દમણમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલનો ચૂંટણી પ્રચાર દમણ: કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દમણ લોકસભા બેઠક વિસ્તારમાં કાર રેલી યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે ડાભેલથી મોટી દમણ સુધી કાર રેલી યોજી હતી. કોંગ્રેસ ના કાર્યકરો સાથે યોજાયેલ આ કાર રેલીમાં કેતન પટેલે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. ચૂંટણી પ્રચાર માટે યોજાયેલ કાર રેલી દરમ્યાન કેતન પટેલે સ્થાનિક પ્રશાસન અને કેન્દ્રીય સરકાર પર આકરા વાક પ્રહારો કર્યા હતાં.
દમણમાં તાનાશાહી, ઓફિસર રાજનો આક્ષેપઃ કેતન પટેલે જણાવ્યું હતું કે જનતાને પીડતા અનેક મુદ્દાઓ છે. જેને લઈને આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તે મુદ્દાઓ વિષયક ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દમણમાં તાનાશાહી ચાલી રહી છે. ઓફિસર રાજ ચાલી રહ્યું છે બહારથી આવેલા ઓફિસરો રાજ કરી રહ્યા છે. જે ખતમ કરવાની જરૂર છે. દમણ, દીવ અને દાદરા નગર હવેલીની એક વિધાનસભાનું ગઠન થાય તે મહત્વનો મુદ્દો છે. જો વિધાનસભા મળે તો તેનાથી સ્થાનિક પ્રતિનિધિત્વને તક મળશે.
ગ્રાઉન્ડ ઝીરો પર રીયાલિટી વિશે કેતન પટેલ ગર્જ્યાઃ કેતન પટેલે જણાવ્યું હતું કે, દમણમાં વીજળી ખાનગીકરણના કારણે ઉદ્યોગો પલાયન થઈ રહ્યા છે. યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે. સરકારી નોકરી મળતી નથી. આ સમસ્યાઓને લઈને અમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. દમણ-દીવના વિકાસની વાતો થઈ રહી છે. પરંતુ, ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જોઈએ છીએ ત્યારે રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. 3-3 વર્ષથી રસ્તાઓ હજુ બની જ રહ્યા છે અને તેમાં અનેક લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે. રોડ બનાવવાથી કોઈ વિકાસ થતો નથી. સત્તા પક્ષ છે તેની પાસેથી પણ જાડુ મરાવી રહ્યા છે જેમનું કામ જનતાના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાનું છે. પાલિકા વિસ્તારમાં ટેકસ 200ને બદલે 2000 કરી દેવામાં આવ્યો છે. આવા અનેક મુદ્દાઓને કોંગ્રેસ મેનિફેસ્ટોમાં સામેલ કરી લોકસભાની આ ચૂંટણી લડીશું.
દમણમાં ત્રિપાંખીયો જંગઃ કેતન પટેલની કાર રેલી ડાભેલ તેમના નિવાસસ્થાનેથી નીકળી મુખ્ય માર્ગો પર ફરતી મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ થઈ નાની દમણ શહેરી વિસ્તારમાં અને નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ફરી હતી. જેમાં ઠેક ઠેકાણે કોંગ્રેસી વિચારધારા ધરાવતા મતદારો, આગેવાનોએ કેતન પટેલનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દમણ-દીવ લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. જેમાં ભાજપ વિકાસ થયો હોવાના મુદ્દાઓ સાથે પ્રચાર કરી રહી છે. જ્યારે કોંગ્રેસ અને અપક્ષ નહિવત વિકાસ, બેરોજગારી પ્રશાસનિક તાનાશાહીના મુદ્દે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.
- 5મી એપ્રિલે જાહેર થશે કોંગ્રેસનો મેનિફેસ્ટો, 3જી એપ્રિલથી 'ઘર-ઘર ગેરંટી' અભિયાન - Congress Manifesto On April 5
- DGVCLના કર્મચારીઓ વિવાદમાં, ભાજપનો પ્રચાર કરતાં તસવીરો વાયરલ, કોંગ્રેસ ચૂંટણી પંચને કરી ફરિયાદ - DGVCL Employee BJP Campaign