નવસારી: જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાંથી પાંચ દિવસ અગાઉ અર્ધ સળગેલી હાલતમાં મળેલ પરણીતાના મૃતદેહ પ્રકરણમાં તેના જ પ્રેમીએ પ્રેમિકાને તેના પિયર લઈ જઈ પહેલા ગળું દબાવી તેનું મોત નિપજાવ્યું અને ત્યારબાદ તેના ઉપર ડીઝલ છાંટીને સળગાવી ભાગી છૂટ્યો હતો. નવસારી જિલ્લા એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે.
ક્રાઇમ પેટ્રોલ જોઇ હત્યાને અંજામ આપ્યો: વારે વારે રૂપિયા માંગતી પરણિત પ્રેમિકાથી કંટાળેલા પ્રેમીએ ક્રાઇમ પેટ્રોલ જોઇ તેનું કાસળ કાઢી નાંખવાનો પ્લાન ઘડ્યો હતો અને સોશ્યલ મીડિયા ઉપર ટેકનીકલ વીડીયો જોઇને પ્રેમિકાની હત્યાને અંજામ આપ્યો હતો. વાત છે નવસારીના અબ્રામાં ગામે 5 દિવસ અગાઉ અર્ધ સળગેલી હાલતમાં મળેલ પરિણીતાના મૃતદેહ પ્રકરણની. જેમાં પ્રેમીએ પ્રેમિકાને તેના પિયર લઇ જઈ, પહેલા ગળુ દબાવી તેનું મોત નીપજાવ્યું અને રાત્રી થયા બાદ તેના ઉપર ડીઝલ છાંટીને સળગાવી ભાગી છૂટ્યો હતો. જોકે નવસારી LCB પોલીસે CCTV ફૂટેજ અને કોલ ડીટેલ્સને આધારે આરોપી સુધી પહોંચી તેને દબોચી લીધો હતો.
રાજેશને પ્રેમિકાની રૂપિયાની માંગણી ખૂંચતી: લગ્નેતર સંબંધોનો હંમેશા કરૂણ અંજામ જ આવે છે. નવસારીના જલાલપોર તાલુકાના વેડછા ગામની 36 વર્ષીય પરિણીતા મુક્તિ હિતેશ પટેલને પણ લગ્નેત્તર સંબંધ રાખવામાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મુક્તિ પટેલનો પતિ યોગ્ય રીતે કામ કરતો ન હોવાથી, તેણીએ પોતાની ઇચ્છાઓ અને જરૂરીયાતો પૂર્ણ કરવા લગ્નેત્તર સંબંધ વિકસાવ્યા હતા. નવસારીની એક પ્રતિષ્ઠિત શાળામાં સફાઇ કામદાર તરીકે કામ કરતી મુક્તિ પટેલે એજ શાળામાં વોચમેન તરીકે નોકરી કરતા અને જલાલપોરના મટવાડ ગામે રહેતા રાજેશ પટેલ સાથે આંખ ચાર થતા બંને વચ્ચે સંબંધો વધ્યા હતા. 6 મહિનાથી વધુ સમયથી મુક્તિ અને રાજેશ વચ્ચે પાંગરેલા લગ્નેત્તર સબંધમાં બંને શરીર સુખ પણ માણતા હતા. જોકે મુક્તિ છાસવારે રાજેશ પાસે રૂપિયા માંગતી અને થોડા મહિનાથી તેની મોપેડના હપ્તા પણ ભરવાના બાકી હોવાથી એના માટે પણ રૂપિયા માંગતી હતી. પરંતુ આ તરફ રાજેશની નોકરી છૂટી જતાં પ્રેમિકાની રૂપિયાની માંગણી તેને ખૂંચતી હતી. મુક્તિથી પીછો છોડાવવાવો પ્રયાસ નિષ્ફળ જતા રાજેશે તેનો કાંટો કાઢી નાંખવાનો વિચાર કર્યો હતો. ક્રાઇમ પેટ્રોલના એપિસોડ જોઈને રાજેશે મુક્તિને મુક્તિ આપવાનો પ્લાન ઘડ્યો હતો. સાથે જ સોશ્યલ મીડિયામાં નાડી તપાસવા સાથે જ પેટ્રોલ કરતા ડીઝલ વધુ સારી રીતે બાળી શકે છે એવી માહિતી મેળવી લીધી હતી. બાદમાં ગત 28 માર્ચના રોજ રાજેશે તેની પ્રેમિકા મુક્તિને સવારથી બોલાવી હતી. જેને પોતાની બાઈક ઉપર બેસાડી વેડછાથી દાંતેજ તરફ આવતા રોડથી થઈ એરૂ ચાર રસ્તા પાસેના પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો, જ્યાંથી 80 