પાટણ :બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહ સાથે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન પાટણના પ્રગતિ મેદાન ખાતે યોજાયું હતું. જેમાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ઠાકોર સમાજની જનમેદની ઉમટી હતી.
સાંસદ ગેનીબેનનો સન્માન સમારોહ :સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને સંગઠિત કરી કોંગ્રેસે 2027 લોકસભા ચૂંટણીની તૈયારી કરી લીધી હોય તે પ્રકારનો માહોલ ઉભો થવા પામ્યો હતો. તેમજ ગેનીબેનના સન્માન સમારોહ કાર્યક્રમમાં કોંગી નેતાઓ દ્વારા મુખ્યત્વે OBC અનામત તેમજ વસ્તી આધારે ગણતરી કરી અનામતમાં વધારો કરી બજેટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ દાહોદમાં બાળકી સાથે બનેલ ઘટના બાબતે ભાજપ પર પ્રહાર કર્યા હતા...
મહિલા સુરક્ષા અને લવ મેરેજ :દીકરીઓની સુરક્ષા, મૈત્રી કરાર અને લવ મેરેજનો મુદ્દો ઉઠાવતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે, લવ મેરેજમાં માતા-પિતાની સંમતિ હોવી જોઈએ. સાથે જ મૈત્રી કરાર કાયદો રદ કરવો જોઈએ તેવી માંગ છે, કારણે કે આના કારણે પરિવારોમાં વેર વિગ્રહ થઈ રહ્યો છે. દાહોદની ઘટનાને લઈ ભાજપ પર આકરા પ્રહાર કરતા ગેનીબેને કહ્યું કે, શાળામાં દીકરીઓની સુરક્ષા બાબતે સરકાર દ્વારા નિવૃત જજ, મનોચિકિત્સક, વકીલ, મહિલા પોલીસ સાથે એક ટીમ રચવામાં આવે. જેમને શાળાઓમાં તપાસ અર્થે મોકલે, જેથી આવી ઘટનાઓ પર અંકુશ લગાવી શકાય.
ગેનીબેનનું 11 લાખનું મામેરું :આ સન્માન સમારોહમાં ચંદનજી ઠાકોર અને ભરત ઠાકોર દ્વારા ગેનીબેનનું 11 લાખનું મામેરું ભરવામાં આવ્યું હતું. જે સ્વીકાર્યા બાદ ગેનીબેને આ 11 લાખની રકમ તેમજ સાંસદની ગ્રાન્ટમાંથી 5 લાખ એમ કુલ 16 લાખ રૂપિયા પાટણમાં બની રહેલ ક્ષત્રિય ઠાકોર સમાજની મહિલા હોસ્ટેલ માટે દાન આપ્યા હતા. આમ કોંગ્રેસે આગામી ચૂંટણીની તૈયારી પાટણથી શરૂ કરી હતી. ગેનીબેને ગૌ માતા વિરુદ્ધના આંદોલન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો તેમજ પશુની શ્રેણીમાંથી હટાવવા પોતાનું સમર્થન યથાવત રહેશે.
- અનામતમાં અસમાનતા મુદ્દે ગેનીબેન ઠાકોરનો PM મોદીને પત્ર
- 'કોંગ્રેસ જેને પણ ટિકિટ આપશે મતદારો તેને જીતાડશે'- ગેનીબેન