મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની કારમી હાર બાદ હવે EVM મશીનો પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થઈ રહ્યા છે. મહાવિકાસ આઘાડીના નેતાઓએ મહાયુતિની જીત માટે EVMને જવાબદાર ગણાવ્યા છે. સાંસદ સંજય રાઉતે અનેક મતવિસ્તારોમાં ઈવીએમમાં ખરાબીનું કારણ આપીને ફરીથી ચૂંટણીની માંગ કરી છે. બીજી તરફ દહિસર વિધાનસભા મતવિસ્તારના MNS ઉમેદવાર રાજેશ યેરુનકરે EVM પર શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે, તેમને તેમના ઘરેથી પણ વોટ મળ્યા નથી.
રાજેશ યેરુનકરે આરોપ લગાવ્યો કે, વિધાનસભા ચૂંટણીમાં ઘણી જગ્યાએ પડેલા વોટ અને EVM મેચ નથી થતા. રાજ્યના કુલ 288 મતવિસ્તારોમાંથી 95 મતવિસ્તારોમાં, 20 નવેમ્બરે ચૂંટણીના દિવસે EVMમાં થયેલા મતદાન અને 23 નવેમ્બરના રોજ સમાન EVMમાં થયેલા વાસ્તવિક મતદાનમાં મોટો તફાવત હતો. રાજ્યના કુલ 76 મતવિસ્તારોમાં EVMમાં ઓછા વોટ જોવા મળ્યા હતા. જ્યારે 19 મતવિસ્તારમાં વધુ મતો મળ્યા હતા અને 193 મતવિસ્તારમાં મતદાન અને મતગણતરી દરમિયાન EVMમાં મળેલા મતોમાં કોઈ ફરક પડ્યો ન હતો. તમને જણાવી દઈએ કે દહિસર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપની મનીષા ચૌધરીએ જીત મેળવી છે.
જ્યારે MNS ઉમેદવાર રાજેશ યેરુનકરને 5456 વોટ મળ્યા હતા. યેરુનકરે જણાવ્યું હતું કે, તે જ્યાં રહે છે તે બૂથ પર માત્ર બે મત મળ્યા હતા. આ વિશે વાત કરતાં દહિસર વિધાનસભા ક્ષેત્રના MNS ઉમેદવાર રાજેશ યેરુનકરે ત્રણ પ્રશ્નો ઉઠાવ્યા છે. પ્રથમ, EVM મશીનમાં ત્રણ સીલ હોય છે. બીજું, જ્યારે મશીનનું ચાર્જિંગ ચેક કરવામાં આવ્યું ત્યારે કેટલાક મશીન 99 ટકા, કેટલાક 70 ટકા અને કેટલાક 60 ટકા જ ચાર્જ હતાં. જ્યારે મશીન આટલા લાંબા સમયથી ચાલતું હોય ત્યારે 99 ટકા ચાર્જિંગ કેવી રીતે રહી શકે? આ પણ એક પ્રશ્ન છે.
ત્રીજો પ્રશ્ન ઉઠાવતા રાજેશ યેરુનકરે કહ્યું, 'હું અહીંનો સ્થાનિક રહેવાસી છું, અને મારા ઘરમાં ચાર મત છે - હું, મારી પત્ની, મારી પુત્રી અને મારી માતા... આ સ્થિતિમાં મને માત્ર બે જ મત મળ્યા.' તેમણે પ્રશ્ન કર્યો કે, એવું કેવી રીતે બની શકે કે તેમની માતા કે પત્ની કે પુત્રીએ તેમને મત ન આપ્યો હોય? EVM પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, તેમની પાર્ટીના કાર્યકરોના વોટ ક્યાં ગયા?
61 ટકા લોકોને EVM પસંદ છે
હાલમાં ભારતમાં કોઈપણ ચૂંટણી બાદ વિપક્ષી પાર્ટીઓ EVM મશીનો પર શંકા વ્યક્ત કરી રહી છે. આ કારણોસર, YouGov-Mint-CPR મિલેનિયલ સર્વે જુલાઈ 2024 માં હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કોંગ્રેસ અને ભાજપના સમર્થકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા ન હોય તેવા લોકોનો અભિપ્રાય પણ માંગવામાં આવ્યો હતો. આ સર્વેમાં 61 ટકા લોકોએ કહ્યું કે, મતદાન માટે EVMનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આમાં કોઈ છેડછાડ કરી શકાય નહીં. જ્યારે 39 ટકા લોકોએ બેલેટ પેપરને પ્રાધાન્ય આપ્યું છે અને EVMની જગ્યાએ બેલેટ પેપર સિસ્ટમ દાખલ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: