બનાસકાંઠા:જિલ્લાના ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી મારી જતા દારૂની રેલમછેલ રોડ પર જોવા મળી હતી. જોકે આ સમયે તકનો લાભ લઈને લોકોએ પણ જાણે દારૂની લૂંટ ચલાવી હોય તે પ્રકારનો વીડિયો સામે આવ્યા હતો.
હાઈવે પર દારુ ભરેલી કાર પલટી ગઈ: બનાસકાંઠા જીલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો જિલ્લો હોવાથી અવારનવાર બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેના પ્રયાસ કરવામાં આવતો હોય છે. જોકે, પોલીસ દ્વારા બુટલેગરોના કીમિયા નાકામ કરીને મોટી માત્રામાં દારૂ ઝડપી લેવામાં આવતો હોય છે. તો ક્યારેક પોલીસના ડરના કારણે ઓવર સ્પીડ અને ગફલત રીતે ડ્રાઇવિંગ કરીને દારૂ ભરેલી ગાડીઓ પલટી મારવાની પણ ઘટનાઓ અગાઉ સામે આવી ચુકી છે. ત્યારબાદ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના સુઈગામ-ભાભર નેશનલ રોડ ઉપર દારૂ ભરેલી કાર અચાનક જ પલટી મારી ગઈ હતી અને કારમાં ભરેલો દારૂ રોડ પર ઢોળાતાં રોડ ઉપર દારૂની રેલમછેલ જોવા મળી હતી.
બનાસકાંઠાના ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી મારી જતા લોકોએ દારુ લૂંટ્યો (etv bharat gujarat) દારુની લૂંટ ચલાવતો વિડિયો વાયરલ: ભાભર-સુઈગામ નેશનલ હાઈવે ઉપર રૂણી ગામ નજીક દારુના જથ્થાથી ભરેલી i20 કાર અચાનક જ પલટી મારી ગઈ હતી. જેથી રોડ પર દારુ અને બિયરના ટીન ઢોળાતા ત્યાંથી પસાર થતા લોકોને દારુની લૂંટ કરવાની તક મળી હોય તેમ ઢોળાયેલા દારુની લૂંટ ચલાવતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. જો કે, આ ઘટનાની જાણ પોલીસને થતા તે સ્થળ પહોંચી હતી. કારનો કબજો મેળવીને દારુ ભરેલી કાર કોની છે તે દિશામાં તપાસ આરંભી છે.
દારુ ભરેલી કાર પોલીસે કબ્જે કરી: પોલીસ દ્વારા અવારનવાર દારૂ પકડી પાડવામાં આવતો હોય છે અને પોલીસ પેટ્રોલિંગના કારણે બુટલેગરોને પોલીસના હાથે પકડાઈ જવાનો ડર હોવાના કારણે તેઓ ઓવર સ્પીડમાં પોતાનું વાહન હંકારતા હોય છે. જેના કારણે ઘણીવાર આ પ્રકારના અકસ્માત સર્જાતા હોય છે, પરંતુ તેમ છતાં તેઓ પોલીસના હાથે લાગી જતા હોય છે. આખરે તેમની સામે કાયદાનો દંડ ઉગામવામાં આવે છે. હવે આ ઘટનામાં પણ દારૂ લઈ નીકળેલી કાર પોલીસના હાથે લાગતા કારના ચાલક, માલિક સુધી પહોંચવાની પોલીસને જાણે સીધી કડી મળી ગઈ છે.
આ પણ વાંચો:
- બનાસકાંઠા વિભાજન: અડધા હનુમાનજીના ભરોસે તો, અડધા સરકારના ભરોસે
- 'વીજળી માટે વલોપાત', આઝાદીના 75 વર્ષ બાદ પણ ગુજરાતના આ ગામ અંધારામાં