જૂનાગઢ: પાછલા એક અઠવાડિયાથી જુનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેની વચ્ચે આજે વહેલી સવારથી જ શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. સતત ભારે વરસાદ બાદ આજે અચાનક વરસાદે તેનો પ્રવાહ બદલતા ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેને માણવા માટે લોકો જાહેર માર્ગો પર જોવા મળ્યા હતા. કેટલાક લોકો તો આ વરસાદની રાહ જોઈને બેઠા હતા. ધીમીધારે વરસાદમાં નાહવાની પણ એક અલગ જ મજા હોય છે, જેને માણવા માટે પણ કેટલાક લોકો આજે જાહેર માર્ગ પર વરસતા વરસાદમાં નાહવાની મોજ લેતા પણ જોવા મળ્યા હતા.
મોટાભાગના તાલુકામાં સરેરાશ વરસાદ પૂર્ણ: જુનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ચોમાસા દરમિયાન જે સરેરાશ વરસાદનો અંદાજ લગાવવામાં આવે છે. તે મુજબ 50 થી લઈને 55 ઇંચ સુધીનો વરસાદ સમગ્ર ચોમાસાની ઋતુ દરમિયાન નોંધાય છે. પરંતુ આ વર્ષે આજના દિવસે મોટા ભાગના તાલુકામાં સરેરાશ વરસાદ પૂર્ણ થવાને બિલકુલ નજીક આવી ચૂક્યો છે. ત્યારે આ વર્ષે સરેરાશ વરસાદમાં પાંચથી સાત ઇંચનો વધારો થઈને 60 થી 70 ઇંચ નોંધાય તેવી પણ શક્યતા આજના દિવસે વ્યક્ત થઈ રહી છે.