9 વર્ષમાં સુરત જિલ્લામાં દીપડા અઢી ગણા વધ્યા સુરત :વર્ષ 2016 ની સરખામણીમાં વર્ષ 2024 માં સુરત જિલ્લામાં દીપડાની સંખ્યા લગભગ અઢી ગણી વધી છે. જેની સીધી અસર સુરત જિલ્લાના ચાર તાલુકાઓમાં પણ જોવા મળી રહી છે. એક વર્ષમાં 107 જેટલા પશુઓ પર દીપડાના હુમલા થયા છે. જેને ધ્યાનમાં રાખી હવે વન વિભાગ સુરત જિલ્લાના માંડવીમાં બ્રીડિંગ સેન્ટર અને રેસ્ક્યુ સેન્ટર બનાવવા જઈ રહી છે. એટલું જ નહીં તમામ 107 જેટલા દીપડાઓ પર મોનીટરીંગ કરવા માટે હવે રેડિયો કોલર લગાડવામાં આવશે, જેના થકી દીપડાની પલ પલની મૂવમેન્ટ પર નજર રાખી શકાય.
દક્ષિણ ગુજરાતમાં દીપડાનો વિસ્તાર :દક્ષિણ ગુજરાતમાં એવા તમામ સ્થળ કે જ્યાં પહેલા દીપડા જોવા મળતા ન હતા, ત્યાં હાલ દીપડાની અવરજવર વધી છે. ખાસ કરીને જ્યારે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો અર્બન વિસ્તાર ગણાતા કામરેજ, પલસાણા, હજીરા અને જહાંગીરપુરા જેવા શહેરી વિસ્તારમાં પણ દીપડા લટાર મારતા જોવા મળે છે. જેની પાછળનું મુખ્ય કારણ છેલ્લા કેટલાક વર્ષોમાં દીપડાની સંખ્યામાં થયેલો નોંધપાત્ર વધારો છે.
સુરત જિલ્લામાં દીપડાના હુમલા :માત્ર સુરત જિલ્લામાં જ હાલના દિવસોમાં 104 જેટલા દીપડા છે. એક વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલાની 24 જેટલી ઘટનાઓ બની છે, જ્યારે કેટલ એટેકની ઘટના 107 જેટલી છે. અનેકવાર દીપડા ગામડાઓમાં આવી જાય છે અને લોકો પર હુમલો પણ કરે છે. આ સાથે પશુઓ પર હુમલાની વાત કરવામાં આવે તો એક વર્ષ પહેલા જ્યારે માત્ર 21 કેટલ અટેકની ઘટના બની હતી, તે હવે વધીને 107 થઈ ગઈ છે. લોકો અને દીપડા વચ્ચે ઘર્ષણ ન થાય આ માટે હવે વન વિભાગ પણ એલર્ટ છે.
દક્ષિણ ગુજરાત દીપડાને અનુકૂળ :દક્ષિણ ગુજરાત દીપડાઓ માટે ખૂબ જ અનુકૂળ છે, કારણ કે અહીં સહેલાઈથી પાણી-આહાર સહિતની વ્યવસ્થા મળી જતી હોય છે. તેની પાછળનું મુખ્ય કારણ અહીંનો મુખ્ય શેરડીનો પાક છે. આજ કારણ છે કે અહીં દીપડાની સંખ્યામાં સતત વધારો પણ નોંધાઈ રહ્યો છે.
વન વિભાગ એલર્ટ :DFO આનંદકુમારે જણાવ્યું હતું કે, હાલ સુરત જિલ્લામાં દીપડાની સંખ્યા 104 છે. વર્ષ 2016માં સુરત જિલ્લામાં દીપડાની સંખ્યા 40 જેટલી હતી એટલે આશરે ત્રણ ગણા દીપડાની સંખ્યા વધી છે. સુરત જિલ્લામાં વાત કરવામાં આવે તો ચાર તાલુકાઓ દીપડા માટે સેન્સિટીવ ગણવામાં આવે છે. જેમાં માંડવી, માંગરોળ, મહુવા અને ઉમરપાડા સામેલ છે. આ વિસ્તારમાં દીપડાની મુવમેન્ટ સૌથી વધારે છે. આ વિસ્તારમાં કેટલ એટેકની ઘટના સૌથી વધારે જોવા મળે છે.
વન વિભાગનો એક્શન પ્લાન :આ વિસ્તારોને ધ્યાનમાં રાખી લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર પણ બનાવી રહ્યા છે. આ સાથે માંડવીમાં બ્રિડિંગ સેન્ટર પણ બનાવવામાં આવશે. આશરે 31 જેટલા હરણ અમે સકરબાગથી લઈને આવીશું જેથી આહારની વ્યવસ્થા તેમને મળી રહે. આ સાથે રેડિયો કોલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે, જે તમામ દીપડાને લગાડવામાં આવશે અને તેની મુવમેન્ટ અંગે મોનીટરીંગ કરવામાં આવશે.
લોકજાગૃતિ કાર્યક્રમ :DFO આનંદકુમારે વધુમાં જણાવ્યું હતું કે, અમે દરેક રેન્જમાં લેપર્ડ રેસ્ક્યુ ટીમ છે. કુલ 35 જેટલા પિંજરા સાથે રાખવામાં આવશે. અમે ત્રણ મહિનામાં જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં મુલાકાત લઈએ છીએ અને લોકોને જાગૃત પણ કરીએ છીએ. લેપર્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે જેઓ જાગૃતિ પ્રચાર-પ્રસાર કરે છે. અલગ અલગ તાલુકાથી અત્યાર સુધી 23 જેટલા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
- Surat Leopard Attack : માંગરોળ તાલુકામાં બાળકને મોતને ઘાટ ઉતારનાર દીપડો પાંજરે પુરાયો
- Surat Leopard Attack : અમલસાડી ગામે આંટાફેરા મારતો દીપડો આખરે મારણની લાલચે પાંજરે પુરાયો