ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણનો આખો પરિવાર USથી ડિપોર્ટ, મા-બાપે કહ્યું: હીરામાં મંદી આવતા 50 લાખ ખર્ચીને અમેરિકા ગયા હતા - GUJARATI DEPORTED FROM US

ગુજરાતના 30થી વધુ લોકોને અમેરિકાએ ડિપોર્ટ કરાયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં પાટણ જિલ્લાના પણ 5 લોકોનો સમાવેશ છે.

પાટણના પરિવારને યુ.એસથી ડિપોર્ટ કરાયો
પાટણના પરિવારને યુ.એસથી ડિપોર્ટ કરાયો (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2025, 5:17 PM IST

પાટણ:ટ્રમ્પ સરકાર દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર ઘુસેલા ભારતીયોને વિમાન મારફતે ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના 30થી વધુ લોકોને ડિપોર્ટ કરાયા હોવાની વિગતો સામે આવી છે જેમાં પાટણ જિલ્લાના પણ 5 લોકોનો સમાવેશ છે. અમેરિકાથી પરત મોકલવામાં આવેલ પાટણ તાલુકાના મણુદ ગામના એક જ પરિવારના 4 સભ્યો અને સિધ્ધપુર તાલુકાના ગણેશપુરાના 1 સભ્યનો સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે.

5 મહિના પહેલા અમેરિકા ગયા હતા
પાટણના મણુદ ગામના એક જ પરિવારના 4 સભ્યો અમેરિકાથી પરત ફરી રહ્યા છે. ત્યારે ડિપોર્ટ થઈ રહેલા કેતુલભાઈના માતા-પિતાએ અમેરિકા ગયેલા પુત્ર અને તેના પરિવાર અંગે જણાવ્યું હતું કે, તેઓના બે દીકરા રાકેશ અને કેતુલ સુરત ખાતે રહેતા હતા. પરંતુ હીરાના ઉદ્યોગમાં મંદી આવતાં તેમનો એક દીકરો કેતુલ આજથી 5 મહિના પહેલા પોતાની પત્ની અને બે બાળકો સાથે કોઈ એજન્ટ દ્વારા અમેરિકા ગયો હોવાનું જણાવ્યું હતું.

પાટણના પરિવારને યુ.એસથી ડિપોર્ટ કરાયો (ETV Bharat Gujarat)

હીરા ઉદ્યોગમાં મંદી આવતા ઘર વેચીને અમેરિકા ગયા હતા
વઘુમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી પોતાના બન્ને દિકરાઓ તેઓના પરિવાર સાથે સુરતમાં હીરા ઉદ્યોગમાં નોકરી કરતા હતા. ત્યારે હીરા ઉદ્યોગમાં મંદી આવતા કેતુલે પોતાનું સુરત ખાતેનું ઘર વેચીને પરિવાર સાથે એજન્ટ મારફતે અમેરિકા ગયો હતો. પરંતુ ગઈકાલે ટીવીના સમાચાર પરથી ખબર પડી કે અમેરિકાથી કેટલાક ભારતીયોને ત્યાંની સરકાર પરત ભારત મોકલી રહ્યા છે અને તે ભારતીયોમાં પોતાના દિકરા કેતુલ સહિત તેના પરિવારનો પણ સમાવેશ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેઓએ પોતાનો દીકરો તેના પરિવાર સાથે ભારત પરત હેમખેમ આવી રહ્યો હોય એ જ બાબતેને મહત્વની ગણાવી ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમાચારથી દીકરાનો પરિવાર પાછો આવતો હોવાની જાણ થઈ
કેતુલની માતાએ જણાવ્યું હતું કે, અમને ચિંતા થાય છે પણ ભગવાનને ગમ્યું એ ખરું. સાજા સારા તેઓ ઘરે આવે એ જ અમારે મહત્વનું. તેમણે ઉમેર્યું કે, ગામનું ખેતર વેચીને બે દીકરાને સુરતમાં ઘર લઈ આપ્યા હતા. ત્યારે કેતુલે તેનું ઘર ક્યારે અને કેટલામાં વેચ્યું એ પણ અમને ખબર નથી. પરંતુ તે છેલ્લા 5 થી 6 મહિનાથી અમેરિકા પરિવાર સાથે ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પહેલા સુરતમાં તે હીરા બજારમાં હતો. હીરા બજારમાં મંદી આવતા પરિવારના સભ્યો સાથે ભરણ પોષણ માટે અમેરિકા ગયો હોવાનું જાણવા મળેલું, પરંતુ ગઈ કાલે ટીવી પર સમાચાર જોતા ખબર પડી કે અમેરિકાની ટ્રેમ્પ સરકારે ગેરકાયદેસર રીતે અમેરિકામાં સ્થાઈ થયેલા ભારતીયોની હકાલપટ્ટી કરી છે અને એમાં અમારો દીકરો કેતુલ અને તેનો પરિવાર પણ હોવાનું જાણવા મળ્યું હતું.

50 લાખ રૂપિયા ખર્ચ્યા હતા
અંદાજિત 50 લાખ જેટલો ખર્ચ કરીને દલાલ મારફતે અમેરિકા ગયેલા અમારા દીકરાને ભારત સરકાર મદદ કરે તેવી આશા કેતુલની માતાએ વ્યકત કરી. દીકરો પાછો આવશે તો અહીંયા ઘરે સૌ સુખ-શાંતિથી ભેગા રહીશું તેમ તેઓએ જણાવ્યું હતું.

અમેરિકાથી પરત ફરી રહેલા મણુદ ગામના એક જ પરિવારના સભ્યોમાં કેતુલકુમાર બાબુલાલ પટેલ ઉ.વ.40, કિરણ બેન કેતુલકુમાર પટેલ ઉ. વ.38 તથા તેમના બે સંતાનો સમાવેશ થાય છે. જ્યારે સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના સતવંતસિંહ વજાજી રાજપુત ઉ. વ. 39 પણ અમેરિકાથી ભારત પરત આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:

  1. "હાશકારો" અમદાવાદ પહોંચ્યા USથી ડિપોર્ટેડ 33 ગુજરાતી, સરકારે કરી વતન લઈ જવા વ્યવસ્થા
  2. અમેરિકાથી ડિપોર્ટ થઈ વડોદરાની ખુશ્બુ પટેલ વતન પહોંચી, માતા-પિતાની "ખુશી" પરત ફરી

ABOUT THE AUTHOR

...view details