ગુજરાત

gujarat

ETV Bharat / state

આદિવાસી મતદારો મતદાનમાં આગળ, જાણો ગત વખતની સરખામણીમાં કયા કેટલું મતદાન - Lok Sabha Electoin 2024

આદિવાસી મતદારો મતદાન કરવામાં અગ્રેસર, જો કે ગત લોકસભા ચૂંટણી કરતાં 4.62 ટકા ઓછું મતદાન, ક્ષત્રિય આંદોલનની કેટલી થશે અસર ? તે જાણો.

Etv BharatTribal voters lead the way in voting
Etv BharatTribal voters lead the way in voting (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 8, 2024, 8:10 PM IST

અમદાવાદ:ગુજરાતમાં ગઈ કાલે ત્રીજા તબક્કામાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી લોકો મતદાન માટે પહોંચ્યા હતા. ગરમીના પ્રકોપની અસર આ વર્ષના મતદાનમાં જોવા મળી. મતદાનના ટ્રેન્ડની વાત કરીએ તો સવારના 11 વાગ્યા સુધીમાં સૌથી વધારે મતદાન જોવા મળ્યું. ત્યારબાદ પાંચ વાગ્યા સુધી ગરમીના કારણે મતદાનમાં ઘટાડો નોંધાયો અને સાંજે તેમાં 2 થી 3 ટકાનો વધારો જોવા મળ્યો. આમ આ વર્ષે અનેક લોકો લગભગ 41 ટકા લોકો મતદાનથી દૂર રહ્યા. અનેક જગ્યાએ ગરમીથી લોકોના બેભાન થવાની ઘટના સામે આવી.

Tribal voters lead the way in voting (etv bharat gujrat)

સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં સરેરાશ 59.49 ટકા મતદાન નોંધાયું. જેમાં સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા બેઠક પર 72.24 ટકા જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલીમાં 49.22 ટકા મતદાન નોંધાયું. આ વર્ષે 2019ની સરખામણીમાં 4.62 ટકા ઓછું મતદાન નોંધાયું.

ગત વખતની સરખામણીમાં કયા કેટલું મતદાન?: અમદાવાદની હાઈ પ્રોફાઈલ ગણાતી ઘાટલોડિયા બેઠક કે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીત મેળવી છે. ત્યાં પણ ઓછું મતદાન નોંધાયું. ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે. જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય ક્ષેત્રને આવરી લે છે.

બેઠકનું નામ 20242019

ઘાટલોડિયા 61.02 67.79

નારણપુરા 55.74 63.60

આદિવાસી વિસ્તારોમાં મતદાનની સ્થિતિ:આદિવાસી વિસ્તારોમાં આ વર્ષે 2019 કરતા ઓછું મતદાન જોવા મળ્યું. પરંતુ ગઈકાલે જે મતદાન થયું એમાં સૌથી વધારે મતદાન આદિવાસી વિસ્તારોમાં મતદાનને લઈને વધારે ઉત્સાહ જોવા મળ્યો અને શહેરી વિસ્તાર કરતા 2.15 લાખ મતદાન વધારે થયું. મહત્વની ગણાતી વલસાડ બેઠક જે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સામે ભાજપના યુવા ઉમેદવાર ધવલ પટેલ ઊભા છે. અનંત પટેલ આદિવાસીઓના મુદ્દાને લઈને લડત આપતા હોય છે. તેઓ આદિવાસીઓ સાથે હંમેશા ઊભા રહેલા જોવા મળે છે. આદિવાસી વિસ્તારોમાં તેમની ખાસી પ્રસિદ્ધિ જોવા મળે છે. એક સિવાય તેમણે તેમના પ્રચારમાં આદિવાસીઓને સંબોધતા પણ જણાવ્યું હતું કે વોટ એમને આપજો કે જેના વિરુદ્ધ તમારે આંદોલન કરવા ન પડે. પરંતુ હવે એક સાંસદ તરીકે લોકોએ તેમને સ્વીકારશે તે તો પરિણામને દિવસે જ ખબર પડશે.

બેઠકનું નામ: 2024 2019

ડેડીયાપાડા: 83.95 85.01

ભરૂચ: 59.49 66.05

ધરમપુર: 78.32 78.96

ડેડિયાપાડામાં સૌથી વધુ મતદાન:ભરૂચ બેઠક પણ આદિવાસી મતદારો છે. જ્યાં ચૈતર વસાવા ભાજપના લડાયક અને 6 વખત સાંસદ બનેલા મનસુખ વસાવાને જોરદાર ટક્કર આપી રહ્યા છે. ભરૂચમાં સમવિષ્ટ વિધાનસભા ડેડિયાપાડામાં સૌથી વધુ મતદાન 83.95 ટકા મતદાન નોંધાયું છે. ધરમપુરમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ચૈતર વસાવાના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.

