ચૈતર વસાવાને પ્રચારમાં કદાચ મારી જરુર નહીં હોય (Etv Bharat Gujarat) સુરતઃ આજે ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને સ્વ. અહેમદ પટેલના દીકરી મુમતાજ પટેલ સુરત ખાતે આવ્યા હતા. Etv Bharatએ મુમતાજ પટેલને ચૂંટણી પ્રચાર, ચૈતર વસાવા, વડાપ્રધાન મોદીના કોંગ્રેસ અંગેના નિવેદન વગેરે જેવા મહત્વના મુદ્દે વાતચીત કરી હતી.
કોંગ્રેસ સાથે નારાજગી મુદ્દે જવાબઃ મુમતાજ પટેલે કોંગ્રેસ સાથે નારાજગી અંગેના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે નારાજગી હોત તો હું પ્રચાર માટે ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં ગઈ ન હોત. હું પાર્ટી સાથે છું અને પાર્ટી માટે પ્રચાર કરી રહી છું. કોઈપણ મતભેદ પાર્ટી સાથે નથી. સાથે ગુજરાતમાં કેટલી બેઠક આવશે અંગે તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ભાજપા ગુજરાતમાં હેટ્રિક કરી શકશે નહીં. ગુજરાતમાં કેટલી બેઠક આવશે તે ચાર જૂન ના રોજ લોકોને ખબર પડી જશે.
કોંગ્રેસને મત ન આપવાનું દુઃખઃ તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ગાંધી પરિવાર અને અહમદ પટેલનો પરિવાર કોંગ્રેસને મત આપી શકશે નહીં. આ અંગે પુછતા મુમતાજ પટેલે જણાવ્યું હતું કે, હું ખૂબ જ દુઃખી છું કે પહેલીવાર એવું બનશે કે હું કોંગ્રેસને વોટ કરી શકીશ નહીં. હું પોતે ભરૂચથી આવું છું મારા પિતાએ હંમેશા અમને નાનપણથી શીખવ્યું હતું કે માત્ર કોંગ્રેસને મત આપવાનો છે પરંતુ આ વખતે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે અમે આ વખતે કોંગ્રેસને મત આપી શકીશું નહીં પરંતુ અમારું ગઠબંધન થયું છે જેથી અમારા જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.
ચૈતર વસાવાને મળી નથીઃ પોતાના વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર શા માટે નથી કરી રહ્યા તે પ્રશ્નના જવાબમાં મુમતાજ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી જ્યાં પણ પ્રચાર કરી રહી છું તે લોકોએ મને બોલાવી હતી. હું તે લોકોને સમય આપું છું. રોજે રોજ હું અલગ અલગ શહેરમાં જવું છું. ચૈતર વસાવા મને બોલાવશે તો હું ચોક્કસ જઈશ પરંતુ મારે શેડ્યૂલ જોવું પડશે. અત્યાર સુધી તેમણે મને બોલાવી નથી. તેમની સાથે ગઠબંધનના એક બે દિવસ પહેલા સંપર્ક થયો હતો. તે સમયે હું દિલ્હીમાં હતી અને તેઓ મને મળવા માંગતા હતા. મેં કીધું કે જ્યારે હું આવીશ ત્યારે મળીશ. ત્યારબાદ મારી તેમની સાથે કોઈ વાત થઈ નથી. હું અલગ અલગ શહેરોમાં હતી અને હાલ પણ આપ જોઈ શકો છો કે એક બે દિવસ જ બાકી છે અને કમિટમેન્ટ પ્રમાણે હું અન્ય લોકોએ બોલાવી છે ત્યાં જાઉં છું. કોંગ્રેસ માટે પ્રચાર કરી રહી છું. ભરૂચ માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવીને પ્રચાર કરી રહ્યા છે. જ્યારે હું મારા પાર્ટીના નેતાઓ માટે પ્રચાર કરી રહી છું.
મેનિફેસ્ટોમાં મુસ્લિમ શબ્દ જ નથીઃ વોટ જેહાદ અને મુસ્લિમ રિઝર્વેશન જેવા નિવેદનો પર મુમતાજ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ખુરશીની મર્યાદા નથી રાખી રહ્યા. 10 વર્ષથી તેમની પાસે સરકાર છે. જો તમે વિકાસ કર્યો છે તો તેની વાત કરો. આ લોકો ધર્મના નામે રાજકારણ કરે છે. મેનિફેસ્ટોમાં ક્યાંક પણ મુસ્લિમ શબ્દ નથી. જે ભાજપા અને પીએમ મોદીએ વાંચ્યું નથી. અમે આ જ કારણે મેનિફેસ્ટો વાંચવા માટે કહી રહ્યા છે કારણ કે તેની અંદર દરેક વર્ગના લોકો માટેની વાત કરવામાં આવી છે. ધર્મ સંબંધીત વાત કરવામાં આવી નથી. મેનિફેસ્ટોમાં મુસ્લિમ શબ્દ જ નથી માઈનોરીટી અને પછાત વર્ગની વાત કરવામાં આવી છે.
મુસ્લિમ સમાજ શિક્ષામાં પાછળઃ દેશમાં મુસ્લિમ સમાજની સ્થિતિને લઈ મુમતાજ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષાના મામલે સમાજ પાછળ છે. ગરીબ પરિવારની વાત જ નથી કરતી હું પોતાની વાત કરું છું એક ઈન્ટરવ્યૂમાં મેં કીધું હતું કે હું પોલિટિકલ નેતા અને પરિવારથી આવું છું અમે એક ધર્મથી છીએ આ માટે કોઈ અમને ભાડાથી મકાન આપવા તૈયાર નથી. અમારા જેવા લોકોને જો આવી હાલાકી થતી હોય કારણ કે અમે મુસ્લિમ છીએ તો તમે ગરીબ મુસ્લિમ પરિવાર અંગે વિચારી શકો છો.
ભરુચમાં પ્રચાર કર્યો નથીઃ ત્રીજા ચરણના લોકસભા ચૂંટણીના મતદાન માટે માત્ર ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એ પોતાના સ્ટાર પ્રચારક મુમતાજ પટેલને દક્ષિણ ગુજરાતના નવસારી અને બારડોલી લોકસભા બેઠક પર પ્રચાર કરવા માટે ઉતાર્યા છે. જોકે અત્યાર સુધી મુમતાજ પટેલે પોતાના ભરૂચ લોકસભા બેઠકમાં જ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા માટે પ્રચાર કર્યા નથી.
- GST ટેક્સ અને કોવિશિલ્ડ વેક્સિન મુદ્દે લલિત વસોયાએ કર્યા ભાજપ પર પ્રહાર - Lok Sabha Election 2024
- નિલેશ કુંભાણીના ફોટો સાથે 'ઠગ ઓફ સુરત' લખેલ બેનર્સ લગાડાયા, દિનેશ કાછડીયાનું કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન - Loksabha Electioin 2024