ર નિર્માણના તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ માટે તૈયાર કરવાના છે, આપણા યુવાનોએ રાજકારણમાં પણ દેશનું નેતૃત્વ કરવું જોઈએ તેમ વડાપ્રધાન મોદીએ આહ્વાન કર્યુ હતું.પીએમ મોદીએ ઉમેર્યુ હતું કે, અમારો સંકલ્પ એક લાખ પ્રતિભાશાળી અને મહેનતુ યુવાનોને રાજકારણમાં લાવવાનો છે જેઓ 21મી સદીની ભારતીય રાજનીતિનો નવો ચહેરો બનશે, દેશનું ભવિષ્ય બનશે.પીએમ મોદીએ એ પણ કહ્યું કે, આધ્યાત્મિકતા અને સતત વિકાસના બે મહત્વના વિચારોને યાદ રાખવા જરૂરી છે, આ બે વિચારો વચ્ચે સુમેળ સ્થાપિત કરીને આપણે વધુ સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ.
મને પણ સંતોનું સાનિધ્ય અને આધ્યાત્મિક વાતાવરણ ખુબ જ પસંદ છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "મહાન વ્યક્તિઓની ઉર્જા સદીઓથી વિશ્વમાં સકારાત્મક કાર્યોના નિર્માણ અને સર્જનમાં લાગેલી રહે છે",તેમણે ઉમેર્યું હતું કે, સ્વામી પ્રેમાનંદ મહારાજની જન્મજયંતિ પર, લેખંબામાં નવનિર્મિત પ્રાર્થના હોલ અને સાધુ નિવાસનું નિર્માણ ભારતની સંત પરંપરાને આગળ ધપાવશે.પીએમ મોદીએ કહ્યું કે, સેવા અને શિક્ષણની યાત્રા શરૂ થઈ રહી છે, જેનો લાભ આવનારી ઘણી પેઢીઓને થશે. તેમણે ઉમેર્યું હતું કે શ્રી રામકૃષ્ણ દેવ મંદિર, ગરીબ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, હોસ્પિટલ અને પ્રવાસી નિવાસ જેવા ઉમદા કાર્યો આધ્યાત્મિકતા ફેલાવવા અને માનવતાની સેવા માટેના માધ્યમ તરીકે કામ કરશે.પીએમ મોદીએ ઉમેર્યુ કે, તેમને સંતોનું સાનિધ્ય અને આધ્યાત્મિક વાતાવરણ ખુબ જ પસંદ છે.
સાણંદ આર્થિક વિકાસની સાથે આધ્યાત્મિક વિકાસનું પણ કેન્દ્ર બને
સાણંદ સાથે જોડાયેલી યાદોનું સંસ્મરણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, વર્ષોની ઉપેક્ષા બાદ આ વિસ્તાર હવે અત્યંત જરૂરી આર્થિક વિકાસનો સાક્ષી બની રહ્યો છે. તેમણે કહ્યું કે સંતોના આશીર્વાદ અને સરકારના પ્રયાસો અને નીતિઓના કારણે આ વિકાસ શક્ય બન્યો છે. સમયની સાથે સમાજની જરૂરિયાતોમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને મોદીએ ઈચ્છા વ્યક્ત કરી કે સાણંદ આર્થિક વિકાસની સાથે આધ્યાત્મિક વિકાસનું પણ કેન્દ્ર બને. તેમણે કહ્યું કે સંતુલિત જીવન માટે ધનની સાથે આધ્યાત્મિકતા પણ એટલી જ જરૂરી છે. મોદીએ આનંદ વ્યક્ત કર્યો કે સાણંદ અને ગુજરાત આપણા સંતો અને મુનિઓના માર્ગદર્શન હેઠળ આ દિશામાં આગળ વધી રહ્યા છે.
