ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Lok Sabha Seat: 2024માં પાટણની પ્રભુતા પર કોનું રહેશે પ્રભુત્વ? ઉમેદવારનો ચહેરો કે રાષ્ટ્રીય મુદ્દો રહેશે હાવી ? - patan lok sabha seat

2024ની લોકસભા ચૂંટણીમાં જે લોકસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસપ્રદ જંગ થઈ શકે તેવી પાટણ લોકસભા બેઠક રાજકીય રીતે મહત્વની બેઠક છે. ઠાકોર અને અનૂસુચિત જાતિ મતદારો વિજેતા નક્કી કરે છે, એવી પાટણ બેઠકના લેખાજોખા જાણીએ...

lok-sabha-election-2024-patan-lok-sabha-seat-patan-rani-ki-vav-world-heritage
lok-sabha-election-2024-patan-lok-sabha-seat-patan-rani-ki-vav-world-heritage

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 11:35 AM IST

Updated : Mar 11, 2024, 7:01 AM IST

અમદાવાદ:રાણકી વાવ જેવી વૈશ્વિક ધરોહરથી પ્રસિદ્ધ થયેલી પાટણ લોકસભા બેઠક પર ઠાકોર- અનુસૂચિત જાતિ - ઓબીસી - ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પાટણ લોકસભા મતક્ષેત્રમાં જ્ઞાતિ સમીકરણ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.

Patan Lok Sabha Seat

ઉત્તર ગુજરાતની ઓછી ચર્ચામાં રહેતી પણ મહત્વની પાટણ બેઠક

ગુજરાતની પુરાતન રાજધાની પાટણ એ રાજ્યમાં સાંસ્કૃતિક, ઐતિહાસિક, શૈક્ષણિક અને રાજકીય રીતે આગવું સ્થાન ધરાવે છે. પાટણ શહેરની રાણકી વાવ આજે વૈશ્વિક મહત્વ ધરાવે છે. દેશની 100નું મૂલ્ય ધરાવતી ચલણી નોટ પર પાટણની રાણકીવાવનું ચિત્રણ છે. પાટણ રાણકીવાવ, સહસ્ત્રલિંગ તળાવ, પટોળા અને પાટણ શહેરની કિલ્લાબંધ અને દરવાજા સાથેના સ્થાપત્યનું કળા અને ઐતિહાસિક મહત્વ અનેરું છે. ઉત્તર ગુજરાતની ઓછી ચર્ચામાં રહેતી પાટણ લોકસભા બેઠક રાજકીય રીતે મહત્વની લોકસભા બેઠક છે. 1967 થી 2009 સુધી પાટણ લોકસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક હતી.

Patan Lok Sabha Seat

બેઠકની ઐતિહાસિક વિગતો દર્શાવે છે કે, અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક પર છેલ્લી પાંચ ચૂંટણીમાં બે વખત કોંગ્રેસ તો ત્રણ વાર ભાજપ જીત્યું છે. ઠાકોર- અનુસૂચિત જાતિ - ઓબીસી - ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પણ લોકસભા ચૂંટણીમાં વિજયનો મદાર ઠાકોર મતદારો છે. પાટણ લોકસભા બેઠક અંતર્ગત જે સાત વિધાનસભા બેઠકો આવે છે એમાં વડગામ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનાત છે જે 2019માં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીએ જીતી છે. એ ઉપરાંતની કાંકરેજ (જિ - બનાસકાંઠા),, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ (જિ - મહેસાણા) આ છ બેઠકો 2019માં ભાજપના ઉમેદવારોએ વિજય પ્રાપ્ત કર્યો છે. 1957થી પાટણ બેઠક પર યોજાયેલી 16 ચૂંટણીઓમાં છ વાર કોંગ્રેસ, છ વાર ભાજપ, એક-એક વખત સ્વતંત્ર પક્ષ, જનતા પક્ષ અને જનતા દળ ચૂંટણી જીત્યા છે.

