મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક રહેણાંક મકાનમાં આજે કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની આ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યો દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ ઘટનામાં ઘરમાં રહેતાં પિતાપુત્રી અને અન્ય એક મહિલાને દાઝવાથી ઇજાઓ થઇ છે.
બ્લાસ્ટમાં ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત : બનાવની મળતી માહિતી મુજબ દલવાડી સર્કલ પાસે આવેલ ઉમા રેસીડેન્સી 2ના એક રહેણાંક મકાનમાં બ્લાસ્ટની ઘટના બની હતી. આ બ્લાસ્ટને પગલે ઘરમાં હાજર ક્રિષા કાનજી ગરચર (ઉ.વ.3) કાનજીભાઈ મગનભાઈ ગરચર (ઉ.વ.28) અને વૈશાલીબેન દેવાયતભાઈ ગરચર (ઉ.વ.24) એમ ત્રણ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો ઘરમાં બંને ભાઈનો પરિવાર એમ છ વ્યક્તિઓ રહે છે. જેમાં બે બાળકો છે.
બનાવની તપાસ હાથ ધરાઇ :જોકે બ્લાસ્ટ કયા કારણોસર થયો તે હાલ સ્પષ્ટ થયું નથી. બનાવને પગલે મોરબી પોલીસ ટીમ દોડી ગઈ છે અને બનાવની વધુ તપાસ ચલાવી રહી છે . તો મોરબી નગરપાલિકાની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ છે.
ભેદી ધડાકાથી લોકોમાં ભય :બીજી તરફ બ્લાસ્ટના બનાવ અંગે આજુબાજુમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ભેદી ધડાકો થતા જ લોકો ઘર બહાર દોડી આવ્યા હતાં . બ્લાસ્ટના પગલે આજુબાજુના અનેક મકાનમાં બારીબારણા અને છતના ભાગે નુકશાન થયું હતું. સાથે જ કાનાભાઈના ઘરનો ઝૂલો પણ દૂર ફંગોળાઈ ગયો હોવાનું જણાવ્યું હતું. રહેણાંકમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે કોઈ વિગત બહાર આવી નથી.
- મોરબીના બગથળા નજીક ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટ થતા બે યુવાનોના મોત, એકને ઈજા
- Blast Incident : તાપીમાં નવનિર્મિત કંપનીમાં મશીનરી લગાવતાં સમયે બ્લાસ્ટ થતાં ત્રણના મોત