સુરેન્દ્રનગર: પાક નુકસાન સહાય અને ગણોતધારાને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ દૂધરેજ થી સુરેન્દ્રનગર સ્થિત કલેક્ટર કચેરી સુધી પદયાત્રા સ્વરૂપે રેલી યોજી હતી.
પાટડીમા ગણોતર ધારાની 192 અને 193ની કલમો લગાવામાં આવ્યા બાદ 2700 જેટલા દસ્તાવેજ અટકી જતા હોવાને લઈને ખેડૂતોએ રજૂઆત કરી હતી. જોકે, આ પહેલાં ખેડૂતોએ કલેકટર કચેરીમાં બેસીને રામધૂન બોલાવીને તેમજ સુત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા ગુણોત ધારા 192-197ની કલમો લગાવવામાં આવ્યા બાદ 2700 જેટલા ખેડૂતોના દસ્તાવેજ અટકી જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે ખેતીની જમીન પર વેચાણ અંગે 20% પ્રીમિયમ અને બિન ખેતીની જમીન પર 30% પ્રીમિયમ લગાવામાં આવી રહ્યું છે. જેમાં તેઓને જમીન કરતા પણ વધુ પ્રીમિયમ લેવાતું હોવાથી જમીનની લે-વેચ પણ અટકી ગયું હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેને લઇ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોને પાક નુકસાન અંગે ૧૦,૦૦ ખેડૂતોને વળતર પણ ચૂકવવામાં ન આવતા તેને લઈને પણ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

આ તમામ પ્રશ્નોની રજૂઆતને લઈને ખેડૂતોએ દુધરેજ ગામથી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી અને કલેક્ટર કચેરી ખાતે નીચે બેસી રામધૂન બોલાવી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ કલેક્ટર કચેરી થી નીચે આવીને ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા અને ખેડૂતોએ આપેલ આવેદન પત્ર સ્વીકાર્યુ હતું. ખેડૂતોએ 192 અને 193ના કલમની કાયદામાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતા જિલ્લા પોલીસ દ્વારા બે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઇ, એલસીબી, એસઓજી સહિતનો ચુસ્ત બંદોબસ્ત કલેકટર કચેરી સહિત રેલી દરમિયાન ગોઠવવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, ખેડૂતોએ આ પહેલાં ટ્રેક્ટર રેલીની મંજૂરી માંગી હતી જે ન મળતા ખેડૂતોએ પદયાત્રા સ્વરૂપે રેલી યોજી હતી.