સુરત :હાલમાં રજૂ કરાયેલા સુરત મહાનગરપાલિકા ડ્રાફ્ટ બજેટ પર લોકસભા ચૂંટણીની અસર સાફ જોવા મળે છે. વર્ષ 2024-25 માટે સુરત મનપાના ડ્રાફ્ટ બજેટમાં રેવન્યુ ખર્ચ માટે 4,121 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સુરતના ઇતિહાસમાં પ્રથમવાર 8,718 કરોડનું ડ્રાફ્ટ બજેટ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા રજૂ કરાયું છે. સુરતીઓ માટે સૌથી મોટી વાત છે કે આ વર્ષે બજેટમાં કરના દરમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી.
SMC ડ્રાફ્ટ બજેટ : સ્વચ્છતા શહેરોમાં નંબર વન મેળવનાર સુરત શહેરના વિકાસ માટે વર્ષ 2024-25 માટેનું ડ્રાફ્ટ બજેટ સાયન્સ સેન્ટર ખાતે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા રજૂ કરાયું હતું. જેમાં ચાલુ વર્ષમાં રૂપિયા 4,121 કરોડ શહેરના વિકાસ કામ માટે ખર્ચ કરવા માટેની જાહેરાત કરાઈ છે. મહાનગરપાલિકામાં પહેલીવાર રુ. 8,718 કરોડથી પણ વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. લોકસભા ચૂંટણીની અસર સ્પષ્ટપણે આ બજેટમાં જોવા મળે છે. સરકારી ભવનો, બ્રિજ અને પ્રાથમિક સુવિધા સાથે ફેસ રિવરફ્રન્ટ આ બજેટમાં રાખવામાં આવ્યું છે.
સુરતવાસીઓ માટે ખુશખબર :સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારના કરના દરમાં વધારો કરાયો નથી. આ બજેટ સંપૂર્ણ રીતે વિકાસલક્ષી છે. રેવન્યુ ખર્ચ રુ. 4,597 કરોડ નોંધાયો છે. અલગ અલગ બ્રિજ નિર્માણ માટે રુ. 165 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે પહેલીવાર આવક પાંચ હજાર કરોડને પાર કરશે. સોલિડ વેસ્ટ પાછળ 50.61 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. સુરતના લોકોને 50 વર્ષ સુધી પાણીની કોઈ સમસ્યા ન થાય આ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. બગીચાને વિકસિત કરવા માટે રુ. 10.61 કરોડની જોગવાઈ કરી છે.
વિકાસલક્ષી બજેટ :શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ કોલેજ માટે 125.63 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. આખા વર્ષમાં એક મિલિયન ટ્રી ટ્રાન્સપ્લાન્ટનો લક્ષ્યાંક મનપા દ્વારા રાખવામાં આવ્યો છે. આજની ઘટનાઓને ધ્યાનમાં રાખી ફાયરમેન ઈમરજન્સી સેવાઓ માટે રુ. 61.95 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને ધ્યાનમાં રાખી આજદિન સુધી 56,400 ઢોરોને RFID ચિપ લગાડવામાં આવી છે. આવાસ યોજના માટે રુ. 112.49 કરોડની ફાળવણી કરાઈ છે. બીજી બાજુ તાપી શુદ્ધિકરણના તમામ કામો પોતાના આરે છે. શહેરમાં મિલકતો ઉપર 307 વધારાનો વેરો વસૂલ કરવાનો નક્કી કર્યો હતો. જોકે રુ. 6 કરોડ જેટલો ઘટાડીને રુ. 301 કરોડનો વેરો વધારવામાં આવ્યો છે.
- Union Budget 2024 : સુરતના જ્વેલરી અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલ જનતાની કેન્દ્ર સરકારથી શું આશા ?, બજેટ પૂર્વ મોકલી ભલામણ
- Ahmedabad News: ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ટી 20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ, મુખ્ય પ્રધાને ક્રિકેટની મજા માણી