નવસારી :અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં ક્રિમિલેયર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દેશભરના વિવિધ આદિવાસી અને દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યું છે. જોકે નવસારી જિલ્લામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
ક્યા મુદ્દે બંધનું એલાન ?સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવા માટે આદેશ આપ્યો હતો. કેટલાક SC-ST સમુદાયો આ ચુકાદાથી નારાજ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21 ઓગસ્ટ એટલે કે આજે ભારત બંધની જાહેરાત કરી છે.
શહેરમાં બજારો ખુલી, ચીખલી અને ખેરગામમાં બંધને સમર્થન (ETV Bharat Gujarat) ભારત બંધનું એલાન :સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને SC-ST અનામતમાં ક્રિમિલેયર દાખલ કરવાની મંજૂરી આપી છે. અગાઉ કોર્ટે કહ્યું હતું કે, જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ. આ નિર્ણય બાદ અનામત વિશે ચર્ચાએ જોર પકડ્યું હતું. દેશના વિવિધ આદિવાસી અને દલિત સંગઠનોએ આ નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી છે અને આજે ભારત બંધનું એલાન આપ્યું છે.
બંધને નવસારીમાં મિશ્ર પ્રતિસાદ :નવસારી જિલ્લામાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. નવસારી શહેરમાં બંધની કોઈ અસર જોવા મળી નથી. શહેરના બજારોમાં દુકાનો રાબેતા મુજબ ખોલવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ વિરોધ કરવામાં આવ્યો ન હતો.
આ તાલુકામાં બંધને સમર્થન :નવસારી જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાઓમાં બંધને પ્રતિસાદ મળ્યો છે. જેમાં ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં બંધની અસર જોવા મળી છે. ખેર ગામની મુખ્ય બજાર અને વાંસદા ટાઉનમાં ભારત બંધને પ્રતિસાદ મળ્યો છે. નવસારીમાં આદિવાસી સમાજ જિલ્લા કલેકટરને આવેદન આપી પોતાનો વિરોધ નોંધાવશે.
ભારત બંધના એલાનને પગલે નવસારી જિલ્લા પોલીસ પણ સતર્ક બની સતત પેટ્રોલિંગ કરી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થિતિ પર ચાંપતી નજર તમામ રાખવામાં આવી રહી છે.
- અમદાવાદમાં "ભારત બંધ"ના પડઘા પડ્યા, દલિત સમાજના લોકોએ રોડ પર ઉતર્યા
- નવસારીમાં IMA ડોક્ટર્સની હડતાળ : ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણ જોડાયા