વલસાડ:મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બર, 2024ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે ત્યારે આ ચૂંટણીને લઇને દક્ષિણ ગુજરાતના વલસાડ અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આંશિક અસર જોવા મળી છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાના ભાગ રુપે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે ભીલાડ ચેક પોસ્ટ પર વાહનોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.
સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઇ:મહારાષ્ટ્રમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવવાની છે જેના અનુસંધાને મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વલસાડ જિલ્લામાંથી હોમગાર્ડની એક યુનિટમાં 250 હોમગાર્ડસને મુંબઇ રવાના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોને મહારાષ્ટ્રના પાલઘર અને દહાણુ વિધાનસભા ક્ષેત્રમાં ખાસ જવાબદારી આપવામાં આવી છે. ધારાસભ્યો અને સાંસદ મહારાષ્ટ્રમાં પ્રચાર માટે મહારાષ્ટ્રમાં હાજરી આપવા જશે.
દારુની દુકાનોમાં ડ્રાય ડે જાહેર કરાયો:મહારાષ્ટ્રની ચૂંટણીના પ્રભાવ હેઠળ દમણ અને દાદરા નગર હવેલીમાં 19 થી 20 નવેમ્બરના રોજ 'ડ્રાય ડે' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં દારુની દુકાનો બંધ રહેશે. ત્યારે શરાબના શોખીનો માટે 2 દિવસ દમણ અને દાદરા નગર હવેલીમાં દારુ મળી શકશે નહી.