કચ્છ : પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજ્યનું વાતાવરણ ગરમાયું છે. ત્યારે કચ્છના રાજવી પરિવારની પ્રતિક્રિયા સામે આવી છે. કચ્છના રાજવી પરિવારના મોભી મહારાણી પ્રીતિદેવીએ એક પ્રેસનોટના માધ્યમથી જણાવ્યું હતું કે, તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન રાજપૂત ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ માટે અને જ્ઞાતિ માટે કરવામાં આવ્યું હતું, તે ખૂબ જ નિંદનીય છે અને કોઈ પણ સંજોગોમાં સ્વીકૃત કરી શકાય નહીં.
મહારાણી પ્રીતિદેવીની પ્રતિક્રિયા :પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને મહારાણી પ્રીતિદેવીએ નિંદનીય અને ક્ષમા આપી ન શકાય તેવું અક્ષમ્ય ગણાવ્યું છે. રાજ પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસનોટમાં પ્રીતિદેવીએ જણાવ્યું છે કે, રૂપાલાના વિવાદિત નિવેદનને તેઓ જ્ઞાતિના પ્રતિનિધિ તરીકે સખ્ત શબ્દોમાં વખોડે છે અને તેનાથી તેમને ઠેસ પહોંચી છે.
ભાજપ પર મૂક્યો વિશ્વાસ :રાષ્ટ્રભૂમિ માટે સમગ્ર રાજપૂત જ્ઞાતિ સાથે રાજપૂત ક્ષત્રિયોની બહેન-દીકરીઓ સહિત સૌનું યોગદાન ઐતિહાસિક છે. ભારત રાષ્ટ્રના નિર્માણમાં રાજા-રજવાડાઓનું પણ યોગદાન રહ્યું છે તે સૌ કોઈ જાણે છે. મહારાણીનું સમર્થન ભારતીય જનતા પાર્ટી સાથે છે, પરંતુ જ્ઞાતિની બાબતમાં જ્ઞાતિ વિરુદ્ધ ઉચ્ચારણ અક્ષમ્ય છે. જેને હું મારી જ્ઞાતિના પ્રતિનિધિ તરીકે સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. આ મારો વ્યક્તિગત મંતવ્ય છે. મારી નિષ્ઠા મારી રાજપૂત ક્ષત્રિય જ્ઞાતિ સાથે છે. તેને આવા નિવેદનથી ખૂબ જ ઠેસ પહોંચી છે. આવા શબ્દોથી હું ખૂબ જ દુઃખ અનુભવું છું, પરંતુ સાથે મને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ મુદ્દા અંગે હિતકારી અને સુખદ ઉકેલ લાવે.
પ્રેસ કોન્ફરન્સ મુલતવી રહી :ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે રાજવી પરિવાર દ્વારા ભુજમાં આવેલા રાજમહેલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી અનિવાર્ય સંજોગોના કારણે પ્રેસ કોન્ફરન્સ મુલતવી રાખવામાં આવી હતી. મોડી રાત્રે પ્રેસનોટ મારફતે મહારાણી પ્રીતિદેવીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરીને પ્રતિક્રિયા આપી હતી.
- રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજના કલેજા પર ચોટ વાગી છે, ઉમેદવાર બદલો-શંકર સિંહ વાઘેલા
- 'કોઈ સમાજ માટે આવી ટિપ્પણી કરવી એ માનવતાનું હનન, હું ક્ષત્રિય સમાજ સાથે' : માંધાતાસિંહજી