રાજકોટઃ રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં રહેતા અને વૈષ્ણવ ધર્મ પાળનારા કેવલ વિરાણી નામના વ્યક્તિ દ્વારા મેકડોનાલ્ડ્સમાંથી 6 જેટલા વેજ બર્ગર મંગાવ્યા હતા. ત્યારે મેકડોનાલ્ડ્સ દ્વારા તેમને 6 પૈકી 4 વેજ બર્ગર જ્યારે કે 2 નોનવેજ બર્ગર પાર્સલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે ભૂલથી નોનવેજ બર્ગર પરિવારના વ્યક્તિ દ્વારા ખાઈ લેવાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મેકડોનાલ્ડ્સની ભૂલના કારણે વૈષ્ણવ ધર્મ પાળનારા પરિવારનો ધર્મ ભ્રષ્ટ થયો હોવાની લાગણી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ક્ન્યુઝ્યુંમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ
સમગ્ર મામલે ભોગ બનનાર કેવલ વિરાણી અને તેમના પરિવારજનો દ્વારા કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીતમાં કેવલ વિરાણીએ જણાવ્યું હતું કે, રવિવારના રોજ ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે મેચ હતી. ત્યારે રાત્રિના સમયે સ્વીગીના માધ્યમથી પરિવાર માટે છ જેટલા વેજ બર્ગર મંગાવ્યા હતા. પરંતુ અમને જે ઓર્ડર મોકલવામાં આવ્યો હતો તેમાં 4 જેટલા વેજ બર્ગર આવ્યા હતા જ્યારે કે બે જેટલા નોનવેજ બર્ગર આવ્યા હતા.
સમગ્ર મામલે વકીલ અજયસિંહ ચૌહાણ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, વેજ બર્ગરની સાથે નોનવેજ બર્ગર મળ્યા બાદ મારા અસીલ કેવલભાઈ વિરાણી મેકડોનાલ્ડ્સ કંપનીના સ્ટોર ઉપર પણ ગયા હતા. ત્યાં જઈ તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી કે, રજૂઆત સંદર્ભે મેકડોનાલ્ડ્સ કંપનીના કર્મચારીઓ દ્વારા માફી પણ માગવામાં આવી હતી. તેમજ કામના ભારણના કારણે તેમનાથી ભૂલચૂક થઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ મારા અસીલ તેમજ તેમના પરિવારજનોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોવાના કારણે આગામી સમયમાં મેકડોનાલ્ડ તેમજ લાગતા વળગતા વિરુદ્ધ કન્ઝ્યુમર કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

"ભૂલ બદલ અમે માફી માંગીએ છીએ"
મીડિયા સાથેની વાતચીતમાં મેકડોનાલ્ડ્સના લાઇઝનીંગ ઓફિસર બીપીન પોપટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે માનીએ છીએ કે અમારાથી ભૂલ થઈ છે. અમારી ભૂલ બદલ અમે માફી પણ માંગીએ છીએ. સમગ્ર મામલે અમારા દ્વારા ઇન્ટરનલ ઇન્કવાયરી પણ શરૂ કરવામાં આવી છે. કયા કારણોસર અને કોના દ્વારા વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગર ઓર્ડરમાં મોકલી આપવામાં આવી હતી તે બાબતે તપાસ કરવામાં આવશે. તપાસના અંતે જે કોઈ પણ કર્મચારી જવાબદાર ઠરશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તેને નોકરીમાંથી છૂટો પણ કરવામાં આવશે.