કેરીનું ઉત્પાદન 40 ટકા જેટલું ઘટશે જૂનાગઢ :કેરીના રસિકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગત વર્ષે લંબાયેલા ચોમાસા તથા વાતાવરણની પ્રતિકૂળતા ગરમી અને ઠંડીના વધતા-ઘટના પ્રમાણના કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં વિપરીત અને માઠી અસર જોવા મળી શકે છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન 40 ટકા જેટલું ઘટી શકે છે તેવી શક્યતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે.
કેરીના રસિકો માટે માઠા સમાચાર :જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી બાગાયત વિભાગના વૈજ્ઞાનિકોએ આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 40 % જેટલો ઘટાડો નોંધાયા તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. આંબા અને ફળ પાકમાં ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. ગરમી, ઠંડી, વરસાદ અને વાતાવરણની પ્રતિકૂળતા સામે ફળ પાક તરીકે આંબો ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં સતત બદલાઈ રહેલું વાતાવરણ અને કેટલાક અંશે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરોને કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે.
45 દિવસ મોડી કેરીની સીઝન :સામાન્ય રીતે કેરીનો પાક 20 થી 25 દિવસ આગળ પાછળ થાય તેને સામાન્ય માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે કેરીનો પાક 45 દિવસ કરતાં વધુ મોડો શરૂ થયો છે, જેને ખૂબ જ વિપરીત માનવામાં આવે છે. પાછલા 15 વર્ષમાં પહેલીવાર આંબામાં મોર બંધાવાની સાથે મગીયો અને લખોટી જેવડી કેરી થવામાં 45 દિવસથી વધુ સમય લાગ્યો છે, જેને ખૂબ જ નકારાત્મક માનવામાં આવે છે. આ સમય દરમિયાન બજારમાં ખાખડી કેરી આવતી હોય છે, પરંતુ અત્યારે કેટલાક આંબામાં હજુ મોર જોવા મળે છે. કેરીની સીઝન મોડી થશે તેવી શક્યતા છે.
સંવેદનશીલ આંબા માટે જરૂરી તાપમાન :ફળ પાકોમાં આંબાને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. રાત્રિનું તાપમાન 15 ડિગ્રી આસપાસ અને દિવસનું તાપમાન 25 ડિગ્રીની આસપાસ જળવાઈ રહે તેને આદર્શ માનવામાં આવે છે. આ વર્ષે શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ એકદમ નહિવત જોવા મળ્યું હતું. તેમજ દિવસ અને રાત્રિના તાપમાનમાં પણ ખૂબ મોટો તફાવત જોવા મળ્યો હતો. જેના કારણે આંબામાં મોર બંધાવાથી લઈને અત્યાર સુધીની પરિસ્થિતિમાં આંબામાં નકારાત્મક પરિસ્થિતિ જોવા મળે છે.
ઉત્પાદન ઘટવાથી માંગ વધશે :આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટવાની પૂરી શક્યતા છે. વેપારના નિયમ પ્રમાણે ઉત્પાદન ઘટે તો માંગ વધે અને તેની સીધી અસર તેના બજાર ભાવ પર પણ જોવા મળતી હોય છે. આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 40% કરતાં વધુનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે બજારમાં કેરીની માંગ વધશે. જેની સીધી અસર કેરીના છૂટક અને જથ્થાબંધ બજાર ભાવ પર પણ જોવા મળી શકે છે. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે 30 જૂન સુધી કેરી બજારમાં જોવા મળી શકે છે. સામાન્ય રીતે જૂન મહિનાના પહેલા અઠવાડિયા બાદ બજારમાંથી કેરીની આવક બંધ થતી હોય છે. પરંતુ આ વર્ષે તેમાં 15 થી 20 દિવસનો વધારો થાય તેવી શક્યતા છે.
- Mango Season : આંબાને આવ્યા મ્હોર, પણ મોડા : કેરીના રસિકો માટે આ વર્ષ ફિક્કું રહેશે !
- Junagadh News : કેરીની સીઝન પૂર્ણ થઈ, ગત વર્ષની સરખામણીએ પાંચ લાખ બોક્સની વધુ આવક