ઉત્તર પ્રદેશ : હાથરસ કેસમાં બળાત્કારના આરોપમાંથી નિર્દોષ છુટેલા રવિ, લવકુશ અને રામ કુમાર ઉર્ફે રામુના વકીલ મુન્ના સિંહ પુંધીરે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને 1.5 કરોડ રૂપિયાની લીગલ નોટિસ મોકલી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ હાથરસથી પરત ફર્યા બાદ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલે દાવો કર્યો હતો કે પીડિતાના પરિવારને આપેલા વચનમાંથી એકપણ વાયદો પૂરો થયો નથી.
પીડિતાના પરિવારજનોને મળ્યા રાહુલ ગાંધી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં હાથરસ રેપ કેસની પીડિતાના પરિવારજનોને મળ્યા હતા. તેમણે આ મીટિંગનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં કરવામાં આવેલા દાવાના આધારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને માનહાનિની નોટિસ આપવામાં આવી છે.
રાહુલ ગાંધીના દાવા પર માનહાનિની નોટિસ : આ વીડિયોમાં રાહુલ ગાંધીએ હાથરસની ઘટનામાં નિર્દોષ છૂટેલા ત્રણ નિર્દોષ લોકોને ગેંગ રેપના આરોપી ગણાવ્યા હતા. આના વિરોધમાં નિર્દોષ લોકોના વકીલે રાહુલ ગાંધીને 1.5 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે. એડવોકેટ મુન્ના સિંહ પંઢીરે નોટિસમાં જણાવ્યું હતું કે, બૂલગઢી ઘટનાની તપાસ CBI દ્વારા કરવામાં આવી હતી. આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
એડવોકેટ દ્વારા રાહુલ ગાંધી પર આક્ષેપ : વકીલ મુન્ના સિંહ પંઢીરે કહ્યું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજનીતિ ખાતર દેશની ન્યાયીક વ્યવસ્થાનું અપમાન કરી રહ્યા છે. તેઓ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, હાથરસમાં બળાત્કાર પીડિતાના પરિવારને ઘરમાં બંધ રાખવો અને ગેંગરેપના આરોપીઓ મુક્તપણે ફરતા રહે તે બાબા સાહેબના બંધારણની વિરુદ્ધ છે. તેમનું આ નિવેદન X દ્વારા દેશભરમાં વાયરલ થઈ રહ્યું છે.
1.5 કરોડની બદનક્ષીની નોટિસ : એડવોકેટ મુન્ના સિંહ પંઢીરે કહ્યું કે, કોર્ટના નિર્ણય બાદ પણ રાહુલ ગાંધીના નિવેદન દ્વારા કોંગ્રેસે તેમના મુવક્કિલોના ચરિત્ર પર આંગળી ચીંધી છે, જે ગુનો છે. નોટિસ મળ્યાના પંદર દિવસની અંદર તેમના ત્રણ મુવક્કિલોને 50-50 લાખ રૂપિયાનું વળતર આપો. અન્યથા રાહુલ ગાંધી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શું હતો હાથરસ રેપ કેસ ? સપ્ટેમ્બર 2020 માં હાથરસમાં એક દલિત છોકરી પર નિર્દયતાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. પોલીસે પરિવારની સંમતિ વિના મધરાતે તેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કર્યો હતો. એક જ વિસ્તારના ચાર યુવકો પર નિર્દયતાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.