સુરતઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે ગઠબંધન કર્યુ છે. જેના પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આકરા વાકપ્રહાર કર્યા છે. સી. આર. પાટીલે આપ અને કૉંગ્રેસ ગઠબંધનને આંધળા અને લંગડાનું ગઠબંધન ગણાવ્યું છે. પાટીલે ગામડાની એક વાર્તાનો ઉલ્લેખ કરીને સી. આર. પાટીલે કૉંગ્રેસ અને આપના ગઠબંધન પર કટાક્ષ કરવાની તક ઝડપી લીધી હતી. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મુદ્દે પણ સી.આર. પાટીલે નિવેદન આપ્યુ હતું. સી. આર. પાટીલે ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાને નિષ્ફળ અને પરિણામ વિહિન ગણાવી છે.
ભાવનગર અને ભરુચ બેઠકઃ લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે થયેલા ગઠબંધન મુજબ હવે ભાવનગર તેમજ ભરૂચની સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. ગઠબંધનને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, બંને પક્ષ દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે. વર્ષ 2022ની ચૂંટણીમાં 7માંથી 4 વિધાનસભાની બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. હાલ તેઓ આજ ભરૂચ અને ભાવનગર લોકસભા જીતવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બંને બેઠક ભાજપ માટે મજબૂત બેઠક છે. માત્ર 2 બેઠકો પર ચૂંટણી લડવાની આપની તૈયારીઓ બતાવે છે આપની તાકાત કેટલી છે. કૉંગ્રેસે 44 સીટ પર ડિપોઝીટ ગુમાવી હતી. 2022માં વિધાનસભા ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની દરેક લોકસભાની બેઠક 5 લાખ મતોના માર્જિન સાથે જીતવાની તૈયારી રાખે છે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું છે.