દાદરા નગર હવેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસે અજિત માહલાને ઉમેદવાર જાહેર કર્યા સેલવાસઃ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે અજિત માહલા પર પસંદગી ઉતારી છે. અજિત માહલા રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ આ જ બેઠકના પૂર્વ સાંસદ રામજી માહલાના પુત્ર છે. તેઓ આદિવાસી કોંકણા સમાજમાંથી આવે છે. તેમજ કોંગ્રેસના સક્રિય કાર્યકર અને પૂર્વ શિક્ષક છે. કોંગ્રેસે માહલાને આ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર સમક્ષ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનો રાજકીય ઈતિહાસ કોંગ્રેસ, અપક્ષ, ભાજપને વ્યક્તિ આધારિત ચુંટણીમાં જીત અપાવતી બેઠક છે.
અજિત માહલાનો પ્રાથમિક પરિચયઃ અજિત રામજીભાઈ માહલા દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ સ્વર્ગીય રામજીભાઈ માહલાના પુત્ર છે. જેઓ વર્ષ 1980 થી 1984 દરમ્યાન દાદરા નગર હવેલીમાં કોંગ્રેસ પક્ષ તરફથી જીત મેળવી આ પ્રદેશના સાંસદ બન્યા હતાં. ત્યારબાદ વર્ષ 1984થી 1990 દરમ્યાન અને 1998થી વર્ષ 2000 દરમ્યાન દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહ્યા હતાં. જેમના પુત્ર અને કોંગ્રેસના સક્રિય કાર્યકર અજિત માહલા ને કોંગ્રેસે આ વર્ષે 2024ની લોકસભા ચૂંટણીની ટીકીટ આપી છે.
અભ્યાસઃ લોકસભા ચૂંટણી 2024ના કોંગ્રેસના ઉમેદવાર અજિત માહલા અહીંના આદિવાસી કોંકણા સમાજમાંથી આવે છે. તેમણે આર્ટ ફેકલ્ટીમાં B.A. B.Ed. સુધીનો અભ્યાસ કર્યો છે. અજિત માહલા NSUIમાં મેમ્બર સેક્રેટરી હતા. 2001માં તેઓ યુથ કોંગ્રેસના સેક્રેટરી, 2004માં યુથ કોંગ્રેસના J. S. સેક્રેટરી, 2006 થી 2010 સુધી P.C.C. D&NHના સેક્રેટરી હતાં. 2010માં તેમણે સરકારી શિક્ષક તરીકે કારકિર્દી શરુ કરી હતી. તેઓ ટીચર એસોસિએશનના સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.
2019માં શિક્ષકની નોકરીમાંથી રાજીનામુંઃ વર્ષ 2019માં અજિત માહલાએ શિક્ષકની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેઓ દાદરા નગર હવેલી કોંગ્રેસમાં સામેલ થયા. હાલમાં તેઓ આદિવાસી કોંગ્રેસ દાદરા નગર હવેલીના એક્ટિવ ચેરમેન છે. કોંગ્રેસના સક્રિય કાર્યકર છે તેથી કોંગ્રેસે આ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર વિરુદ્ધ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.
લોકસેવા કરવાની ઈચ્છાઃ પોતાની ઉમેદવારી અંગે કોંગ્રેસના ઉમેદવાર અજિત માહલાએ જણાવ્યું હતું કે, મારી પસંદગી કરવા બદલ કોંગ્રેસના દરેક મોવડીઓનો હું આભારી છે. મારા પર જે વિશ્વાસ મુક્યો છે તેમાં હું ખરો ઉતરીશ. દાદરા નગર હવેલીમાં તેમના પિતાને જ્યારે અહીંના મતદારોએ સાંસદ બનાવ્યા હતાં. ત્યારે તેમણે જનસુવિધાના કાર્યો કર્યા હતાં. જેમાં વીજળીનો દર ઘટાડવા ઉપરાંત, જમીન વિહોણા લોકોને જમીન/પ્લોટ આપ્યા હતાં. તેમજ આદિવાસી સમાજને 43 ટકા આરક્ષણ આપ્યું હતું. જે આજે આપવામાં આવતું નથી. તેના માટે હું ફરીથી પ્રયત્ન કરીશ. આ બેઠકના વર્તમાન સાંસદ ઘરે બેસી રહેતા હોવાથી લોકોના કોઈ કામ થતા નથી. જ્યારે હું લોકોના દરેક કામ પુરા કરીશ તેઓ વિશ્વાસ અજિત માહલાએ વ્યક્ત કર્યો હતો.
