કચ્છ: કચ્છ પોતાની વિભિન્ન કળા કામગીરી માટે પ્રખ્યાત છે. કચ્છની હસ્તકળાઓ અવારનવાર વૈશ્વિક સ્તરે પણ ચમકી છે. કચ્છની હસ્તકળાની બનાવટોની માંગ દેશ-વિદેશમાં રહેતી હોય છે. કચ્છના કારીગરોને વિવિધ ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. તેમજ કચ્છની કળાને પણ GI એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળ્યું છે. આજે આપણે વાત કરીશું કચ્છી શાલ વિશે કે જેને પણ વર્ષ 2011માં GI ટેગ મળી ચૂક્યું છે. તો હાલમાં શિયાળામાં પણ આ કચ્છી શાલની માંગ વધારે રહેતી હોય છે.
ભાતિગળ કચ્છી ડિઝાઇનોથી શાલોનું ઉત્પાદન: કચ્છી શાલે કચ્છ વિસ્તારમાં વણવામાં આવતી પરંપરાગત શાલ છે. આ શાલ મોટાભાગે કચ્છી ભાતમાં જોવા મળે છે અને તે ભુજ તાલુકાના ભુજોડી ગામમાં બનાવવામાં આવે છે. કચ્છી શાલ વણતા વણકરો મોટાભાગે મારવાડી અને મહેશ્વરી સમુદાયના હોય છે. છેલ્લા લગભગ 500 વર્ષથી કચ્છમાં વણકર અને મારવાડા કોમના પરિવારો સુતર અને ઉન પર વણાટ કરીને રંગબેરંગી શાલનું વંશ-પરંપરાગત રીતે ઉત્પાદન કરે છે. કચ્છના લગભગ 200થી પણ વધુ ગામોના 1200થી પણ વધારે વણકર પોતાના ઘરે બેસીને વિવિધ ડિઝાઈનની ઊન, સુતર અને સીલ્કથી ભાતિગળ કચ્છી ડિઝાઇનોથી શાલોનું ઉત્પાદન કરે છે.
કચ્છ વિવર્સ એસોશિએશનના પ્રયત્નોથી GI ટેગ: કચ્છની વિશ્વ વિખ્યાત રંગબેરંગી કચ્છી શાલને ભારત સરકાર દ્વારા વર્ષ 2011માં જી.આઇ.ટેગની ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રની પહેલને પગલે અને વણાટકામનાં કારીગરોનાં સંગઠન એટલે કે કચ્છ વિવર્સ એસોશિએશનના પ્રયત્નોથી કચ્છી શાલને જીઓગ્રાફીક ઇન્ડીકેટર ટેગ મળ્યું હતું. જેથી કચ્છના વિશ્વ પ્રસિધ્ધ વણાટકામને વૈશ્વિક સ્તરે પણ ખ્યાતિ મળી છે.
શિયાળા અને રણોત્સવના 4 માસ દરમિયાન કચ્છી શાલની માંગ વધારે: કચ્છના સફેદ રણમાં યોજાતો રણોત્સવના 4 મહિનાના સમયગાળા દરમિયાન કચ્છમાં દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ આવે છે. આ પ્રવાસીઓ કચ્છના કારીગરો દ્વારા નિર્મિત વિવિધ હસ્તકળાઓ અને હાથશાળની વસ્તુ ખરીદે છે. તો જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ માંગ વધતી ગઈ. પરંતુ અમુક નફાકારક તત્વો દ્વારા દેશના અન્ય ભાગોમાં ઉત્પાદિત થતી નિમ્ન પ્રકારની અને નકલી શાલો કે જે મશીનથી બનતી હોય છે. તે કચ્છની હોવાનું કહી વેચાણ કરતા હોય છે. આ પ્રવૃત્તિથી પ્રવાસીઓ પણ છેતરાયેલા અનુભવે છે અને કચ્છની કળા બદનામ થાય છે. તો સાથે જ જે સાચા કારીગરો છે કે જેઓ હાથવણાટથી શાલ બનાવે છે તેમના વેચાણ પર અસર થાય છે અને પૂરતા ભાવ પણ મળતા નથી હોતા. જેથી કરીને આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમજ કચ્છના કારીગરો દ્વારા ઉત્પાદન થતી મુળ વસ્તુને યોગ્ય બજાર અને ગ્રાહક મળી રહે તે માટે જી.આઇ. ટેગ અત્યંત મહત્વનું છે.
