ગુજરાત

gujarat

ETV Bharat / state

મહાશિવરાત્રીએ સોમનાથ, કાશી વિશ્વનાથ, મહાકાલેશ્વરનો પ્રસાદ સ્પીડ પોસ્ટથી ઘરે મળશે, આ રીતે કરો ઓર્ડર - SOMNATH PRASHAD HOME DELIVERY

પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા દેશના કોઈપણ ખૂણામાં,શ્રી સોમનાથ મંદિર, શ્રી કાશી વિશ્વનાથ મંદિર, અને શ્રી મહાકાલેશ્વર મંદિરનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે છે.

મહાશિવરાત્રીએ પોસ્ટ વિભાગ ઘરે પહોંચાડશે પ્રસાદ
મહાશિવરાત્રીએ પોસ્ટ વિભાગ ઘરે પહોંચાડશે પ્રસાદ (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2025, 3:26 PM IST

અમદાવાદ: મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. પરંતુ કેટલાક ભક્તો ઈચ્છવા છતાં દર્શન કરી શકતા નથી. તેમના માટે પોસ્ટ વિભાગે નવીન પહેલ શરૂ કરી છે, જે હેઠળ મંદિરનો પ્રસાદ ભક્તો સુધી સ્પીડ પોસ્ટથી પહોંચાડવામાં આવશે.

પોસ્ટ વિભાગ ઘરે પહોંચાડશે પ્રસાદ
પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, નાગરિકો દેશના કોઈપણ ખૂણામાં, ગુજરાતના શ્રી સોમનાથ મંદિર, વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર, અને ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આપી હતી. આ ઉપરાંત, મહાશિવરાત્રી પર પોસ્ટ ઓફિસમાંથી ગંગાજળની સુવિધા પણ ઉપલબ્ધ છે. 250 મિલી ગંગાજળની બોટલ ફક્ત 30 રૂપિયામાં મેળવી શકાય છે.

મહાશિવરાત્રીએ પોસ્ટ વિભાગ ઘરે પહોંચાડશે પ્રસાદ (ETV Bharat)

સોમનાથ મહાદેવનો પ્રસાદ કેવી રીતે ઓર્ડર કરશો?
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારતીય ટપાલ વિભાગ સાથે ભક્તોને તેમના ઘરે પ્રસાદ પહોંચાડવા માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ, કોઈપણ ભક્ત ₹270નો ઈ-મની ઓર્ડર મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો- જૂનાગઢ, ગુજરાત- 362268 ને મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે છે. ઈ-મની ઓર્ડર પર "પ્રસાદ માટે બુકિંગ" લખેલું હોવું જોઈએ. ત્યારબાદ, શ્રી સોમનાથ ટ્રસ્ટ સંબંધિત ભક્તને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદનું 400 ગ્રામનું પેકેટ મોકલશે. આ પ્રસાદમાં 200 ગ્રામ મગસના લાડુ, 100 ગ્રામ તલની ચીક્કી અને 100 ગ્રામ માવા ચીક્કી હશે.

કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ સ્પીડ પોસ્ટથી પહોંચશે
શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ પણ સ્પીડ પોસ્ટ સેવા દ્વારા દેશભરના લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત, ફક્ત ₹251 નો ઈ-મની ઓર્ડર સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઓફિસ, વારાણસી (પૂર્વ) ડિવિઝન- 221001 ના નામે મોકલવાનો રહેશે. ઈ-મની ઓર્ડર મળ્યા પછી, પોસ્ટલ વિભાગ દ્વારા પ્રસાદ તરત જ સ્પીડ પોસ્ટ દ્વારા આપેલા સરનામે મોકલવામાં આવશે. ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુંજય યંત્ર, શ્રી શિવ ચાલીસા, 108 મણકાની રુદ્રાક્ષ માળા, બેલપત્ર, માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા માંગતા ભોલે બાબાની છબી ધરાવતો સિક્કો, ભભૂતિ, રક્ષાસૂત્ર, રુદ્રાક્ષ મણકા, મેવા, સાકરનું પેકેટ વગેરેનો સમાવેશ થાય છે.

ઉજ્જૈનના મહાકાલનો પ્રસાદ પણ ઘરે મળશે
જ્યારે ઉજ્જૈનના પ્રખ્યાત શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો પ્રસાદ પણ પોસ્ટ દ્વારા મંગાવી શકાય છે. આ માટે, મેનેજેર, સ્પીડ પોસ્ટ સેન્ટર, ઉજ્જૈનને ₹251નો ઈ-મની ઓર્ડર મોકલવાનો રહેશે અને બદલામાં ત્યાંથી સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મોકલવામાં આવશે. આ પ્રસાદમાં 200 ગ્રામ લાડુ, ભભૂતિ અને ભગવાન શ્રી મહાકાલેશ્વરજીની છબીનો સમાવેશ થાય છે. પોસ્ટ વિભાગે એવી પણ વ્યવસ્થા કરી છે કે શ્રદ્ધાળુઓને સ્પીડ પોસ્ટની વિગતો તેમના મોબાઇલ નંબર પર SMS દ્વારા મળી રહે. આ માટે, ભક્તોએ ઈ-મની ઓર્ડરમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઇલ નંબર લખવો ફરજિયાત રહેશે.

આ પણ વાંચો:

  1. મહાશિવરાત્રી મેળા પર પ્રથમ વખત સંશોધન, ભાવિકોના પ્રતિભાવો થકી ભાવિ આયોજન કરાશે
  2. સોમનાથ મહોત્સવ 2025 : CM પટેલે મહોત્સવનો પ્રારંભ કરાવ્યો, સંગમ આરતીમાં સહભાગી થયા

ABOUT THE AUTHOR

...view details