રૂપિયાનું ડીઝલ બોટલમાં ભરાવ્યું હતું. બાદમાં પોતાના ઘરે પહોંચી, ત્યાં મુક્તિ સાથે શરીર સુખ માણ્યુ હતું અને આખો દિવસ બંને સાથે રહ્યા હતા. આ સમય દરમિયાન જ રાજેશે મુક્તિને વાતોમાં ભેરવી તેની પાસેથી સ્યુસાઈડ નોટ પણ લખાવી એમાં બે લોકોના નામ લખાવ્યા હતા. ત્યારબાદ 29 માર્ચની વહેલી સવારે અબ્રામા ગામે આવેલા મુક્તિના પિયરના ઘરે પહોંચ્યો હતો. જ્યાં ઘરના વાડામાં લઈ જઈ તેનું બેવાર ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં તેની નાડી ચકાસી, તેનું મોત થયું હોવાની ખાતરી કર્યા બાદ પોતાની સાથે લાવેલ 80 રૂપિયાના ડીઝલને મુક્તિના મૃતદેહ પર છાંટી સળગાવી દીધો હતો અને ત્યાંથી ભાગી છૂટયો હતો.
હત્યાની શંકાએ તપાસને વેગ આપ્યો: સમગ્ર ઘટનામાં મુક્તિના પિયરના ઘરના પાછળના વાડામાંથી જ અર્ધ બળેલી હાલતમાં તેનો મૃતદેહ મળતા તપાસમાં જોતરાયેલી જલાલપોર પોલીસ અને નવસારી LCB પોલીસે મૃતદેહના ચહેરા ઉપર ઈજા દેખાતા હત્યા થઈ હોવાની શંકાએ તપાસને વેગ આપ્યો હતો. જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ અને કોલ રેકોર્ડિંગની મદદથી પોલીસ રાજેશ સુધી પહોંચી હતી. જેની પૂછપરછમાં મુક્તિ સાથે તેને લગ્નેત્તર સંબંધ હોવાની કબૂલાત સાથે જ રૂપિયા માટે તેની હેરાનગતિ પણ હોવાનું જણાવતા પોલીસે તની કડકાઇથી પુછપરછ કરતા રાજેશે જ મુક્તિને મારી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે રાજેશ પટેલની ધરપકડ કરી આગળની તપાસ આરંભી છે.
આત્મહત્યાની સામે હત્યાની થિયરી: સમગ્ર મામલે પત્રકાર પરિષદ સંબોધતા જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે 29 મી માર્ચના રોજ જલાલપુર તાલુકાના અબ્રામા ગામે એક યુવતીની સળગેલી હાલતમાં તેના પિયરમાંથી લાશ મળી આવી હતી જેને આધારે પોલીસે તમાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં આત્મહત્યાની સામે હત્યાની થિયરી મુજબ તપાસ આગળ વધારવામાં આવી હતી જેમાં પોલીસે યુવતીના મૃતદેહનું ફોરેન્સિક પેનલ પીએમ કરાવ્યુ હતું અને સાથે એફએસએલ ટીમની મદદ પણ લેવામાં આવી હતી જેમાં સાબિત થયું હતું કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો કેસ છે જેથી પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસનો દોર શરૂ કર્યો હતો જેમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ શંકાના દાયરામાં આવ્યો હતો તેથી તેની અટક કરી પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને યુવતીની હત્યા તેણે કરી હોવાનું સ્વીકાર્યું હતું.
- પાલનપુર બસપોર્ટમાં પોલીસની રેઇડ, કાફેની ગભરાયેલી યુવતીઓએ ત્રીજા માળથી છલાંગ લગાવી - Raid in Palanpur Bus Port Cafe
- "આ એના મોઢેથી કેમ અને કેવું નીકળ્યું" - રાજુ રાણા, ભાવનગરમાં રુપાલા વિરુદ્ધ રાજપૂત સંમેલન યોજાયું - Parsottam Rupala