યુએસ અને યુરોપ જેવા દેશોમાં નિકાસ: શાલ પરંપરાગત કચ્છી મોટિફ સાથે વણવામાં આવે છે અને કચ્છના ભુજ તાલુકાના ગામ ભુજોડીમાં મોટાભાગે હાથશાળ પર પ્રક્રિયા કરવામાં આવે છે. કચ્છી શાલ જે સ્થાનિક બજારોમાં તો વેચાય જ છે સાથે સાથે યુએસ અને યુરોપ જેવા દેશોમાં પણ તેની નિકાસ કરવામાં આવે છે. તો ભારતમાં મુંબઈ, દિલ્હી, બેંગલોર બાજુ પણ કચ્છી શાલની માંગ વધારે રહેતી હોય છે.
કચ્છી શાલ વણાટનું કામ વર્ષ 1970થી શરુ કરવામાં આવ્યું હતું: કચ્છમાં શાલ બનાવતા વણકરો, મૂળ પશ્ચિમ રાજસ્થાનના છે, તેઓ કહે છે કે આ પ્રદેશમાં 500 વર્ષ જૂનો ઈતિહાસ તેની સાથે જોડાયેલો છે. તેઓને મેઘવાલ વણકર (વણકર) કહેવામાં આવે છે. પેઢી દર પેઢી આ પરંપરાગત હાથવણાટનું કામ તેઓ કરતા આવતા છે. કચ્છી શાલ વણાટનું કામ વર્ષ 1970થી શરુ કરવામાં આવ્યું હતું. આગાઉ હાથવણાટના ધાબડા બનાવવામાં આવતા હતા અને તેમાંથી શાલની ઉત્પત્તિ થઈ હતી.
ઘેટાં અને બકરાંના હાથથી કાંતેલા યાર્નનો ઉપયોગ કરાતો: રાજસ્થાનમાંથી મેઘવાલ સમુદાય કચ્છમાં સ્થળાંતર થયો, અને તેઓ તેમની સાથે હાથશાળ વણાટની કળા લાવ્યા હતા. પરંપરાગત રીતે વણકરો પશુપાલકોના વિચરતા સમુદાય રબારીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલ ઘેટાં અને બકરાંના હાથથી કાંતેલા યાર્નનો ઉપયોગ કરતા હતા. પહેલાં ઘેટાંના ઊનમાંથી જ તાકો રેંટિયો પર કાંતવામાં આવતો હતો અને તે દોરામાંથી શાલ બનાવવામાં આવતી હતી. આજે તૈયાર ઊનના દોરામાંથી શાલ બનાવવામાં આવે છે.
1 તાણામાંથી 22 થી 24 શાલ બને: શાલ બનાવવા માટે ઊનમાંથી તાણો બનાવવામાં આવે છે. જેમાંથી 24 જેટલી શાલ બને છે. કોઈક તાણામાંથી 23 કે 22 શાલ બને છે. તાણું બનાવીને ઘઉંના કાંજીમાંથી ખુલ્લી જગ્યામાં તેને પાથરવામાં આવે અને તેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લૂમ ઉપર વિવિધ 1300 તાર હોય તેને કાપીને સાંધા વણવા પડે. તો 2600 જેટલા તાકા એક શાલ બનાવવા પાછળ લાગતાં હોય છે.
450 થી 1 લાખ રૂપિયા સુધીની શાલ: કચ્છી શાલ આજે કચ્છમાં આવતા પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણ છે. તો આ શાલની કિંમત તેની ગુણવતા અને ડિઝાઇન પર આધારિત છે. જેની શરૂઆત 450 રૂપિયાથી થાય છે અને 1 લાખ રૂપિયા સુધીની શાલ લોકો વેચે છે. તો ખાસ કરીને શાલ બનાવવા પાછળ લાગતાં સમયની વાત કરવામાં આવે તો 1 શાલ બનાવતા ઓછામાં ઓછો 1 દિવસ લાગે છે. તેમજ તેમાં કરવામાં આવતી વિવિધ ડિઝાઇન પર પણ સમય આધાર રાખતું હોય છે. જેમાં કોઈ વધુ પ્રકારની ડિઝાઇન વાળી શાલ બનાવતા 3થી 4 દિવસ તો ક્યારેક 1 શાલ બનાવવામાં 1 મહિનાનો પણ સમય લાગી જતો હોય છે.
