નવસારી: વાંસદાના આંબાબારી ગામે કુદરતી હાજતે ગયેલા 6 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કરતા નજીકમાં રહેલા પિતાએ દીપડા પર તરાપ મારી હિંમતપૂર્વક સામનો કરી બાળકને દીપડાથી હેમખેમ બચાવ્યો હતો. હાલ બાળકને વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. બાળકને ગાલ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે દીપડાના હુમલાની ઘટના સામે આવતા જ નેશનલ પાર્ક તેમજ વાંસદા વન વિભાગના અધિકારીઓ દોડતા થયા છે, સાથે જ ગામમાં દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.
વન્ય જીવો માનવ વસ્તીમાં પ્રવેશ્યા: નવસારી જિલ્લામાં આવેલા ચીખલી તાલુકો અને વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ભરપૂર છે. આ વિસ્તારમાં સમયાંતરે હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં કે જાહેર માર્ગો પર લટાર મારતા હોય એવા દ્રશ્યો સમાંતરે કેમેરામાં કેદ થતા હોય છે. હાલ તો જંગલોના નિકંદનને કારણે વન્યજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાં વિશાળ જંગલ વિસ્તાર હોય પરંતુ પાણી અને ખોરાકના અભાવે ત્યાંથી દીપડા જેવા હિંસક પ્રાણીઓ નવસારીના પૂર્વ પટ્ટીના વિસ્તારો વાસંદા અને ચીખલી જેવા વિસ્તારો તેઓને માફક આવી રહ્યા છે.
વાંસદામાં આંબાબારી ગામે છ વર્ષીય બાળક પર દીપડાનો હુમલો (Etv Bharat Gujarat) કારણ કે અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરતા હોય છે જે દીપડાઓને આશ્રય સ્થાન માટે માફક આવી ગયા છે, તો બીજી તરફ ખેતરોમાં વસતા ભૂંડો અને શેરીઓના રખડતાં શ્વાન તેમજ પાણી જેવી જરૂરિયાતો અહીંથી ઉપલબ્ધ થતા દીપડાઓ નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મોટી સંખ્યામાં પોતાનું આશ્રય સ્થાન બનાવી રહ્યા છે. જેને લઈને દીપડાઓ અને મનુષ્યનો ઘણીવાર આમનો સામનો પણ થઈ જતો હોય છે. જેમાં દીપડાઓ મનુષ્ય પર હુમલા કર્યા હોય તેવા કિસ્સાઓ પણ ભૂતકાળમાં સામે આવ્યા છે.
ગત સપ્ટેમ્બર મહિનામાં બે બાળકીઓ અને ઓક્ટોબર મહિનામાં એક યુવાન ઉપર દીપડાએ કરેલા હુમલા સાથે વાંસદા તાલુકામાં ત્રણ મહિનાઓમાં દીપડાનાં હુમલાનો ભોગ બનેલા લોકોની સંખ્યા 4 પર પહોંચી છે.
છ વર્ષીય બાળક પર દીપડાનો હુમલો: નવસારીના વાંસદા તાલુકાના વાંસદા નેશનલ પાર્કને અડીને આવેલા આંબાબારી ગામના નિશાળ ફળિયામાં રહેતા મહેશભાઈ ચૌહાણનો 6 વર્ષીય પુત્ર દીક્ષિત ઘરના વાડામાં કુદરતી હાજતે ગયો હતો. તે દરમિયાન અચાનક નેશનલ પાર્કની દીવાલ કુદીને આવેલા દીપડાએ બાળકને પોતાનો શિકાર બનાવાનો પ્રયાસ કરી, તેના ઉપર હુમલો કર્યો હતો. બાળકની બુમ સાંભળીને ઘર નજીક જ કામ કરી રહેલા પિતા મહેશ ચૌહાણ દોડીને પોતાના લાડલા તરફ ભાગ્યા અને તેમણે જોર જોરથી બુમો પાડવા સાથે દીપડાના સકંજામાંથી બાળકને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દીપડો બાળકને છોડીને નેશનલ પાર્કમાં ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા દીક્ષિતને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેને જમણા ગાલ, ગળા અને માથામાં દીપડાનાં નખને કારણે ગંભીર ઈજા હોવાથી ટાંકા લેવા સાથે ડ્રેસિંગ કરવામાં આવ્યુ હતું.
વન વિભાગના અધિકારીઓએ બાળકની મુલાકાત લીધી: બીજી તરફ ઘટનાની જાણ થતા જ વાંસદા નેશનલ પાર્ક સહીત વાંસદા પૂર્વ વન વિભાગના અધિકારીઓએ હોસ્પિટલમાં ઘાયલ બાળકની મુલાકાત લઇ, તેના ખબર અંતર જાણ્યા હતા. સાથે જ આંબાબારી ગામની મુલાકાત લઇ, દીપડો ક્યાંથી આવ્યો હશે, કેવી રીતે હુમલો કર્યો એ વિષેની માહિતી મેળવી, દીપડાના જ્યાંથી આંટાફેરા રહે છે એ સ્થળે તેમજ બાળકના ઘર નજીક એમ અલગ અલગ સ્થળોએ 4 પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
દીપડાઓ ખોરાકની શોધમાં ગામોમાં પ્રવેશ્યા: થોડા મહિનાઓ પહેલાં ચીખલીના સુરખાઈ ગામે ગરીબ કલ્યાણ મેળામાં હાજર રહેલા વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલને દિપડાના હુમલા વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે,'દિપડાઓ માનવ વસ્તી તરફ શિકારની શોધમાં આવી જતા હોવાની વાત માની હતી. જેથી વન વિભાગને દીપડાને પકડવા માટેના વધુ પાંજરાઓ આપવાની તૈયારી દર્શાવી હતી. સાથે દીપડાઓને જંગલમાં જ તેમનો ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.' જેની સાથે દીપડાઓને ટ્રેસ કરવા માટે તેમને પકડ્યા બાદ તેમની પૂંછડીમાં ચીપ લગાવવામાં આવતી હોય છે, તેથી દીપડો પકડાય ત્યારે ખબર પડે કે અગાડી તે પકડાઈ ચૂક્યો છે કે કેમ? આ સાથે જ સામાજિક વનીકરણ વિભાગમાં સ્ટાફ લેવાની તેમજ વન વિભાગની જરૂરી સાધનો રજૂઆત કરી આપવા પણ તેમણે તૈયારી દર્શાવી હતી. પરંતુ હાલ જે પ્રમાણે દીપડાનો હુમલો ફરીવાર માસુમ બાળક પર થયો છે જે ઘણી ગંભીર ઘટના છે મંત્રીએ દર્શાવેલ તૈયારી બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી હાલ તો સમયની માંગ ઉઠી છે.
આ પણ વાંચો:
- દીપડા સામે માતા બની 'સિંહણ', 7 વર્ષની દિકરીને બચાવવા દીપડા સામે બાથ ભીડી
- ઘોડિયામાં સુતેલી બાળકી પર દીપડાનો હુમલો, જામજોધપુરના સમાણા ગામની ઘટના - leopard attacked the child