ગુજરાત

gujarat

ETV Bharat / state

"જો કાયમી કૃષિ નીતિ નહિ તો મત નહીં", રાજકોટમાં ખેડૂતો પોષણક્ષમ ભાવ માટે આકરાપાણીએ - Loksabha Election 2024

એક તરફ બિયારણો,જંતુનાશક દવા, રાસા. ખાતરો જેવા કૃષિ સંશાધનો મોંઘા થતા જાય છે. બીજી તરફ ખેડૂતોને પાક ઉપ્તાદનનાં યોગ્ય ભાવ અને કુદરતી આપત્તિમાં સમયસર પૂરું વળતર પણ મળતું નથી. તેથી જ ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. આ સમસ્યાની રજૂઆત માટે સોમવારે રાજકોટમાં ક્રાંતિ સંગઠન તેમજ ગુજરાત ખેડૂત એસોશિયેશન દ્વારા પ્રેસ અને મીડિયાને સંબોધનનું આયોજન કરાયું હતું. Loksabha Election 2024

"જો કાયમી કૃષિ નીતિ નહિ તો મત નહીં"
"જો કાયમી કૃષિ નીતિ નહિ તો મત નહીં"

By ETV Bharat Gujarati Team

Published : Apr 22, 2024, 9:57 PM IST

રાજકોટઃ ખેડૂત સંગઠન દ્વારા વર્તમાનપત્રોનાં અહેવાલનાં આધારે એકત્ર કરાયેલી વિગતો મુજબ ગુજરાતમાં અંદાજે 3,000 જેટલા ખેતી વ્યવસાય સાથે સાંકળયેલા લોકોએ આત્મહત્યાઓ કરેલી છે. આ મુદ્દે ખેડૂત સંગઠનો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવતા નામદાર સર્વોચ્ચ અદાલતે હુકમ કરેલ હતો કે, સરકાર ખેડૂતનાં હિતમાં કાયમી અને યોગ્ય કૃષિ નીતિ બનાવે. આ કાયમી કૃષિ નીતિ અંગે આજે ખેડૂતોએ રજૂઆત કરી હતી.

કાયમી કૃષિ નીતિના લાભઃ જો સુપ્રીમ કોર્ટના આદેશના આધારે સરકાર કાયમી કૃષિ નીતિ બનાવે તો ખેડૂતોને દેવા મુક્તિ, કુદરતી આપત્તિમાં સમયસર વળતર, ઉત્પાદનનાં પૂરા અને પોષણક્ષમ ભાવ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. ગુજરાત ખેડૂત એસોસીએશન સાથે જોડાયેલા ખેડૂતોનો આક્ષેપ છે કે, જો કે આજ દિન સુધી આ બાબતોને લઈને કોઈ સરકાર ચિંતિત નથી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ બાબતે મૌન સેવી રહ્યા છે.

"જો કાયમી કૃષિ નીતિ નહિ તો મત નહીં"

"જો કાયમી કૃષિ નીતિ નહિ તો મત નહીં": એક તરફ જ્યારે ઉદ્યોગપતિઓનાં દેવા માફ કરી દેવામાં આવે છે અને ખેડૂતોનાં હિતને ધ્યાને રચાયેલી સ્વામીનાથન સમિતિએ કરેલી ભલામણોની યોગ્ય અમલવારી પણ કરવામાં આવતી નથી. આવામાં ગુજરાત ખેડૂત સંગઠને વર્ષ 2005થી લઈને વર્ષ 2024 સુધી સરકારમાં અવિરત રજૂઆતો કરી છે. છતાં આ દિશામાં કોઈ યોગ્ય પગલાં ન લેવાયા અને કોઈ નક્કર પરિણામ ન આવ્યું. હવે જ્યારે સામે લોકસભા ચૂંટણી છે ત્યારે ખેડૂતો સરકાર પાસે કાયમી કૃષિ નીતિની રચના અને અમલ માટે માંગ કરી રહ્યા છે. "જો કૃષિનીતિ નહિ તો મત નહીં" તેવો અભિપ્રાય આજે ખેડૂતોએ રાજકોટમાં સ્પષ્ટ કરી દીધો છે.

રુપાલા સમક્ષ કરેલ રજૂઆતોનું પરિણામ શૂન્યઃ રાજકોટમાં એક તરફ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનાં આંદોલનનાં મંડાણ છે. જ્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાંથી કાયમી કૃષિ નીતિની માંગ સાથે જાહેરમાર્ગો પર આવીને મીડિયાને સંબોધતા ખેડૂતોને પણ રુપાલા પ્રત્યે નારાજગી છે. ખેડૂતોનું કહેવું છે કે, કેન્દ્રમાં કૃષિપ્રધાન રહી ચૂકેલા પરષોત્તમ રૂપાલાને અમે અવાર-નવાર આ સમસ્યાઓની રજૂઆતો કરી છે. જો કે રૂપાલા ગુજરાતનાં ખેડૂતો વતી સંસદમાં અવાજ બન્યા નથી. જ્યારે અન્ય બીજા અનેક રાજ્યોમાં ખેડૂતોનાં દેવા નાબૂદ થયા છે. આ પરિસ્થિતિમાં ગ્રામ્ય ક્ષેત્રનાં કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા મતદાતાઓ કઈ દિશામાં રૂખ કરશે એ તો સતાધીશોને જ સમજવું રહ્યું.

  1. જામનગરમાં રુપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓના ધરણાં, બ્રાહ્મણ સમાજની બહેનો પણ જોડાઈ - Parshottam Rupala Controversy
  2. પરષોત્તમ રૂપાલા વિવાદને લઇને બારડોલીમાં ક્ષત્રિય સ્વાભિમાન સંમ્મેલન યોજાશે - PARASHOTTAM RUPALA CONTROVERSY

ABOUT THE AUTHOR

...view details