નવસારીઃ ચીખલી તાલુકાના ખુંદ ગામે દીપડીનો અદભૂત માતૃપ્રેમ સીસીટીવીમાં કેદ થયો છે. રાની પશુમાં કેટલો પારિવારીક પ્રેમ છે તેનું આ વીડિયો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પોતાના વિખૂટા પડેલા નાનકડા બચ્ચાને ફરીથી મેળવીને દીપડીની છાતી મમતાથી ભરાઈ આવી. દીપડીએ ફરીથી મળેલા બચ્ચા પર ખૂબ જ વ્હાલ વરસાવ્યું હતું. જો કે દીપડી અને તેના 2 માસના બાળ દીપડાના પુનઃમિલનમાં વન વિભાગે સિંહ ફાળો ભજવ્યો હતો.
સમગ્ર ઘટનાક્રમઃ ચીખલી તાલુકાના ખુંદ ગામે ધીરુ પટેલનું શેરડીનું ખેતર આવેલ છે. આ ખેડૂતને ખેતરમાંથી એકલવાયું 2 માસનું દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું. ખેડૂતે સૌ પ્રથમ દીપડીના બચ્ચાને સુરક્ષિત જગ્યા પર રાખ્યું હતું. ત્યારબાદ વન વિભાગને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધીરુ પટેલના ખેતરે દોડી આવ્યા હતા. અધિકારીઓએ ખેતરથી મળી આવેલ બાળ દીપડાનું નિરીક્ષણ કર્યુ હતું. બચ્ચું સ્વસ્થ જણાતા તેની માતા દીપડી સાથે આ બચ્ચાનું પુનઃ મિલન કરાવવાનું નક્કી કરાયું. જે ખેતરમાંથી બચ્ચું મળી આવ્યું હતું તે ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. બચ્ચું મળ્યું હતું તે જ સ્થાને તેને મુકી દેવામાં આવ્યું. અંધારુ થતાં જ દીપડી પોતાના બાળકને શોધતી શોધતી આવી પહોંચી. આખરે બચ્ચુ સુરક્ષિત મળી આવતા દીપડીને રાહત થઈ હતી. દીપડીએ બચ્ચા પર વ્હાલ, મમતા, લાગણી વરસાવી અને તેને મોઢામાં ઉચકીને પોતાની સાથે લઈ ગઈ હતી. આ ઘટનાથી ખેડૂત, સ્થાનિકો અને વન વિભાગે રાહતનો દમ લીધો હતો.