પંચમહાલઃ ગોધરા શહેરના અત્યંત ચકચારી એવા નીટ પરીક્ષા કૌભાંડથી આખું ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. રાજ્યની શિક્ષણ પ્રણાલીઓ પર પણ સવાલ ઉઠ્યા છે. આ કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા 3 આરોપીઓની એક બાદ એક ધરપકડ કરવામાં આવી છે. 3 પૈકી રાજસ્થાનથી ઝડપાયેલા 2 આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા આરોપીઓની સઘન તપાસ માટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે.
2 આરોપી રાજસ્થાનથી ઝડપાયાઃ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલી પરવડીની જય જલારામ સ્કૂલના નીટ પરીક્ષાના કેન્દ્ર પર ચોરી થાય તે અગાઉ જ ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. પરીક્ષા કેન્દ્રના નાયબ પરીક્ષા કેન્દ્રના સંચાલક પાસેથી 7 લાખ રોકડ મળી આવી હતી. પોલીસની તપાસ દરમ્યાન 3 આરોપીઓના નામ ખુલ્યા હતા. એક બાદ એક ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. વડોદરાના પરશુરામ રોય નામના આરોપીની અટકાયત કરીને 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં પોલીસને ફરાર તુષાર ભટ્ટ અને આરીફ વોરા નામક 2 આરોપીઓ રાજસ્થાન હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પોલીસને રાજસ્થાનથી આ બંને આરોપીઓની અટકાયતમાં સફળતા મળી છે.