Patan Lok Sabha Seat

સ્થાનિક મુદ્દા કરતાં રાષ્ટ્રીય મુદ્દે પાટણ લોકસભા બેઠક પર મત પડે છે

ઓબીસી મતદારો અને ઓબીસી કાર્ડ પર લડાતી લોકસભાની ચૂંટણીમાં સામાન્ચ રીતે સ્થાનિક મુદ્દા કરતાં રાષ્ટ્રીય મુદ્દા હાવી રહે છે. આરંભમાં કોંગ્રેસના દબદબા બાદ 1991 બાદ સરેરાશ ભાજપનું બેઠક પર પ્રભુત્વ રહ્યું છે. દેશમાં 1975ની કટોકટીના કારણે સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરોધી માહોલની અસર ત્યાર બાદની 1977ની ચૂંટણીમાં દેખાઇ. 1977માં દેશમાં અને રાજ્યમાં દેશના વિરોધપક્ષોએ સંગઠીત થઈને કોંગ્રેસને પહેલી વાર હરાવી, તો પાટણ લોકસભા બેઠક પર પણ ક્યારે કોંગ્રેસથી પક્ષાંતર કરી જનતા પક્ષમાં આવેલા ખેમચંદ ચાવડા પાટણ લોકસભા ચૂંટણી જીત્યા હતા. 1980માં વિરોધપક્ષો સત્તા ન સંભાળી શકતા 1980ની ચૂંટણીમાં કેન્દ્રમાં કોંગ્રેસ પરત ફરતા કોંગ્રેસના હિરાલાલ પરમાર પાટણ બેઠક જીત્યા હતા.

Patan Lok Sabha Seat

1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં લાગણીના મોજાને કારણે કેન્દ્રમાં રાજીવ ગાંધીએ 404 બેઠકો જીતીને વિક્રમ બનાવ્યો હતો. પાટણ લોકસભા બેઠક પરથી 1984માં પુનમચંદ પરમારે જીત મેળવી હતી. 1989માં બોફોર્સ કાંડના કારણે કોંગ્રેસ આંતરિક રીતે તૂટી, અનેક નેતાઓ બીજા પક્ષમાં ગયા. તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકારમાં નાણામંત્રી રહેલા વિશ્વ પ્રતાપસિંગે જનતાદળ પક્ષની સ્થાપના કરી. કોંગ્રેસ વિરોધીઓ જનતાદળમાં આવી 1989માં વિશ્વ પ્રતાપસિંગના નેતૃત્વમાં કોગ્રેસ વિરોધી સરકાર રચી, ત્યારે પાટણથી ખેમચંદભાઈ ચાવડા વિજયી થયા હતા. 1991 થી 1998 સુધીની સળંગ ત્રણ ચૂંટણી ભાજપ તરફથી ગુજરાતી ફિલ્મ કલાકાર મહેશ કનોડિયા જીત્યા છે, જ્યારે દેશમાં રામમંદિર આંદોલનનો માહોલ હતો. 1999માં કોંગ્રેસના પ્રવિણ રાષ્ટ્રપાલ વિજયી બન્યા હતા. 2009માં યુપીએ સરકારના નરેગા, માહિતી અધિકાર કાયદા સાથે વિકાસ કાર્યક્રમોના કારણે કેન્દ્રમાં કોંગ્રેસ અને પાટણ બેઠક પર જગદીશ ઠાકોર જીત્યા હતા. 2014 અને 2019માં ભાજપના ઉમેદવારો જીત્યા સળંગ જીત્યા છે.

Patan Lok Sabha Seat

સામાન્ય બેઠક બનતા ઠાકોર વિરુદ્ધ ઠાકોર વચ્ચે થાય છે ચૂંટણી જંગ, ભાજપે પણ સામાન્ય બેઠકો પર ઉમેદવારો બદલવા પડ્યા

પાટણ લોકસભા મતક્ષેત્રમાં જ્ઞાતિ સમીકરણ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. પાટણ બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર જ્ઞાતિના છે, જે ઓબીસી કેટેગરીમાં આવે છે. દેશમાં ઓબીસી મુદ્દા, આંદોલન અને ઓબીસી રાજકારણની અસર પાટણ લોકસભા બેઠક પરના મતદારો પર પડતી રહે છે. પાટણ લોકસભા બેઠક આરંભની ત્રણ ચૂંટણી બાદ 1967માં અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત જાહેર થઈ હતી, જે 2009માં બેઠક નવા સીમાંકન બાદ સામાન્ય બેઠકમાં સમાવેશ થાય છે.

