ફરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ માંગરોળઃ તાલુકાની એક માત્ર તરસાડી નગર પાલિકાના લોકોની સુખાકારી અને મનોરંજન માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના તત્કાલીન આદિજાતિ અને વિકાસ તેમજ વન પર્યાવરણ પ્રધાન ગણપતસિંહ વસાવાના પ્રયાસો થી તળાવ મંજુર કરવામાં આવ્યું હતું. આશરે 5 વર્ષના સમય ગાળા બાદ વર્ષ 2022માં આ તળાવ તરસાડી નગરના પ્રજાજનોને લોકાર્પિત કરવામાં આવ્યું હતું. માત્ર 2 વર્ષ ના સમય ગાળા માજ તરસાડી નગરનું 24 કરોડના ખર્ચે તૈયાર થયેલ તળાવની હાલત બિસ્માર થઈ ગઈ છે.
તળાવ પરિસર જંગલમાં ફેરવાયું બિસ્માર હાલતઃ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારથી તળાવમાં પાણી ભરાયું નથી. તળાવ પરિસર જંગલમાં ફેરવાઈ ગયું છે. હવે તળાવ પરિસરમાં માત્ર વોક વેની સુવિધા નાગરિકોને મળી રહી છે. પ્રવાસન વિભાગ દ્વારા તળાવના બ્યુટીફીકેશન માટે કરોડો રૂપિયા ખર્ચી તળાવની પાળ પર 200 થી વધુ બાકડા મુકવામાં આવ્યા હતા. જે પૈકીના મોટા ભાગના બાકડા તૂટી ને નવરા થઈ ગયા છે. હાઈમોસ પોલ અને લાઈટ્સ મુકવામાં આવી છે પરંતુ એક પણ હાઈમોસ પોલ કે લાઈટ્સ કાર્યરત નથી. ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. 24 કરોડના ખર્ચે નિર્માણ પામેલું તળાવ ઉકરડામાં ફેરવાઈ ગયું છે. તરસાડીના નગરજનો માટે ફૂડ કોર્ટ પણ ઊભા કરવામાં આવ્યા હતા જેના શટરો હાલ બંધ હાલત માં જોવા મળે છે. દુકાનોની અંદર પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
પાણીની પાઈપ લાઈનને લીધે સમસ્યાઃ તળાવનું નિર્માણ ગુજરાત પ્રવાસન વિભાગ અને આર એન્ડ બી દ્વારા કરવામાં આવ્યું હતું. તળાવમાં પાણી પહોંચાડવાનું કામ જી.યુ.ડી.સી. દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ અધિકારીઓની અણઆવડતના કારણે તળાવમાં પાણી પહોંચાડવા માટે નાખવામાં આવેલી પાઈપ લાઈન તળાવ સુધી પાણી પહોંચાડી શકી નહીં. એક વાર તો પૈસા વેડફી નાખવામાં આવ્યા હવે પાછા તળાવ સુધી પાણી પહોંચાડવા માટે પાઈપ લાઈન માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે અગાઉ જે પાઈપ લાઈન નાખવામાં આવી હતી તે કોન્ટ્રાક્ટરને કે કંપની વિરુદ્ધ કોઈ પગલાં લીધા કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. હાલ તળાવ જાળવણીના અભાવે જંગલ અને ખંડેર બની ચૂક્યું છે. તરસાડી નગર પાલિકાની હાલત પણ હાલ કફોડી છે પાલિકા પાસે એટલું સ્વ ભંડોળ નથી કે તળાવની હાલત સુધારી શકે.
અણઘડ આયોજનઃ તળાવ બનાવતા પહેલા તળાવમાં પાણી ક્યાંથી આવશે એ સૌથી મોટો પ્રશ્ન હોવો જોઈએ અને તેનો ઉકેલ લાવવો જોઈએ ,પરંતુ ખબર નથી પ્રવાસન વિભાગ અને આર એન્ડ બીને કઈ ઉતાવળ હતી કે 24 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ તળાવ માટે વાપરી નાખી. શું તળાવ બનાવતા પહેલા પાણી ક્યાંથી લાવવામાં આવશે એ તપાસ નહીં કરવામાં આવી હોય ? અથવા પાઈપ લાઈન નાખી ત્યારે આર એન્ડ બીના એન્જીનિયરોને ખબર નહિ હોય કે પાણી નથી પહોંચવાનું? કોઈ પણ જાતના પૂર્વભ્યાસ વગર પ્રજાના પૈસા વેડફી નાખવા એ હવે સરકારી બાબુઓની આદત બની ગઈ છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ તરસાડી નગરના 24 કરોડના તળાવમાં પાણી ક્યારે આવે છે? કે પછી પાણી માટે ખર્ચવામાં આવેલા પૈસા પાણીમાં જશે ??
તરસાડીમાં આવેલ આ તળાવનું સંચાલન તરસાડી નગર પાલિકા કરી રહી છે. આ તળાવમાં પાણી કેનાલ મારફતે ભરવાનું આયોજન હતું, પરંતુ હાલ પાણીની લાઈન નાખવાની કામગીરી બાકી છે, ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે...પ્રણવ ચૌધરી(ચિફ ઓફિસર,તરસાડી નગર પાલિકા, માંગરોળ)
- Surat Conocarpus : સુરત શહેરમાં અધધ 2 લાખ વૃક્ષોનો થઈ રહ્યો છે સફાયો, જાણો શું છે કારણ...
- રાજકોટના દિલીપ સખીયાને પાણી બચાવો અભિયાન માટે મળ્યો જળપ્રહરી એવોર્ડ, કર્યું છે ખૂબ મોટું કાર્ય