બનાસકાંઠા :પાલનપુર તાલુકાના સાસમ ગામના તળાવમાં ન્હાવા પડેલો એક યુવક ડૂબી ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા છેલ્લા 20 કલાકથી વધુ સમયથી યુવકના મૃતદેહને શોધવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તળાવમાં ડૂબ્યો યુવાન :આ અંગે મળતી માહિતી અનુસાર પાલનપુર તાલુકાના સાસમ ગામના તળાવમાં કમલેશજી જોરમલજી ઠાકોર નામનો યુવક ન્હાવા પડ્યો હતો. યુવક ડૂબી ગયો હોવાની માહિતી મળતા જ ગામ લોકોના ટોળેટોળા તળાવના કાંઠે જોવા મળ્યા હતા. ગામ લોકોએ ફાયર ફાઈટર વિભાગને જાણ કરતા પાલનપુર ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ડૂબેલા યુવકના મૃતદેહને શોધવા માટેના તમામ પ્રયાસો હાથ ધરી દીધા છે.
20 કલાકથી લાપતા યુવક :બસુ ગામના બે તરવૈયા અને ફાયર વિભાગની ટીમ દ્વારા સાંજ સુધી યુવકના મૃતદેહની શોધખોળ તળાવમાં હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ રહી હતી. 20 કલાકથી વધુ સમય વિત્યો છતાં યુવકનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. આજે ડૂબેલા યુવકના મૃતદેહને બહાર કાઢવા NDRF ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવનાર છે. જોકે હજુ સુધી યુવકના મૃતદેહને બહાર નીકાળી શકાયો નથી.
NDRF ટીમ આવી પહોંચી :સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નજરે જોનારા લોકોનું કહેવું છે કે, યુવક ચપ્પલ અને કપડા તળાવના કિનારે ઉતારી નાહવા પડ્યો હતો. જે બાદ તે તળાવમાંથી બહાર નીકળી શક્યો નથી. બીજી તરફ યુવક ડૂબી ગયાના સમાચાર સાંભળી પરિજનો પણ શોકમાં ગરકાવ થયા છે. ત્યારે આજે બીજા દિવસે NDRF ટીમ તળાવમાં શોધખોળ શરૂ કરશે.
- ચોમાસામાં તરસ્યા રહી ગયા બનાસકાંઠાના 3 તાલુકા, જાણો ખેડૂતોની આપવીતિ
- ખેતરમાં મળ્યા બે મૃતદેહ : નળાસર ગામના આદિવાસી સમાજે મૃતદેહ ન સ્વીકાર્યો