તાપી : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ બેઠકના સાંસદ પ્રભુભાઈ વસાવાને ફરી ત્રીજીવાર ભાજપે રિપીટ કર્યા છે તો કોંગ્રેસે નવો યુવા ચહેરો સિધ્ધાર્થ અમરસિંહ ચૌધરીને આ બેઠકથી મેદાને ઉતાર્યો છે. સાત વિધાનસભાનો સમાવેશ ધરાવતી 23-બારડોલી લોકસભા બેઠકમાં 20,48,408 મતદારો નોંધાયા છે, જેમાં 10,42,126 પુરુષ મતદારો જયારે 10,07,263 સ્ત્રી મતદારો નોંધાયા છે.
મતદારોનું ગણિત : મતદારોમાં ગામીત, ચૌધરી, વસાવા, હળપતિ, ઢોડિયા , વડવી,કોકણી જેવી આદિવાસી સમાજની વસ્તી લગભગ 65 થી 70 ટકા જેટલી છે. સાથે એસસી અને અન્ય વર્ગના લોકો આ બેઠકમાં વસે છે. આદિવાસીબહુલ વસતી ધરાવતી આ બેઠકના બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીમાંથી સાંસદ રહી ચૂકેલા પ્રભુભાઈ વસાવા છે.
બે જિલ્લામાં વહેંચાયેલી બેઠક : 23 બારડોલી લોકસભા સીટ એ બે જિલ્લામાં વહેંચાયેલી છે. સુરત અને તાપી જિલ્લાનો મત વિસ્તાર બારડોલી લોકસભાને લાગે છે. બારડોલી લોકસભામાં કુલ 7 વિધાનસભાઓની સીટો આવેલી છે. જેમાં સુરત જિલ્લામાં કામરેજ, બારડોલી, માંગરોળ, માંડવી અને મહુવા જયારે તાપી જિલ્લામાં વ્યારા અને નિઝર વિધાનસભાની સીટોનો સમાવેશ થાય છે.
ગત ચૂંટણીઓનું પરિણામ : બારડોલી લોકસભામાં 2014માં ભાજપના પ્રભુભાઈ વસાવાને કુલ 6,22,769 મતો મળ્યા હતા. જયારે કોંગ્રસના ડો તુષારભાઈ ચૌધરીને 4,98,885 મતો મળ્યા હતા. આમ બારડોલી લોકસભા સીટ પરથી પરભુભાઈ વસાવા 1,23,884 મતે વિજેતા થયા હતા. તે જ રીતે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ પ્રભુભાઈ વસાવાની જીત થઈ હતી, જેમાં ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા પ્રભુ વસાવાને 7,42,273 મતો મળ્યા હતાં. જયારે કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડી રહેલા ડો.તુષાર ચૌધરીને 5,26,826 મતો મળતાં પ્રભુભાઈ વસાવાની 2,15,447 મતે ભવ્ય વિજય થયો હતો.
કોંગ્રેસ ઉમેદવારનો પરિચય : ઉમેદ કોંગ્રેસનાં ઉમેદવાર સિધ્ધાર્થ અમરસિંહ ચૌધરી બીઈ મેકેનિકલ ઇંજિનિયર સાથે એમબીએનો અભ્યાસ કર્યો છે. તેઓ પૂર્વ સાંસદ રહી ચૂકેલા અમરસિંહ ઝેડ ચૌધરીના પુત્ર છે. અમરસિંહ ઝેડ ચૌધરી જેતે સમયે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા અમરસિંહ ચૌધરીને 1990ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણીમાં વ્યારા બેઠકથી હરાવ્યા હતાં.
સહકારી સંસ્થા સાથે સંકળાયેલા ઉમેદવાર : હાલના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ વ્યારા ખેડૂત સહકારી જિન, સુમુલ ડેરી , ગુજરાત ખેત વિકાસ પરિષદ, વ્યારા એપીએમસી જેવી કેટલીય સહકારી સંસ્થા સાથે સંકળાયેલા છે. તેઓ 2018 થી 2020 ના સમયગાળા દરમ્યાન વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતાં અને 2010 થી 2015 સુધી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ યુથ કોંગ્રેસ સાથે પણ ઘણા સમયથી સંકળાયેલ છે. હાલ તેઓ 2021થી તાપી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે કાર્ય કરી રહ્યા છે.
વિસ્તારની અપેક્ષાઓ : ગ્રામીણ વિસ્તારમાંની વાત કરીયે તો અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. સાથે તાપી જિલ્લાની વાત કરીએ તો અહીં કોઈ મોટા ઉદ્યોગ કે જીઆઇડીસી નહીં હોવાને કારણે અહીંના યુવાઓ અને સ્થાનિક લોકોને રોજગારી માટે સુરત તેમજ અન્ય શહેરો તરફ રોજગારી માટે જવું પડે છે. ખાસ કરીને ગ્રામીણ યુવા લોકોની માંગ છે કે, ગ્રામીણ વિસ્તારમાં કોઈ જીઆઇડીસી કે કોઈ મોટા ઉદ્યોગની શરૂઆત થાય જેથી તાપી જિલ્લાના યુવા બેરોજગારોએ સુરત જેવા શહેરો તરફ રોજગારી માટે ન જવું પડે. સાંસદની કામગીરી અંગે લોકોના મંતવ્ય જાણતાં લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
હાલના સાંસદે વિકાસકાર્યોમાં પૂરી ગ્રાન્ટ ખર્ચી : બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાની પોતાના મતવિસ્તારની કામગીરીની વાત કરીયે તો સાંસદ દ્વારા સુરત જિલ્લમાં રેલવે ઓવરબ્રિજની કામગીરી તેમજ બારડોલીમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત તેમજ અંતરિયાળ વિસ્તારમાં રસ્તા પુલો, પેવર બ્લોક, આરોગ્યલક્ષી સાધનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, સ્માર્ટ ક્લાસના ઓરડા, એર પ્યુરિફાયર ટાવર, શૈક્ષણિક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓમાં બાંધકામ , પાણી ટેન્કરો, બસ સ્ટેન્ડ વગેરે વિકાસકાર્યોમાં બીજી ટર્મમાં આવેલ સંસદની સાડાબાર કરોડની પુરી ગ્રાન્ટ ખર્ચી હતી.
વિસ્તારના મુદ્દાઓ