નિલેશના ઉમેદવારી પત્રક પર ટેકેદારોએ સહી કરી તેના સાક્ષીઓ સામે આવ્યા સુરતઃએક પછી એક સુરત લોકસભા બેઠક પર હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા થઈ રહ્યા છે. પહેલા ટેકેદારોની સહી મામલે વિવાદ સર્જાયો અને આ મુદ્દે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનું ફોર્મ ટેકેદારો દ્વારા કરાયેલી સહી મામલે રદ કરાયું હતું. ત્યારબાદ એક પછી એક 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા હતા.
4 સાક્ષીઓ સામે આવ્યાઃ ઉમેદવારી રદ થવા મામલે નિલેશ કુંભાણી શંકાના દાયરામાં આવતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સતત વિરોધ નોંધાવી રહ્યા છે. આ વચ્ચે ટેકેદારોએ નિલેશના ફોર્મ પર જ્યારે સહી કરી હતી ત્યારે 4 જેટલા લોકો હાલ સામે આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 10 લોકોની હાજરીમાં જ નિલેશના ફોર્મ પર ટેકેદારોએ સહી કરી હતી. જે લોકોની હાજરીમાં ટેકેદારોએ સહી કરી હતી તેવા ચંદુલાલ વેકરીયા તેમજ રમેશભાઈ ગાજીપરા સહિતના લોકો હાજર રહ્યા હતા.
સુનાવણીમાં ટેકેદારોનું નિવેદનઃ નિલેશના ટેકેદારોએ કલેકટર કચેરીમાં જણાવ્યું હતું કે ઉમેદવારી પત્રકમાં જે પણ સહી કરવામાં આવી છે તે તેમની નથી ત્યારબાદ વિવાદ સર્જાયો હતો. આ વાંધા અરજી ભાજપ દ્વારા અરજી કરાઈ હતી. જેથી કલેક્ટર કચેરીથી નિલેશને નોટિસ પાઠવી સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ ખોટી સહીના કારણે નિલેશનું ફોર્મ રદ્દ કરાયું હતું. હવે સાક્ષીઓ હાજર થઈ ગયા છે અને જણાવી રહ્યા છે કે ફોર્મ પર જે સહી કરવામાં આવી હતી તે ટેકેદારો એ જ કરી હતી.
ચૂંટણી પંચ પણ શંકાના ઘેરામાંઃ નિલેશ જ્યારે ફોર્મ ભરી રહ્યો હતો ત્યારે હાજર રહેલા દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે, જે સમગ્ર ઘટનાક્રમ છે તે ખૂબ જ દુઃખદ અને શરમદાયક છે. આ લોકતંત્ર માટે કલંક છે. આ કિસ્સામાં માત્ર બીજેપી જ નહિ પરંતુ ચૂંટણી પંચ પણ શંકાના ઘેરામાં છે. 4 લોકોએ એફિડેવિટ કર્યુ છે કે તેમની સામે જ ટેકેદારોએ સહી કરી છે. તેમ છતાં ચૂંટણી પંચે સહી એફએસએલમાં મોકલી નથી. જે ટેકેદારો છે તેઓની સહી નથી તો શા માટે તેઓ કોર્ટમાં નથી ગયા ? સાથે જે ઉમેદવાર છે તે પણ કોર્ટમાં ગયો નથી.
ફોજદારી કાર્યવાહી કરાશેઃ આ સમગ્ર મામલે દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને નવસારીના ઉમેદવાર નેષધ દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપ અને ચૂંટણીપંચ દ્વારા જે કરવામાં આવ્યું છે તે ખૂબ જ નિંદનીય છે. એક હોટલમાં મીટીંગ કરાઈ હતી જેમાં નિલેશ કુંભાણી સહિત અન્ય ઉમેદવારો ત્યાં હાજર હતા. નિલેશ કુંભાણી એ જે કર્યુ છે તે ખૂબ જ ખોટું છે. જો નિલેશ કુંભાણી કોર્ટમાં પિટિશન કરવા માટે એફિડેવિટ પર સહી નહિ કરે તો તેમને પાર્ટી સસ્પેન્ડ પણ કરશે અને ફોજદારી કાર્યવાહી પણ કરશે.
- મહેસાણા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર હરિભાઇ પટેલ સાથે ખાસ વાતચીત - Mahesana Lok Sabha Seat
- પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ, 2 દિવસમાં ગજવશે 6 જાહેરસભા - Lok Sabha Election 2024