ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના વાગડમાં એક જ રાતમાં 11 મંદિરમાં ચોરીનો બનાવ, તસ્કરો હાર, ત્રિશુળ, મુગટ સહિતના દાગીના લઈ ગયા

કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકાના ચિત્રોડ અને જેઠાસરી ગામમાં ચોરોએ 11 મંદિરમાંથી કુલ 97,000 ની માલમતાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો
મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 4:15 PM IST

કચ્છ: વાગડ વિસ્તારમાં મંદિરમાં થયેલ સામૂહિક ચોરી મામલે વધુ માહિતી સામે આવી રહી છે. જેમાં ચોરોએ 11 મંદિરમાંથી 97000ની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તો પૂર્વ કચ્છ એસપીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સામુહિક ચોરી દરમિયાન વિવિધ મંદિરોના તાળા તોડી તેમાંથી ચાંદીના મુગટ, ચાંદીના છત્તર, સોનાનો ચાંદલો, ચાંદીની ગાય, ચાંદીનો હાર, ચાંદીના કમળનું ફૂલ, ત્રિશુલ વગેરેની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ સામૂહિક ચોરીના પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ છે.

વાગડ વિસ્તારના 11 મંદિરમાં ચોરીની ફરિયાદ
બે દિવસ પહેલા કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકાના ચિત્રોડ અને જેઠાસરી ગામમાં ચોરોએ 11 મંદિરમાંથી કુલ 97,000 ની માલમતાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ચિત્રોડ ગામના ચોરી બનાવ અંગે ફરિયાદી વસંત પ્રજાપતિએ ગાગોદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેમાં 6 નવેમ્બરના સાંજથી 7 નવેમ્બરના સવાર દરમિયાન ચોરોએ મંદિરમાં સામૂહિક ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.

11 મંદિરમાં ચોરીની ઘટના (ETV Bharat Gujarat)

વિવિધ મંદિરોમાં થયેલ ચોરી
ચિત્રોડ ગામના પ્રજાપતિ સમાજના ચામુંડા માતાના મંદિરના તાળા તોડી તેમાંથી 1 ચાંદીનો મુગટ, 15 ચાંદીના છત્તર સહિતની વસ્તુ મળીને કુલ 17,000 ની ચોરી કરી હતી. તો પટેલ સમાજના ઈશ્વરીય માતાજીના મંદિરમાંથી ચોરોએ ચાંદીનું નાળિયેર, ચાંદીનું છત્તર, સોનાનો ચાંદલો, સોનાનો હિરો તથા જતરારા પરિવારના બહુચરાજી માતાના મંદિરમાંથી ચાંદીનો કૂકડો, ચાંદીનો મુગટ, રામ મંદિરમાંથી ચાંદીના બે મુગટ, ચાંદીની ગાય, ચાંદીની સાંઢણી, સિદ્ધિ માતાના મંદિરમાંથી નાના ચાંદીના છત્તર, સોનાના ચાંદલા, રવેચી માતાના મંદિરમાંથી ચાંદીનો હાર, નાના-મોટા ચાંદીના કમળનું ફૂલ, ચાંદીનું ત્રિશુળ, ચાંદીનો મુગટ, મોમાઈ માતાના મંદિરમાંથી ચાંદીની 20 સાંઢણીની ચોરી કરવામાં આવી હતી.

પોલીસે આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી (ETV Bharat Gujarat)

સામુહિક ચોરીની ઘટના
જેઠાસરીવાંઢમાં રબારી સમાજના મોમાઈ માતાના મંદિરમાંથી 10 જેટલા ચાંદીના છત્તર, 4 સાંઢણી, રોકડ રકમ તથા ગોગા મહારાજના મંદિરમાંથી 8000 રૂપિયા રોકડા તેમજ આઈ દેવ માતાના મંદિરમાંથી ચાંદીનો ચાંદલો, ચાંદીની જીભ, ચાંદીનું નાક, ચાંદીનું છત્તર એમ મળી કુલ 11 મંદિરોમાંથી ચોરોએ 97,000 રૂપિયાની કિંમતની સામૂહિક ચોરી કરી હતી.

ગાગોદર પોલીસે ચોરોને પાકડવા ચક્રો ગતિમાન કર્યા
સામુહિક ચોરીના બનાવના પગલે વાગડ વિસ્તારના ગામોમાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી પ્રસરી હતી. તો 11 જેટલા મંદિરમાં ચોરીના બનાવ બનતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે પણ સ્થાનિકે જઈને મુલાકાત લીધી હતી અને પોલીસના સ્ટાફને ઝડપી તપાસ કરવા માટે સૂચના આપી હતી. ગાગોદર પોલીસે ચોરોને પકડી પાડવા માટે વધુ શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. જૂનાગઢના ઉપરકોટમાં જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી, શું છે ઇતિહાસ જાણો?
  2. મકાઈનો દાણો બન્યો જીવલેણ ! નાના બાળકોના માતા-પિતા માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો

ABOUT THE AUTHOR

...view details