મહીસાગર : જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ લક્ષણો વાળો કેસ સામે આવ્યો છે. લુણાવાડા તાલુકાના જુના રાબડીયા ગામે પાંચ વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. બાળકીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નીપજ્યું છે.
મહીસાગરમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ (ETV Bharat Reporter) પાંચ વર્ષની બાળકીનું મોત :લુણાવાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારોલના જુના રાબડીયા ગામે એક 5 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. આથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવી હતી. ગત 14 જુલાઈ, રવિવારના રોજ બાળકીનું મૃત્યુ થયું છે. ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ મહીસાગર જિલ્લામાં પણ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ સાબદું થયું :આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જુના રાબડીયા ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આરોગ્યની ટીમો દ્વારા ઘરે ઘરે જઈને એન્ટી લાવર એક્ટિવિટી, ક્લોરીનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ અન્ય આવા લક્ષણોવાળા કેસ જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. જોકે આવા લક્ષણોવાળા કોઈ બાળક સર્વેલન્સ દરમિયાન મળ્યા નથી.
કેવા લક્ષણો હતા : તલાટી અનિલ પરમારે જણાવ્યું કે, બે-ચાર દિવસ પહેલા પાંચ વર્ષની જાનવી નામની દીકરીને ઠંડી-તાવના લક્ષણો હતા. દવાખાનામાં દવા કરાવી PHC ખારોલમાં પણ બતાવવામાં આવ્યું. ત્યાંથી આરામ ન થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. ત્યાંના ડોક્ટરો દ્વારા ચેક કરતાં ચાંદીપુરાના લક્ષણો દેખાતા જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી.
- ચાંદીપુરા વાયરસનો કહેર : સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું
- ચાંદીપુરમ કેસ મામલો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત