નવસારી :નવસારીમાં હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગતરાતથી નવસારીના વાંસદા અને ખેરગામ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. ખેરગામમાં 11 ઇંચ અને વાંસદામાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં રાત્રે 12 થી સવારે છ વાગ્યા સુધીના 6 કલાકમાં જ ખેરગામ તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
નવસારીની નદીઓ બે કાંઠે વહેતી થઈ (ETV Bharat Gujarat) નવસારીમાં મેઘ મલ્હાર :નવસારી સહિત ઉપરવાસના જિલ્લા ડાંગ, સુરતના મહુવા અને તાપીના વાલોડમાં પણ ભારે વરસાદથી નવસારીની લોકમાતા પૂર્ણાનું જળસ્તર વધ્યું છે. હાલ પૂર્ણા 17 ફૂટે વહી રહી છે. જેથી એક મહિના બાદ ફરી નવસારીમાં પૂરની સ્થિતિ બને એવી શક્યતા વધી છે. નદીની જળસપાટીમાં વધારો થતાં તંત્ર પણ સતર્ક બન્યું છે. નવસારીમાં બે દિવસથી વરસાદી માહોલ બનતા છેલ્લા થોડા દિવસોથી વધેલી ગરમીથી નવસારીજનોને રાહત મળી છે.
ખેરગામમાં સૌથી વધુ વરસાદ :છેલ્લા ચોવીસ કલાકમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન નવસારીમાં 2.20 ઈંચ, જલાલપોરમાં 1.33 ઈંચ, ગણદેવીમાં 2.08 ઈંચ, ચીખલીમાં 3.12 ઈંચ, ખેરગામમાં 11.02 ઈંચ અને વાંસદામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
નદીઓ બે કાંઠે વહેતી થઈ :બીજી તરફ નવસારી જિલ્લાની નદીઓમાં પણ ભારે વરસાદના કારણે નવા નીર આવ્યા છે. જેમાં સવારે 6 વાગ્યા સુધીમાં નદીઓની જળ સપાટી મુજબ પૂર્ણા નદી 16.75 ફૂટ (ભયજનક 23 ફૂટ), અંબિકા નદી 10.98 ફૂટ (ભયજનક 28 ફૂટ) અને કાવેરી નદી 8.50 ફૂટ (ભયજનક 19 ફૂટ) પર વહી રહી છે.
- લાંબા વિરામ બાદ નવસારી જિલ્લામાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ
- છલોછલ ભરેલો જૂજ ડેમનો આકાશી નજારો, ખેડૂતોમાં આનંદનો માહોલ