ભાવનગર: આમ તો પોલીસ કોઈ ગુનેગારને પકડવા માટે છટકું ગોઠવી પ્લાનથી કામ કરતી હોય છે. પરંતુ એક તબીબ મહિલા ફેરીયાની જેમ ફરીને રહેણાંકી ઘરમાં સોનોગ્રાફી દ્વારા પરીક્ષણ કરવા જતા હોવાથી તેમને ઝડપવા થોડી મુશ્કેલ હતાં. ત્યારે આરોગ્ય વિભાગે માસ્ટર પ્લાન બનાવ્યો અને મહિલા તબીબી આબાદ ઝડપાઈ ગયા.
બાળકનું જાતિ પરીક્ષણ કરવું ગુન્હો છે, એ જાણવા છતાં શિક્ષિત અને જેને ભગવાન માનવામાં આવે તેવા તબીબો પૈસાની લાલચમાં જાતિ પરીક્ષણ કરે છે. શિક્ષિત ગુનેગારોને ઝડપવા પોલીસ માટે અઘરું બને છે. ત્યારે ભાવનગરની આરોગ્ય ટીમે CIDની જેમ કામગીરી કરી અને ફેરીયાની જેમ ફરીને સોનોગ્રાફી કરતા મહિલા તબીબ સુધી પહોંચવા પ્લાન ઘડ્યો હતો. આરોગ્ય વિભાગના કર્મચારીએ મળેલી બાતમીથી લઈને સફળ થયેલી આ રેડની કહાની શબ્દશઃ વર્ણવી છે.
આરોગ્યની ટીમે ગોઠવ્યું છટકું
શહેરમાં જતી પરીક્ષણની મળેલી બાતમીને પગલે આરોગ્ય અધિકારી ડો ચંદ્રમણી, ધારિણીબેન અને ગોંડલીયાભાઈ MPHS, પ્રતિકભાઈ ઓઝા અને દર્શનભાઈ રાજ્યગુરુ MPHW તેમજ વલભીપુર તાલુકા હેલ્થ ઓફિસર જીગર કાકડીયા અને સિહિરના માયુરભાઈ ક્લાર્કની બનેલી ટીમે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો.
રેડના પ્રારંભથી અંત સુધી વાસ્તવિકતા શબ્દોમાં વર્ણવતા MPHS પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે, બાતમીમાં ફરિયાદો અમને લગભગ મળેલી હતી. ઘણી વખત ચાર,પાંચ વખત ભૂતકાળમાં એટલે અમારી તેમના ઉપર વોચ તો હતી જ. સુધાબેન કરીને વિરાણી સર્કલ પાસે એક બેન છે એ આવી રીતે કરે છે, એવી બાતમી હતી એટલે અમે ટ્રેક ગોઠવી પણ સગર્ભાઓ મળતી ન હોય એટલે ડિકોય તરીકે તૈયાર ન થતી હોય એટલે થોડીક વાર લાગી હતી, એટલે અમને એક સગર્ભા મળી ગયા હતા. અમારા અધિકૃત તરીકે વલભીપુર THOને અધિકૃત કર્યા હતા THO જીગર કાકડીયાને કે, કદાચ આગળ કાંઈ પ્રોસેસ કરવાની થાય તો એના મારફત થાય.
ત્યારબાદ સગર્ભાને અમે, પહેલા અમારું મેઇન સેન્ટર બહુમાળી ભવન રાખ્યું હતું, ત્યાં એમને બોલાવ્યા, સમજાવ્યું કે તમારે કઈ કઈ રીતે કરવાનું છે, અને અમે તેમનામાં એક ડિવાઇસ ટ્રેકર ફીટ કર્યું હતું કે, જેથી અમને ખબર પડે કે કદાચ સગર્ભાને એકલા લઈ જાય તો એ ક્યાં જાય છે ? શું થાય છે એ અમને ખબર પડે.
પછી અમે સુધાબેનને ફોન કર્યો કે અમારે તપાસ કરાવવાની છે, તો કેટલા વાગે આવીએ, એટલે એમને અમને ટાઈમ આપ્યો હતો કે, અત્યારે બપોર થઈ ગઈ છે તો તમે સાડા ત્રણ વાગ્યે આવજો એટલે અમે એ પ્રમાણે તૈયારીમાં હતા. 3.20એ બેનને ફોન કર્યો તો બેને કીધું કે તમે ત્યાં વેઇટ કરો હું આવું છું, પછી એ બેન આવ્યા અને એમને કોઈ વર્ષાબા કે કોઈ એમના બેન કે એજન્ટ હશે એમની સાથે અમને રીક્ષામાં જવાનું કહ્યું. જે અમારા સરકારી ડિકોય હતા એની સાથેના રિલેટીવ્ઝ હતા એમના હસબન્ડ અને નણંદ, એમને ના પાડી કે ભાઈ તમારે નથી જવાનું. ખાલી સગર્ભાબેન એકલા જશે તમે એને 15000 રૂપિયા આપી દો, એટલે અમારા બેન એને લઈ જશે.