રામકૃષ્ણ મઠ એક એવું વૃક્ષ છે જેના બીજમાં સ્વામી વિવેકાનંદ જેવા મહાન તપસ્વીની અનંત શક્તિ રહેલી છે
વડાપ્રધાને મોદીએ કહ્યું કે,ફળ આપવા માટે વૃક્ષની ક્ષમતા તેના બીજ દ્વારા નક્કી કરવામાં આવે છે.પીએમ મોદીએ કહ્યું કે રામકૃષ્ણ મઠ એક એવું વૃક્ષ છે જેના બીજમાં સ્વામી વિવેકાનંદ જેવા મહાન તપસ્વીની અનંત શક્તિ રહેલી છે. તેમણે કહ્યું કે આ જ કારણે તે સતત વિસ્તરી રહ્યું છે અને માનવતા પર તેની અસર અનંત અને અમર્યાદિત છે. વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે રામકૃષ્ણ મઠના વિચારોને સમજવા માટે, વ્યક્તિએ સ્વામી વિવેકાનંદને સમજવા અને તેમના વિચારોને જીવવા પડશે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ આ વિચારોને જીવતા શીખ્યા ત્યારે તેમણે પોતાના માર્ગદર્શક પ્રકાશનો અનુભવ કર્યો. તેમણે વધુમાં કહ્યું કે, મઠના સંતો જાણતા હતા કે કેવી રીતે રામકૃષ્ણ મિશન અને તેના સંતોએ સ્વામી વિવેકાનંદના વિચારો સાથે મળીને તેમના જીવનને આકાર આપ્યો હતો.પીએમ મોદીએ જણાવ્યું હતું કે સંતોના આશીર્વાદથી, તેમણે મિશન સંબંધિત ઘણા કાર્યોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 2005માં પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના નેતૃત્વમાં વડોદરામાં દિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને સોંપવામાં આવ્યાની વાતને યાદ કરતાં મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદે પણ તેમનો સમય ત્યાં વિતાવ્યો હતો.
ગુજરાત લાંબા સમયથી રામકૃષ્ણ મિશનના સેવા કાર્યનું સાક્ષી
મિશનના કાર્યક્રમો અને આયોજનોનો ભાગ બનવાના વિશેષાધિકારને સ્વીકારતા પીએમ મોદીએ કહ્યું કે, આજે રામકૃષ્ણ મિશનની સમગ્ર વિશ્વમાં 280 થી વધુ શાખાઓ છે અને ભારતમાં રામકૃષ્ણ દર્શન સાથે સંકળાયેલા લગભગ 1200 આશ્રમો છે. તેમણે કહ્યું કે આ આશ્રમો માનવતાની સેવા કરવાના સંકલ્પના પાયા તરીકે સેવા આપી રહ્યા છે અને ગુજરાત લાંબા સમયથી રામકૃષ્ણ મિશનના સેવા કાર્યનું સાક્ષી રહ્યું છે. તેમણે એ ઘટનાઓને યાદ કરી જ્યારે રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા લોકોએ આગળ આવીને પીડિતોનો હાથ પકડ્યો, જેમ કે દાયકાઓ પહેલા સુરતના પૂર વખતે, મોરબીમાં ડેમ દુર્ઘટના બાદ, ભુજમાં ભૂકંપની તબાહી બાદી અને ગુજરાતમાં જ્યારે પણ આફત આવી ત્યારે.પીએમ મોદીએ ભૂકંપ દરમિયાન નાશ પામેલી 80 થી વધુ શાળાઓના પુનઃનિર્માણમાં રામકૃષ્ણ મિશન દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર યોગદાનને યાદ કર્યું અને કહ્યું કે ગુજરાતના લોકો આજે પણ તેમને યાદ કરે છે અને સેવામાંથી પ્રેરણા મેળવે છે.
- BAPSના 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'માં PM મોદીનું સંબોધન, કહ્યું 'જ્યારે યુક્રેન યુદ્ધ આગળ વધ્યુ ત્યારે આપે રાતો-રાત...'