લોકસભાની રિઝર્વ સીટઃ ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલી લોકસભાની રિઝર્વ સીટ છે. હાલમાં અહીં શિવસેનાના કલાબેન ડેલકર સાંસદ છે. જેઓ 2021માં સાંસદ મોહન ડેલકરના નિધન બાદ પેટા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી ચુક્યા છે. દાદરા નગર હવેલીમાં મોટેભાગે ડેલકર પરિવારે એકહથ્થુ શાસન ચલાવ્યું છે પરંતુ કોંગ્રેસ-ભાજપની જીત પણ અહીં થતી રહી હોય દરેક પક્ષ ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
કુલ 16 ચૂંટણીઃ દાદરા નગર હવેલીએ ઉદ્યોગોથી ધમધમતો અને વનરાજીથી ઘેરાયેલો આદિવાસી બાહુલ વિસ્તાર છે. 1967થી અહીં લોકસભાની ચૂંટણી યોજાતી રહી છે. પેટા ચૂંટણી સહિત 2024ની લોકસભા સામાન્ય ચૂંટણી 16મી ચૂંટણી છે. 1961માં દાદરા નગર હવેલી આઝાદ થયા બાદ 1967થી 2019 સુધી યોજાયેલી લોકસભાની 14 ચૂંટણીમાં કોંગ્રેસે, સમાજવાદી પાર્ટી, ભાજપ, શિવસેના, અપક્ષ ઉમેદવાર વિજય મેળવતા આવ્યા છે.
11 ઓગસ્ટ 1961 સુધી સ્થાનિક શાસનઃ દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયું હતું. 11 ઓગસ્ટ 1961 સુધી સ્થાનિક જનતાનું શાસન રહ્યું હતું. તે વખતે દિલ્હી સરકાર સાથે મળી સ્થાનિક લોકોએ 15મી ઓગસ્ટ 1961 થી દાદરા નગર હવેલીને ભારત સરકારમાં ભેળવ્યું હતું. આ પ્રદેશને પછાત વિસ્તાર જાહેર કરી રિઝર્વ કોટા હેઠળ લોકસભાની 1 સીટ ફાળવવામાં આવી હતી. સંઘ પ્રદેશના દરજ્જા સાથે દાદરા નગર હવેલીમાં સૌ પ્રથમ સનજીભાઈ ડેલકરને નોમિનેટ સભ્ય તરીકે નિમ્યા હતા.
1980માં કોંગ્રેસના માહલા રામજી પોટલા સાંસદઃ 1967માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં સનજીભાઈ ડેલકર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 1971માં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના રામુભાઈ રવજીભાઈ પટેલ વિજય થયા હતાં. સાંસદની બેઠક માટે ત્યારબાદ 1977માં પણ રામુભાઈ રવજીભાઈ પટેલ ફરી ચૂંટાયા. 1980માં પણ કોંગ્રેસના માહલા રામજી પોટલા સાંસદ બન્યા હતાં. 1984ની ચૂંટણીમાં સીતારામ ગવળી સાંસદ બન્યા. 1989માં મોહનભાઈ ડેલકર અપક્ષ ચૂંટણી લડ્યા અને જીત્યા. જે બાદ સતત 2004 સુધીની દરેક ચૂંટણી મોહન ડેલકર જીતતા રહ્યા અને સાંસદ તરીકેની ગરીમાં જાળવતા રહ્યા. મોહન ડેલકર પ્રથમ ચૂંટણી અપક્ષમાં રહીને જીત્યા હતાં. જ્યારે, 1991ની ચૂંટણી કોંગ્રેસના બેનર હેઠળ જીત્યા હતાં. 1996ની ચૂંટણી કોંગ્રેસમાં રહીને જીત્યા હતાં. 1998ની ચૂંટણી મોહન ડેલકર ભાજપમાં રહીને જીત્યા અને સાંસદપદ જાળવી રાખ્યું, જો કે, 1999માં અપક્ષ ચુંટણી લડ્યા અને જીત્યા તે બાદ 2004ની ચૂંટણી તેમણે પોતે રચેલા BNP ભારતીય નવશક્તિ પાર્ટીના બેનર હેઠળ લડ્યા અને જીત્યા હતા. 1989થી 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ, ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો.