પછી એ બેનને રીક્ષામાં બેસાડીને પહેલા રામમંત્ર મંદિર લઈ ગયા. લખુભા હોલ થઈને, રામમંત્ર મંદિરથી બે બીજી સગર્ભા બહેનોને રીક્ષામાં બેસાડી પછી થોડી વાર રીક્ષાને વેઇટ કરીને ભરતનગર તરફ લઈ ગયા, રીંગરોડ થઈને લઈ ગયા. ત્યાં આગળ તેમને ફરી વખત ધર્મલોક ફલેટ આગળ ઉભી રાખી અને ત્યાંથી બીજા એક સગર્ભા બેઠા. કુલ ચાર સગર્ભા બહેનોને બેસાડી પ્લસ જે એજન્ટ કરીને વર્ષાબા સાથે આવ્યા હતા એ રીક્ષામાં બેઠેલા હતા.
અમે સતત વિરાણી સર્કલથી એમની પાછળ રીક્ષામાં હતા. એમને ગંધ ન આવે એ રીતે અમે આજુબાજુ થોડા આગળ-પાછળ રીતે રહેતા હતા. પણ છતાં વચ્ચે રામમંત્ર ઉભી રાખી એટલે શક પડ્યો એટલે અમે થોડોક ટ્રેક ચેન્જ કર્યો. અમે ધર્મલોક પાસે થોડેક દૂર ઉભા હતા નાયરા પમ્પ સુધી, ત્યાંથી રીક્ષા પછી તરસમિયા બાજુ ગઈ એટલે અમે એનો પીછો કરતા રીક્ષા તરસમિયા રોડ શિવસાગર સોસાયટીની અંદર, આ સગર્ભાબેનને લઈ જવા માટે રીક્ષા બહાર ગેટ નંબર એક પાસે ઊભી રાખી અને ત્યાં આગળ આ ચાર સગર્ભા બહેનોને એજન્ટ એ લોકો ઉતાર્યા અને પછી ક્યાં ગયા એ અમને ખ્યાલ નથી.
પછી અમે લગભગ અડધી કલાક જેવો વેઇટ કર્યો પણ અમારું ટ્રેકર જે સગર્ભા બહેનમાં ગોઠવેલું હતું એના આધારે એટલો અંદાજ હતો કે છે તો આજુબાજુ, રીક્ષાનો અમે ફોટો પાડી લીધો હતો. નંબરનો કે, ખબર હતી કે રીક્ષા આજ છે, પણ જો રીક્ષાને ટ્રેક કરીયે તો છટકું ફેલ જવાની બીક હતી અને રહેણાંકી વિસ્તાર હોય અને 50 થી 60 ઘર હોઈ કયા ઘરમાં ગયા છે એ ખબર ન પડે, એટલે અમે રાહ જોઈ પછી ધીરજ ખૂટતા અમે ગેટ નંબર ત્રણમાંથી ગેટ નંબર એક તરફ આવ્યા, અને જે ગલી બીજી ત્રીજી ગલી અમે ઉભા તા, ત્યારે બે સગર્ભા બહેનો નીકળ્યા જે અમારા અમે મોકલેલા સગર્ભા નહોતા એટલે અમને ખ્યાલ નહોતો કે આ સગર્ભા બહેનો છે કે કેમ.
