બનાસ નદીમાં દંપતી ડૂબ્યું, બચાવવા ગયેલા વ્યક્તિએ જીવ ગુમાવ્યો (ETV Bharat Gujarat) પાટણ :સમી તાલુકાના ખરચરીયા (જયરામનગર) પાસે પસાર થતી બનાસ નદીમાં દુઃખદ બનાવ બન્યો છે. સોમવારના રોજ ગામના રહીશ કિરણભાઈ અને તેમના પત્ની બપોરના સમયે નદીમાં નાહવા ગયા હતા. જ્યાં પત્નીને ડૂબતો જોઈ પતિ બચાવવા જતા પતિ પણ નદીમાં ડૂબ્યો હતો. ત્યારે ત્યાં ઘેટા ચરાવતો વ્યક્તિ પતિ-પત્નીને બચાવવા ગયો હતો. જેમાં પતિને બચાવી લીધો હતો, પરંતુ પોતે જીવ ગુમાવ્યો હતો. સાથે જ મહિલાનું પણ ડૂબી જતાં મોત થયું હતું.
બનાસ નદીમાં દંપતી ડૂબ્યું :પાટણ જિલ્લાના સમી તાલુકાના ખરચરીયા (જયરામનગર) પાસે પસાર થતી બનાસ નદીમાં ખરચરીયા (જયરામનગર) ગામના રહેવાસી ઠાકોર કિરણભાઈ તેમજ ઠાકોર નૈનાબેન કિરણભાઈ નાહવા ગયા હતા. આ દરમિયાન ઠાકોર નૈનાબેનનો પગ લપસી જતા તેઓ ડૂબવા લાગ્યા હતા. તેમના પતિ કિરણભાઈ ઠાકોર પણ પત્નીને બચાવવા ગયા, પણ તેઓ નદીમાં ડૂબવા લાગ્યા હતા.
બચાવવા જતા જીવ ગયો :ત્યાં નજીકમાં ઘેટાં-બકરા ચરાવતા માંડવી ગામના રહેવાસી ઠાકોર તેજાજી જીવાજી તરત જ નૈનાબેનને બચાવવા પડ્યા હતા. જ્યાં કિરણભાઈ ઠાકોરને બચાવી લેવાયા હતા. પરંતુ નૈનાબેન તેમજ તેમને બચાવવા નદીમાં કૂદેલા તેજાજી ડૂબી જતા બંનેના મોત થયા હતા.
બચાવ કામગીરી : ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રવિણભાઈ તેમજ વહીવટદાર અને તાલુકા વહીવટી તંત્રને બનાવની જાણ થતા તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. 2 કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલા બે ઈસમોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને તરત સમી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.
- સોનાના દાગીના લૂટનારા આરોપી ઝડપાયા, પાટણ LCB ટીમે ઉકેલ્યો ભેદ
- પાટણના ખેતરો પર ફરી વળ્યા દૂષિત પાણી, ધારાસભ્યએ આપી હૈયાધારણ