અમદાવાદ:ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર એવા રમજાન માસની મુસ્લિમ બિરાદરો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમઝાન માસ પૂર્ણ થતાં અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકત્રિત થઈ સામુહિક નમાજ અદા કરી, ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ) ની ધામધૂમથી ઉજવણી કરી હતી.
રમજાન માસની શરૂઆત સાથે સમગ્ર મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોઝા, નમાજ અને ઈબાદત કરતાં હોય છે. સમગ્ર મહિનો ઈબાદત કર્યા બાદ ગતરોજ એટલે કે બુધવારે ચાંદ દેખાતા રમજાન માસ પૂર્ણ કરી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં પણ ધામધૂમથી ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસ નિમિત્તે વહેલી સવારે મસ્જીદમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલાં મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાજ અદા કરી હતી. જે બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારક બાદ પાઠવી ઈદ મનાવી હતી.