પછી થોડીવાર રહીને બે-ચાર મિનિટ પછી બીજા બે આવ્યા, એ પૈકી અમારા જે અમે મોકલેલા ડિકોય સગર્ભા બેન હતા. એ સગર્ભા બહેન આવ્યાને અમે ઓળખી લીધા. એટલે અમે નક્કી કર્યું કે આમને રીક્ષા સુધી પહોંચવા દો પછી રીક્ષાને જ દબોચી લેશું અને બધાની ઇન્કવાયરી કરીશું. રીક્ષામાં બધા બેસી ગયા એટલે અમે રીક્ષાને જવા ન દીધી અને પૂછપરછ ચાલુ કરી. ઈ દરમ્યાન અમને એવું લાગ્યું કે આ બધી મહિલાઓ છે અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે એમ છે. એટલે અમે અમારા સાહેબને જે અમારી સાથે જ હતા આજુબાજુ બીજા વાહનોમાં એમને કહ્યું, એમને પછી એસપી સાહેબને ફોન કરીને ભરતનગર પોલીસ સ્ટેશન નજીકનું જે હતું ત્યાંથી બે લેડી કોન્સ્ટેબલને મોકલ્યા અને એમની મદદ થી અમે થોડી પ્રાથમિક પૂછપરછ કરી અને પછી અમારા જે સગર્ભા હતા એમને અમે કીધું કે તમે કયા ઘરે ગયા હતા ત્યાં અમને લઈ જાઓ.
એટલે જે ઘરે એમની સોનોગ્રાફી કરવામાં આવી હતી એ ઘરે અમને લઈ ગયા એ ઘરે પણ એક જ લેડીઝ હતા, જે મકાન માલિક હતા એટલે લેડી પોલીસ કોન્સ્ટેબલ જે આવ્યા હતા તે બહાર ખૂણે હતા એમને બોલાવ્યા. એમની મદદથી અમે ઘરની તલાસી લીધી અને ઉપરના માળેથી કાળી બેગમાંથી સોનોગ્રાફી મશીન પોર્ટેબલ અમને મળી આવ્યું, એટલે મકાન માલિક બેનને પૂછપરછ કરી પણ મકાન માલિક બેન થોડા આના કાની કરી અને અંતે પછી બધી ટીમને બોલાવી અમારા જે અધિકૃત કરેલા અધિકારી બધાને બોલાવી લીધા. આખું સફળતાપૂર્વક અંદાજે અઢી ત્રણ કલાક દરમ્યાન પૂછપરછ નિવેદનો લીધા જેના લીધે ક્રિષ્નાબેન ખામોટી અધેવાડામાં જે છે એ આવી અમારી સોનોગ્રાફી કરી ગયા એવું પ્રાથમિક રીતે પુરવાર થયું પણ બેન હાજર નહોતા.
અમને જે એક સગર્ભાબેન ત્યાંથી ભાગી ગયા હતા એટલે બીજા ત્રણ સગર્ભા બહેનો એક અમારા ડિકોય અને બીજા બે સગર્ભા બહેનો એમ કરીને ટોટલ ત્રણ સગર્ભા બહેનો એક એજન્ટ વર્ષાબા અને મકાન માલિક એના નિવેદનો અમે સ્થળ ઉપર લીધા. 15 હજાર રૂપિયામાં એ લોકોએ નક્કી કર્યું હતું તેમાંથી જે વર્ષાબા કરીને એજન્ટ હતા એમની પાસેથી પાલીતાણાવાળા એક સગર્ભાબેન આવ્યા હતા. એમના 15000 રૂપિયા મળી આવ્યા હતા, અને એ બેને ઓળખી પણ બતાવ્યા કે આ પૈસા મેં એમને આપ્યા હતા. આમ અમારા અમે જે સરકારી નાણા આપ્યા હતા 15000 રૂપિયા ડોક્ટર ક્રિષ્નાબેન સાથે લઈ ગયા છે એવું અમને એમને નિવેદનમાં વર્ષાબાએ લખી આપ્યું હતું.
પોર્ટેબલ સોનોગ્રાફી મશીન હતું એટલે એને ટ્રેક કરવું અઘરું છે કે, અમારા રેકર્ડ ઉપર નથી એટલે જે ડોક્ટર છે એ આયુર્વેદિક ડોક્ટર છે. એવું અમને જાણવા મળ્યું, એટલે આયુર્વેદિક ડોકટર આવી પ્રેક્ટિસ ન કરી શકે. ગાયનેકોલોજીસ્ટની ડીગ્રી જરૂરી છે. ટ્રેકર અમે બેનના સગર્ભા બેનના કપડામાં ફિટ કરેલું હતું એટલે અમને નીયર બાય રહે. હાલમાં સરકારી પૈસા મળી ગયા છે, એવું સત્તાવાર આરોગ્ય વિભાગે જાહેર કર્યું નથી. મહિલા તબીબ પણ ઝડપાયા નથી.પરંતુ આરોગ્ય વિભાગે મશીન મળવાથી કોર્ટમાં કાર્યવાહી કરવા તૈયારી શરૂ કરી દીધી છે.