ન વડાપ્રધાન મોદી આવ્યા કે ન અમિત શાહ:આદિવાસી વિસ્તારોમાં મુખ્યત્વે જલ, જમીન ને જંગલને લઈને સમસ્યાઓ છે. જેને લઈને મોટા પાયે તેને લઈને આંદોલન થતા રહે છે. પાયાની જરૂરિયાતો હજી આ વિસ્તારો સુધી પહોંચી નથી. જેને લઇને અહીં ચૂંટણી લડવા માટે જાતિગત સિવાય અનેક સમીકરણો અહીં કામ કરે છે. જોકે અહીં પ્રચાર કે સભા અર્થે ન વડાપ્રધાન મોદી આવ્યા કે ન અમિત શાહ.

ક્ષત્રિય આંદોલનના અસર વાળી બેઠકો પર કેટલી થશે અસર ?: રાજકોટમાં એક સભામાં પરષોત્તમ રૂપાલાએ આપેલા રાજપૂત વિરોધી નિવેદન બાદ ક્ષત્રિયમાં ભારે રોષ જોવા મળ્યો. જેમની મુખ્ય માંગ એક જ રહી કે - પરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે. પરંતુ છેક સુધી તેમની ટિકિટ યથાવત રહી.

10 વર્ષનું સૌથી ઓછું મતદાન: સૌથી વધુ ક્ષત્રિય મતદારો સુરેન્દ્રનગર, આણંદ , જૂનાગઢ , જામનગરમાં છે અને અહીં જ ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી. હવે ક્ષત્રિયના દબદબાવાળી બેઠકો પર મતદાનની ટકાવારી જોઈએ તો સુરેન્દ્રનગરમાં 10 વર્ષનું સૌથી ઓછું મતદાન નોંધાયું. અમિત ચાવડા જ્યાંથી ઉમેદવાર તરીકે ઊભા છે ત્યાં 70 ટકા ગત વર્ષ જેટલું જ મતદાન નોંધાયું. જ્યાંથી ક્ષત્રિય આંદોલન શરૂ થયું ત્યાં એટલે કે રાજકોટ બેઠક પર 59.60 મતદાન નોંધાયું જે ગત વર્ષની સરખામણીમાં 4 ટકા ઓછું છે.

ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયનો જુવાળ તીવ્ર બન્યો:રાજકોટ બેઠક પર ઉમેદવાર ન બદલાતા એક સમયે ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયનો જુવાળ તીવ્ર બન્યો પરંતુ તેઓ મતદાન કરવા પણ આગળ ન આવ્યા. તે જોતાં એક ચિત્ર સ્પષ્ટ બને કે તેઓએ ભાજપને મતદાન નથી કર્યું પરંતુ ભાજપ વિરોધી 100 ટકા મતદાન કરવાથી પણ દૂર રહ્યા. જેમાં ક્યાંકને ક્યાંક ભાજપને ફાયદો થાય તેવી સંભાવના છે.

એક માત્ર એવી બેઠક કે જ્યાં મતદાન ગત વર્ષની સરખામણીમાં વધ્યું: ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તમામ બેઠકો પર મતદાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ઉત્તર ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક કે જ્યાં 2019ની સરખામણીમાં 4 ટકા મતદાન વધ્યું છે. આ બેઠકની સ્થિતિની પર નજર કરીએ તો આ એજ બેઠક છે જ્યાં બનાસની બેન ગેનીબેન અને બનાસની દીકરી રેખાબેન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. એક બાજુ ગેનીબેન કે જેઓ બે વર્ષથી વાવથી ધારાસભ્ય ચુંટાયા છે. અને અહીં ઠાકોર સમુદાય પર તેમની વધુ પકડ જોવા મળે છે. જ્યારે બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈના પૌત્રી રેખાબેન ચૌધરી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમના પતિ ભાજપમાં વિવિધ હોદ્દાઓ પર કાર્યરત છે. અહીં પ્રિયંકા ગાંધીએ પણ સભાને સંબોધી હતી અને ગેનીબેનને સમર્થન આપવા અપીલ કરી હતી.

સુરત બેઠક બિનહરીફ રહી: આ સિવાય સુરત લોકસભા બેઠક કે જ્યાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બન શક્યા. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા અને તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપના ઉમેવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા સાબિત થયા.

ABOUT THE AUTHOR

...view details