રાજકોટઃ બપોરની ધગધગતી ગરમીમાં જ્યારે રંગીલા રાજકોટ શહેરમાં રાજકોટની પ્રજા વામકુક્ષી માણવામાં વ્યસ્ત હોય છે ત્યારે પશ્ચિમ રાજકોટનાં મધ્યમવર્ગીય વિસ્તારમાં ગૃહિણીઓ જે ચર્ચા કરી રહી હતી તે કોઈને પણ અચરજમાં નાખી દે તેવી હતી! એ ચર્ચા હતી રાજકારણ અને આવનારી લોકસભા 2024ની ચૂંટણીઓ ની! ETV Bharat આ સ્થળે થોડીવાર માટે થંભી ગયું. ઉપરછલ્લી વાતો પણ સાંભળી અને પછી નિર્ણય લીધો એમની સાથે વાત કરવાનો. પછી શરુ થયો ચર્ચાઓનો દૌર જેમાં મતદાતા તરીકે રાજકોટની આ ગૃહિણીઓએ એક મતદાતાનાં મનમાં ચાલી રહેલી કશમકશ બખૂબી વર્ણવી. જેમાં એક માતા, એક બહેન, એક દીકરી, એક વહુનાં મનમાં વલોવાતા અનેકો-અનેક મુદાઓ હતા. સાથે-સાથે રાજકોટથી શરુ થયેલા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનાં ચાલી રહેલા આંદોલન વિષેનો અભિપ્રાય પણ હતો.
રાજકોટની મહિલાઓએ ETV Bharatના ચૌપાલ કાર્યક્રમમાં શું કહ્યું? - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
મોંઘવારી એવો ચોક્કસ મુદ્દો છે જે મહિલાઓને અને ગૃહિણીઓનું બજેટ વીખી રહ્યો છે, પણ મોંઘવારી ઉપરાંત ધર્મ, વિકાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ એક તરફ એરણે છે. મત માંગવા આવી રહેલા ઉમ્મેદવારો ચૂંટણી આવે ત્યારે દેખાય છે અને પછી ગાયબ થઈ જાય છે. આવી ચેસ્ટાઓ રાજકોટની ગૃહિણી સાંખી લેવાનાં મતની નથી. વધુ વિગતો માટે જુઓ અને વાંચો આ અહેવાલ. Loksabha Election 2024 Rajkot Women Voters ETV Bharat Chopal
Published : Apr 29, 2024, 11:06 PM IST
મુખ્ય મુદ્દાઓઃ મહદંશે, એકાદ-બે ગૃહિણીઓને બાદ કરતા આ બધી ગૃહિણીઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, વિકાસ-પ્રગતિ, મોંઘવારી, ધર્મનાં મુદ્દે એકમત ધરાવતી હોય, એમનો અભિપ્રાય એ ચોક્કસ હતો કે મોંઘવારીએ અનેક ઘરોનાં બજેટ વીખી નાખ્યા છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સરકારે હજુ ધ્યાન આપવું જરૂરી છે અને તે તેમનો મત આપતા પહેલા એ દિશામાં ચોક્કસ વિચારશે એવું તેમનું દ્રઢપણે માનવું હતું. રામ-મંદિરનું નિર્માણ, કાશ્મીરમાં કલમ 370 અનુચ્છેદ અને વિકાસ-પ્રગતિલક્ષી રાજનીતિ સામે રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનું આંદોલન અસર કરશે તેવું પણ એક વર્ગ માની રહ્યો છે. જ્યારે એક વર્ગ ધર્મ ક્ષેત્રે અને ખાસ કરીને જૈન સમાજનાં હાઈવે પર વિહાર કરતા મુનિ અને મહારાજસાહેબો માટે પાલીતાણાની તર્જ પર એક વિશિષ્ટ કોરિડોરનું નિર્માણ કરે તેવો પણ તેમનો સુર હતો. આ મહિલાઓમાં યુવાન મતદાતાથી લઈને પીઢ મતદાતાઓ છે, જેમાં યુવા મહિલા મતદાતા સ્વાસ્થ્ય મુદ્દે સરકારે હજુ ધ્યાન આપવું જોઈએ તેવું મંતવ્ય રજૂ કર્યુ હતું.
ETV Bharatનો ચૌપાલ કાર્યક્રમઃ ETV Bharat તેમના ચૌપાલ કાર્યક્રમ દ્વારા આવનારા દિવસોમાં સમાજનાં ગરીબથી લઈને મધ્યમ વર્ગ તેમજ સમાજનાં ઉચ્ચ વર્ગ સાથે ચર્ચાઓ કરીને મતદાતાઓ મતદાન કરવા જતા પહેલા ક્યા-ક્યા મુદાઓને ધ્યાને લઈને તેમનો મત આપતા હોય છે તેનાં પર તલસ્પર્શી ચર્ચાઓ કરશે. જ્યારે 7મી મેના દિવસે ગુજરાત રાજ્યમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન જવા થઈ રહ્યું છે ત્યારે મતદાતાઓ ક્યા મુદ્દે અને કેવી રીતે તેમનો કિંમતી અને પવિત્ર મત આપતા પહેલા ક્યા મુદ્દાઓ પર ચિંતન કરી રહ્યા છે. તે અંતર્ગત એક પ્રકારે સંક્ષિપ્ત દિશાસૂચન પણ કરશે.