ગાંધીનગર : ગરમીને કારણે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. વધતું જતું તાપમાન ગુજરાતમાં સાત મેના રોજ આયોજિત ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા સામે સૌથી મોટો પડકાર છે. રાજકીય પક્ષના કાર્યકરોએ મતદાતાઓને ઘરની બહાર કાઢવા માટે ખૂબ પરસેવો પાડવો પડશે. ગરમીના કારણે મતદારો માટે મતદાન મથકે ઠંડુ પાણી, પંખા વાળો રૂમ, છાયડો, પ્રાથમિક આરોગ્યની વ્યવસ્થા ઉભી કરવા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. ચૂંટણી પંચે આ માંગણીનો સ્વીકાર કરતા ચૂંટણી મથકે ઉપરોક્ત તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
સખત ગરમીમાં મતદાન થશે: આ વખતની લોકસભા ચૂંટણી ઉનાળાના સમયમાં આવી છે. ઉનાળાની ગરમીમાં લોકોને મતદાન માટે ઘરની બહાર કાઢવા રાજકીય પાર્ટીના કાર્યકરોને પરસેવો વળી જશે. વધુ મતદાન થાય અને લોકોને મતદાન મથકે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્રએ કમર કસી છે. મતદારોને મતદાન મથકે કોઈ તકલીફ ન પડે તે માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.
સી આર પાટીલે શું લખ્યું:પત્રમાં મતદાન મથકે તાપમાં ઊભું ન રહેવું પડે તે માટે છાયડાની વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. દરેક મતદાન મથકે ઠંડા પાણીની સગવડ કરવાનું લખ્યું હતું. ઉપરાંત ઉંમરલાયક મતદાતાને બેસવા માટે પંખાની સગવડવાળી રૂમ મળી રહે તે માટે વિનંતી કરી હતી. કોઈ મતદાતાને તાપને કારણે ડીહાઈડ્રેશન થાય તો ઓ.આર.એસ. સહિતની પ્રાથમિક સારવાર મતદાન મથકે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી સી. આર. પાટીલે કરી હતી.
29 એપ્રિલ લખ્યો હતો પત્ર : આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે 29 એપ્રિલના રોજ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. આજે ચૂંટણી પંચે સી આર પાટીલના પત્રનો પ્રત્યુતર આપતા જણાવ્યું છે કે તમામ માંગણીઓ મંજૂર કરવામાં આવી છે. દરેક મતદાન મથક પર છાયડો, પંખા, પીવાના પાણીની અને પ્રાથમિક આરોગ્યની વ્યવસ્થાકરવામાં આવશે. ભાજપ મતદાન સતત વધે તે માટે પ્રયત્નશીલ છે. મતદાનના દિવસે તમામ મતદાન મથકે ઉપરોક્ત વ્યવસ્થા થઈ કે નહીં તે જોવું રહ્યું.
- કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈના કાનમાં પાટીલે શું કહ્યું ? બાબત બની ચર્ચાનો વિષય - Lok Sabha Election 2024
- કાળઝાળ ગરમી વચ્ચે દાહોદ જિલ્લામાં ભારે વરસાદ, લોકોને 'ગરમી મે ઠંડી કા અહેસાસ' - Rain In Dahod