ગુજરાત

gujarat

પાલનપુરનું ઐતિહાસિક માનસરોવર તળાવ ગંદકીમાં ગરકાવ, જુઓ આ વિશેષ અહેવાલમાં - Mansarovar Lake

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 8:36 PM IST

Updated : Jul 29, 2024, 9:07 PM IST

પાલનપુરમાં બનાવેલું ઐતિહાસિક નવાબી સાશનકાળનું માનસરોવર તળાવ આજે ગંદકીમાં ખદબદી રહ્યું છે. સરકારે તો કરોડો રૂપિયા આપ્યા પરંતુ આ રૂપિયા માત્ર કાગળ ઉપર જ વપરાયા હોવાનું આ તળાવની દશા જોતા નક્કી કરી શકાય છે. કેવી છે આ તળાવની હાલત અને કેમ નથી બદલાઈ આ તળાવની સ્થિતિ જોવો અમારા આ વિશેષ અહેવાલમાં..Mansarovar Lake

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

પાલનપુર: માનસરોવર તળાવ પાલનપુરમાં આવેલુ છે. આ તળાવનું બાંધકામ પાલનપુરના જાલોરી શાસક મલિક મુજાહિદખાને ઇસ 1628માં કરાવ્યું હતું અને તેમની રાણી માનબાઇ જાડેજાને સમર્પિત કર્યું હતું. રાણી માનબાઈના નામથી જ આ તળાવનુ નામ માનસરોવર રાખવામાં આવ્યું હતું. પાલનપુર સ્ટેટ એટલે કે નવાબી શાસનકાળ દરમિયાન આ તળાવ સુંદર અને સુશોભિત હતું. તે સમયે લીલી વનરાજી વચ્ચે અહલાદક લાગતું આ તળાવ જોવા સૌ કોઈ દૂર દૂરથી આવતા હતા અને તળાવ જોઈ આનંદિત થતા હતા. તે સમયે આ તળાવ પાલનપુર સ્ટેટની આનબાન અને શાન ગણાતું હતું અને તંત્રએ પણ આ તળાવને જોવા લાયક સ્થળોમાં સામેલ કર્યું છે. જોકે તંત્રએ જોવા લાયક સ્થળોમાં માનસરોવર તળાવનું નામ તો લખ્યું પરંતુ તળાવની ગંદકી આજેય દૂર થઈ નથી.

આ તળાવમાં ઊગી આવેલી જળકુંભી વેલને દૂર કરવા માટે પાલનપુરના એક જાગૃત નાગરિકે થોડા મહિના સ્વયંભૂ અભિયાન ઉપાડી આ જળકુંભી દૂર કરી તળાવને સ્વચ્છ બનાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ પાલિકા દ્વારા કોઈ જ નક્કર કામ તળાવના સુધારા માટે કરાયા નથી. રવિ સોનીએ કહ્યું કે, નવાબી કાળનું આ તળાવ આજે તંત્રની આળસ અને પાલિકા દ્વારા તળાવને સ્વચ્છ રાખવામાં કોઈ જ રસ ના લેતા આ દશા તળાવની થઈ છે. આ તળાવ અને તેના આસપાસ ગંદકીના કારણે હરીપુરા વિસ્તાર સહિત આસપાસના લોકો રોગના ભરડામાં છપડાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

ઐતિહાસિક આ માનસરોવર તળાવમાં એક સમયે ધોબી સમાજના લોકો કપડા ધોઇ રોજીરોટી મેળવતા હતા. પરંતુ આજે આ તળાવમાં નજીકમાં આવેલી હોસ્પિટલનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જેના કારણે આખા તળાવનું પાણી ગંદુ થયું છે. જેથી હરીપુરા વિસ્તાર તેમજ આસપાસના લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. મહત્વનું એ છે કે, આ તળાવની સામે જ હરીપુરા પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ભણતા બાળકો પણ આ તળાવની ગંદકીથી રોગમાં સંપડાય તેવી ભિતિ છે. શાળાના બાળકો અને અહીના લોકોએ કહ્યું કે, તળાવની નિયમિત સાફ-સફાઈ થાય અને આ ગંદકી દૂર થાય તો અમે નીરોગી જીવન જીવી શકીએ છીએ.

જોકે બીજી તરફ પાલનપુર નગરપાલિકા દ્વારા આ તળાવનું બ્યુટીફિકેશન શરૂ કરાયું હોવાનું પાલિકા પ્રમુખ જણાવી રહ્યા છે. માથે ચોમાસુ છે અને તળાવની ગંદકી હજુ દૂર થઈ નથી. દર ચોમાસામાં વધુ વરસાદ આવે તો આ તળાવના ગંદા પાણી હરીપુરા વિસ્તારના લોકોના ઘરોમાં પણ ઘુસી જાય છે. ત્યારે ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોંમાસમાં વધુ ખરાબ સ્થિતિ થાય તેને નકારી શકાય તેમ નથી. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે, ઐતિહાસિક તળાવની આ દશા આજદિન સુધી કેમ આવી સ્થિતિમાં બની રહી છે, વર્ષોથી સરકાર તરફથી આવેલી લાખો કરોડોની ગ્રાન્ટો વપરાઈ છતાં તળાવની દશા કેમ ના બદલાઈ આ સળગતા સવાલોના જવાબ આજેય તંત્ર જોડે નથી.

  1. રાજ્યમાં ચોમાસું જામ્યું, ગુજરાતમાં આ સીઝનનો 55.93 ટકા વરસાદ પડ્યો - Gujarat Monsoon
  2. ગોડાદરા વિસ્તારમાં ખાડામાં ડુબી જવાથી યુવકનુ મોત, પોલીસે બિલ્ડર પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો - Surat News
Last Updated : Jul 29, 2024, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details