સામાન્ય બેઠક જાહેર થયા બાદની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોર ઉમેદવાર જગદીશ ઠાકોરે ભાજપના ઠાકોર ઉમેદવાર ભાવસિંહ રાઠોડને માત્ર 18,054 મતે હરાવ્યા હતા. 2009માં ઠાકોર વિરુદ્ધ ઠાકોર ચૂંટણી જંગ રસપ્રદ રહ્યો હતો. 2009માં કોંગ્રેસે જગદીશ ઠાકોરને તો ભાજપે ભાવસિંહ રાઠોડને ચૂંટણીમાં ઉતાર્યા. જગદીશ ઠાકોરને 283772 મત પ્રાપ્ત થયા તો ભાવસિંહ રાઠોડને 265271 મત પ્રાપ્ત થયા. જેમાં જગદીશ ઠાકોરે 18054 મતે વિજય પ્રાપ્ત કર્યો. 2014 પહેલા ભાવસિંહ રાઠોડ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. 2014માં ભાજપે 83 વર્ષના લીલાધર વાધેલાને તો કોંગ્રેસે ભાવસિંહ રાઠોડને મેદાને ઉતાર્યા. જેમાં લીલાધર વાધેલાનો 138719 વિજય થયો. 2014માં મોદી લહેરમાં ભાજપના લીલાધર વાઘેલા જીત્યા, તો 2019માં ભાજપે ભરતસિંહ ડાભીને ચૂંટણીમાં કોંગ્રેસના ઠાકોર ઉમેદવાર અને 2009ના સાંસદ જગદીશ ઠાકોરને ચૂંટણીમાં ઉતાર્યા. 2019માં ભરતસિંહ ડાભીનો વિજય 1,93,879 મતે થયો હતો. પાટણ બેઠક સામાન્ય બનતા હવે ચૂંટણી જંગ ઠાકોર વિરુદ્ધ ઠાકોરનો રહે છે.

Patan Lok Sabha Seat

2024માં ભાજપે ભરતસિંહ પર મૂક્યો ભરોસો, તો કોંગ્રેસને ઉતારવો પડશે નવો ચહેરો:

વર્ષ-2014ની લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધન થતા હવે એક સામે એક ઉમેદવારોનો જંગ રહેશે.ભરતસિંહ ડાભીને જ્ઞાતિ સમીકરણોને આધારે 2024ની ચૂંટણી માટે ભાજપે રિપિટ કરીને સૌને ચોંકાવ્યા છે. કોંગ્રેસે ઓબીસી સમાજના ઠાકોર જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ આપવી પડશે. કોંગ્રેસ પાસે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીની સાંસદ તરીકેની નબળી કામગીરી, પાણીના પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોનો અસંતોષ જેવા મુદ્દા છે. તો ભાજપ પાસે રામ મંદિર નિર્માણ, હિંદુત્વ, ઓબીસી અનામત, નરેન્દ્ર મોદીનો ચહેરો, વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના સહિત વિકાસના મુદ્દાઓ હાથવગા છે. 2024માં ભાજપ અને કોંગ્રેસે નવા ચહેરા ઉતારશે ત્યારે જૂના ઉમેદવારોની મર્યાદાને ભૂલી મતદારો પોતાના સમાજને મળી શકે તેવા અનામત લાભ, સમાજનું પ્રતિનિધિત્વ, રાષ્ટ્રીય મુદ્દા, મોદી ગેરંટીને ધ્યાને રાખશે. સામાન્ય રીતે પક્ષને ધ્યાને રાખી મતદારો પાટણ લોકસભા બેઠકને જીતાડતા હોય છે, ત્યારે 2024 માટે બંને પક્ષ માટે મતદારોને પોતાના તરફી આકર્ષવાની તક છે. કોંગ્રેસ પાસે રાજ્યમાં જે બેઠક પર સારું પ્રદર્શન કરી શકવાની તક છે એ પૈકીની સૌથી અગ્રક્રમની પાટણની બેઠક છે. 2024માં ઉમેદવારોના ચહેરા કરતાં જ્ઞાતિનું પીઠબળ અને રાષ્ટ્રીય મુદ્દા હાવી રહેશે એવું હાલ જણાઈ રહ્યું છે.

  1. Dahod Lok Sabha Seat: દાહોદ બેઠક પર 2024ના ચૂંટણી પરિણામને અપક્ષો કરી શકે છે પ્રભાવિત
  2. Sabarkantha Lok Sabha Seat: સાબરકાંઠા બેઠક પર OBC કાર્ડ ચાલશે કે આદિવાસી ?
Last Updated : Mar 11, 2024, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details