2009 અને 2014માં ભાજપના ઉમેદવાર જીત્યાઃ 2009માં ભાજપે કોંગ્રેસના વિજયરથને બ્રેક લગાવી. 2009માં ભાજપે નટુભાઈ પટેલને ટિકિટ આપી જેની સામે કોંગ્રેસે મોહન ડેલકરને ટિકિટ આપી. આ ચૂંટણીમાં મોહન ડેલકર ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ સામે 618 મતથી મોહન ડેલકરની હાર થઈ. 2014ની ચૂંટણી દરમિયાન પણ ભાજપે નટુભાઈ પટેલને રિપીટ કર્યા તો કોંગ્રેસે પણ મોહન ડેલકરને ટીકીટ આપી આ ચૂંટણીમાં પણ મોહન ડેલકર સામે 6214 મતથી ભાજપમાં નટુભાઈ પટેલ વિજય બન્યા અને 2જી વખત સાંસદ બન્યા. 2019માં મોહન ડેલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું આ વખતે ભાજપે નટુભાઈ પટેલને જ રિપીટ કર્યા જેને મોહન ડેલકરે હરાવી 7મી વખત સાંસદ બની રેકોર્ડ સર્જ્યો. 2019ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર ભાજપના નટુભાઈ પટેલ સામે માત્ર 9001 મતની લીડથી વિજેતા બન્યા હતાં.
કલાબેન ડેલકરની ઐતિહાસિક જીતઃ 7મી વખત સાંસદ બનેલા મોહન ડેલકરે વર્ષ 2021માં અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી એટલે એ જ વર્ષે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. શિવસેનાએ સ્વર્ગીય સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ટિકિટ આપી જેની સામે ભાજપે મહેશ ગાંવીતને, કોંગ્રેસે પ્રભુ ટોકિયા નામના ઉમેદવારોને મેદાને ઉતાર્યા આ પેટા ચૂંટણીમાં 51,269 મતની લીડથી કલાબેન ડેલકરે ઐતિહાસિક જીત મેળવી નવો ઈતિહાસ રચ્યો હતો. જેઓએ આ ચૂંટણી વખતે શિવસેનાને રામરામ કહી ભાજપનો ખેસ ધારણ કરી ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.
સેલવાસ મુખ્ય મથકઃ દાદરા નગર હવેલીમાં સેલવાસ એક માત્ર મુખ્ય શહેર અને પાટનગર છે. સમગ્ર પ્રદેશમાં ઉદ્યોગો હોય મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો સ્થાયી થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. દાદરા નગર હવેલી આદિવાસી બાહુલ વિસ્તાર છે.
દાદરા નગર હવેલીમાં કોકણા, ધોડિયા અને વારલી જાતિનું પ્રભુત્વઃ દાદરા નગર હવેલીમાં કોકણા, ધોડિયા અને વારલી જાતિના મતદારોનું પ્રભુત્વ છે. જેમાં વારલી સમાજના મતદારો સૌથી વધુ છે. આ મતદારો સત્તા માટે નિર્ણાયક મતદારો સાબિત થતા રહ્યા છે. એક તરફ ગ્રામીણ એરીયા છે તો બીજી તરફ શહેરી વિસ્તાર છે. શહેરી વિસ્તારમાં મોટેભાગે પરપ્રાંતિય લોકોની વસ્તી છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટેભાગે સ્થાનિક આદિવાસી સમાજની વસ્તી છે. કુલ 2,77,083 મતદારોમાં છે. જેમાં 1,32,024 મહિલા મતદારો અને 1,45,059 પુરુષ મતદારો છે. એટલે જે પણ ઉમેદવાર બંને તરફના સમાંતર મતદારોનો વિશ્વાસ જીતે છે તે જ ઉમેદવાર તરીકે અહીં વિજેતા બને છે.
- મતદારોના મન સુધી પહોંચવાનું માધ્યમ : સોશિયલ મીડિયા, ચૂંટણી પ્રચારમાં કેવી રીતે થાય છે ઉપયોગ જુઓ... - Lok Sabha Election 2024
- લોકસભા 2024 ચૂંટણી જીતીશું, રાજકોટ ભાજપે પક્ષના સ્થાપના દિને દર્શાવ્યો આત્મવિશ્વાસ - BJP RAJKOT