વિવિધ ટ્રેડ ફેર અને એક્ઝિબિશનમાં પણ વેચાણ: હાલમાં આધુનિક સમયમાં હાથવણાટની શાલ બનાવતા કારીગરો ઓનલાઇન પણ વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી પોતાની શાલનું વેચાણ કરે છે અને ખાસ કરીને 1500થી 2500 સુધીની રેન્જની શાલોનું વેચાણ વધુ થતું હોય છે. કારીગરો પોતે જ હાથવણાટની શાલો બનાવે છે અને પોતે જ ઓનલાઇન માર્કેટિંગ કરીને વેચાણ કરે છે. હાથવણાટની શાલ બનાવતા કારીગરો વિવિધ સ્થળોએ એક્ઝિબિશનમાં પણ ભાગ લેતા હોય છે.અહીંના કારીગરોને વિદેશમાં પણ સરકાર દ્વારા વિવિધ ટ્રેડ ફેર અને એક્ઝિબિશનમાં પણ લઈ જવામાં આવતું હોય છે.
વિવિધ કારીગરોને 32 જેટલા નેશનલ એવોર્ડ: ભૂજોડી ગામની અંદર કચ્છી શાલની સારી એવી માર્કેટ ઊભી થઈ છે. ગામની અંદર જ 200થી 250 જેટલા હાથવણાટના કારીગરો છે. હાથવણાટની બનેલી શાલની માંગ બહુ સારી રહેતી હોય છે કારણ કે જેને ખબર છે કે હાથવણાટ એટલે શું અને તેને બનવવામાં કેટલી મહેનત લાગે છે અને સમય લાગે છે તેઓ તેની કિંમત પણ સમજે છે. હાથવણાટના કામ માટે ભૂજોડી ગામના વિવિધ કારીગરોને 32 જેટલા નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. અગાઉ હાથવણાટની શાલ ખરીદવા ઈચ્છતા લોકોને કારીગરોના ઘરે આવવું પડતું હતું, જ્યારે આજે ઓનલાઇન આ શાલ મળી જતા લોકો ઓનલાઇન ખરીદી કરતા હોય છે.
શાલની વિશેષતા એ છે કે ઠંડીમાં તે રક્ષણ આપે છે: વણકર કારીગરોના પૂર્વજો છે તે અલગ અલગ સમાજના લોકોના પહેરવેશ બનાવવા માટે કામ કરતા હતા જેમાં ધાબળાનું વણાટ કામ કરવામાં આવતું હતું. જેમાંથી કચ્છી શાલ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ શાલની વિશેષતા એ છે કે ઠંડીમાં તે રક્ષણ આપે છે. આ શાલ કચ્છના વણકરોની આગવી ઓળખ તો છે જ સાથે સાથે આ શાલમાં કચ્છી ડિઝાઇન કરવામાં આવે છે.
VIP અને ડેલિગેટ્સનું સન્માન પણ કચ્છી શાલથી: ઉલ્લેખનીય છે કે, દેશ વિદેશથી ભારત, ગુજરાત કે કચ્છ આવતા ડેલિગેટ્સનું સન્માન પણ કચ્છી શાલથી કરવામાં આવતું હોય છે. જે શાલ સરકાર દ્વારા વિવિધ માધ્યમો મારફતે કચ્છના કારીગરો પાસેથી પણ ખરીદવામાં આવતી હોય છે અને કચ્છના કારીગરોને રોજગારી પણ મળે છે અને કચ્છની શાલ ઉપરથી વણકરોની નામ દેશ અને વિદેશમાં રોશન થાય પણ થાય છે.
GI ટેગ પ્રાપ્ત છતાં બજારમાં નકલી શાલનું સસ્તું વેચાણ: હાલમાં એવો સમય આવી ગયો છે કે જુદા જુદા વિસ્તારમાંથી આવતા વણકરો અને પાવરલૂમ કંપનીઓ છે તેમણે કચ્છની શાલની ડિઝાઇન છે તે કોપી કરવાનું શરૂ કર્યું છે અને હાથવણાટના કારીગરો જે મહેનત અને સમયના ભોગના આધારે શાલની કિંમત લે છે તેના કરતાં પણ અડધી કિંમતે ડુપ્લીકેટ શાલનું પ્રોડક્શન અને વેચાણ થઈ રહ્યું છે. જેથી કચ્છી શાલને મળેલ GI ટેગ નો ઉપયોગ વણકરો કરશે તો કચ્છની હાથની બનેલી શાલ પર આ ટેગ લગાવી વેચાણ કરશે તો અન્ય જગ્યાએ થતી કોપી અટકાવી શકાશે.
આ પણ વાંચો: