નડિયાદના આગેવાનો, નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે ખેડાઃ નડિયાદને મહા નગર પાલિકાના દરજ્જા માટેની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. સરકારે આ માંગણીને સકારાત્મક પ્રતિસાદ આપી નડિયાદ નગર પાલિકાને મહા નગર પાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને નડિયાદ નગર પાલિકાના પ્રમુખ, આગેવાનો અને નાગરિકોએ વધાવી લીધો છે.
લાંબા સમયથી થઈ રહી હતી માંગણીઃ નડિયાદને મહા નગર પાલિકાનો દરજ્જો મળે તેવી માંગ સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય સહિત આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આજે બુધવારના રોજ વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ તેમના વક્તવ્યમાં લોખંડી પુરુષ સ્વ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવી નડિયાદ નગર પાલિકાને અપગ્રેડ કરીને મહા નગર પાલિકાનો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરી હતી.
વિસ્તારમાં વધારો થશેઃ નડિયાદ નગર પાલિકાને મહા નગર પાલિકાનો દરજ્જો મળતા વિકાસને વેગ મળશે. વિસ્તારમાં નરસંડા, મંજીપુરા, ઉત્તરસંડા, વડતાલ જેવા આસપાસના ગામોનો સમાવેશ થતાં નાગરિકોને મળતી સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ગ્રાન્ટમાં વધારો થતા વિકાસકાર્યો ઝડપથી પૂરા થશે.
ધારાસભ્ય પંકજ દેસાઈએ આભાર માન્યોઃ નડિયાદને મહા નગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત બદલ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈનો ધારાસભ્ય પંકજ દેસાઈએ આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નડિયાદ એ સાક્ષર ભૂમિ છે જ્યાં અનેક સાક્ષરો અને સાહિત્યકારોએ જન્મ લીધો છે. નડિયાદ એ આઝાદી સમયે ક્રાંતિ અને આંદોલનોની ભૂમિ રહી છે. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતને નડિયાદના તમામ નાગરિકોએ વધાવી લેવામાં આવી છે.
કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુ સિંહ ચૌહાણની પ્રતિક્રિયાઃ સાંસદ દેવુંસિંહ ચૌહાણે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે નડિયાદને મહા નગર પાલિકાનો દરજ્જો આપવાની રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં થયેલી જાહેરાતને ઉમળકાભેર આવકારી છે. તેમણે જણાવ્યુ હતું કે, અગાઉ ઘણા વર્ષોથી નડિયાદના સ્થાનિક આગેવાનો સાથે આ વિસ્તારના સાંસદ તરીકે નડિયાદ કે જે ખેડા જિલ્લાનું મુખ્ય મથક અને સરદાર પટેલની જન્મભૂમિ તરીકે ઓળખાય છે તે નગરને મહા નગર પાલિકાનો દરજ્જો મળે તેવી સહુની લાગણી અને માગણી અંગે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેને આજે રાજ્ય સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે. જે આવકારદાયક છે.
હવે વિકાસકાર્યોને વેગ મળશેઃ નડિયાદ નગર પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહે જણાવ્યુ હતું કે, નડિયાદને મહા નગર પાલિકા જાહેર કરી છે એ બદલ હું સરકારનો આભાર માનું છુ. આજે વિધાનસભા ગૃહમાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ નડિયાદ નગર પાલિકાને અપગ્રેડ કરીને મહા નગર પાલિકાનો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરી છે. એ બદલ આભાર વ્યક્ત કરૂ છુ. બધાની આશા હતી તે હવે પૂર્ણ થઈ છે. હવે વિકાસના કામોમાં વધારો થશે.
- Porbandar Mu. Corpo.: આનંદો!!! પોરબંદર છાયા નગર પાલિકા હવે બનશે મહા નગર પાલિકા