જૂનાગઢ: ભારતમાં સૌથી વધારે પીવાતું પીણુ એટલે 'ચા'. આજે આધુનિક સમયમાં ચા અવનવા પ્રકારે બની રહી છે, પરંતુ પ્રભાસ પાટણનો મોઠીયા પરિવાર આજે પણ પારંપરિક રીતે ઈરાની ચા બનાવી રહ્યો છે. માત્ર પાંચ રૂપિયામાં એક પ્યાલી ચા'ની શરૂઆત આજથી 90 વર્ષ પૂર્વે થઈ હતી. પ્રભાસ પાટણમાં સૈન્યના જવાનોએ આ પ્રકારની ચા'ની માંગ કરી અને ત્યારથી શરૂ થઈ પ્રભાસ પાટણમાં ઈરાની ચા પીવાની એક પરંપરા. જે આજે 90 વર્ષ પછી પણ અકબંધ જોવા મળે છે.
છેલ્લા 90 વર્ષથી પાટણમાં બને છે ઈરાની ચા: પ્રભાસ પાટણનો મોઠીયા પરિવાર છેલ્લા 90 વર્ષથી પરંપરાગત રીતે ઈરાની ચા બનાવી રહ્યો છે. આજથી 90 વર્ષ પૂર્વે જ્યારે પ્રભાસ પાટણમાં સૈન્યનો એક થાણું હતું, તેના સૈનિકો દ્વારા આ પ્રકારે ઈરાની ચા'ની માંગ કરવામાં આવી હતી. ત્યાર પછી પ્રભાસ પાટણમાં ઈરાની ચા બનાવવાની એક પરંપરા શરૂ થઈ. વર્ષો પૂર્વે પ્રભાસ પાટણમાં ઈરાની ચા ના 20 કરતાં વધારે સ્ટોલ જોવા મળતા હતા. જે આજે ધીમે ધીમે ઘટીને પાંચથી સાત જોવા મળે છે.
ઈરાની ચા ને પ્રભાસ પાટણમાં સુલતાની અને રોગી ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચા રસીકોની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવે છે. સવારના 5:00 થી રાત્રિના 11:00 વાગ્યા દરમિયાન અંદાજિત 1000 થી 1200 જેટલી ચા ની પ્યાલીનું વેચાણ થાય છે. એક ચા ની પ્યાલીની કિંમત આજે મોંઘવારીના સમયમાં પણ માત્ર પાંચ રૂપિયા જાળવી રાખવામાં આવી છે. જેના કારણે ઈરાની ચા આજે પણ લોકોની પહેલી પસંદ બની રહી છે.
અનોખી રીતે બને છે ઈરાની ચા: ઈરાની ચા કોઈપણ સામાન્ય ચા ની માફક બનતી નથી. તે બનાવવા માટે પહેલા લાકડામાં ચા ની પત્તી, ખાંડ અને પાણીને સતત ઉકાળવામાં આવે છે. ત્યારબાદ ઉકળેલા ચાના પાણીને કોલસાની સગડી પર ત્રાંબાના વાસણમાં સતત રાખવામાં આવે છે. ત્યારબાદ અન્ય એક તાંબાના વાસણમાં દૂધને અલગ રીતે ગરમ કરવામાં આવે છે. સતત આ જ પ્રકારે સગડી પર દૂધ અને ચા, ખાંડ મિશ્રિત પાણી અલગ અલગ રીતે ઉકળતું જોવા મળે છે.
કોઈ પણ ગ્રાહકની પસંદ અનુસાર ચા બનાવી આપવામાં આવે છે. સામાન્ય રીતે ચામાં દૂધ, ખાંડ અને પાણીને એક સાથે ઉકાળવામાં આવતા હોય છે, પરંતુ ઈરાની ચા દૂધ અને ચાનું ઉકળેલું પાણી બંને અલગ રાખવામાં આવે છે. બંનેને સગડી પરથી ગરમાગરમ એક પ્યાલીમાં દૂધ અને ચાનું પાણી સપ્રમાણ મિશ્રણ કરીને ઈરાની ચા બનાવવામાં આવે છે. આજે ચામાં અનેક પ્રકારે મસાલા અને આદુનો ઉપયોગ પણ થતો હોય છે, પરંતુ ઈરાની ચા આજે પણ તેના 90 વર્ષ પૂર્વેના સ્વાદ અનુસાર બની રહી છે.
આ પણ વાંચો: